Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ઉધમ સિંહની વીરગાથા: જેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડનો લંડનમાં જઈ લીધો બદલો

ઉધમ સિંહની વીરગાથા: જેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડનો લંડનમાં જઈ લીધો બદલો

0
172
  • ભારતનો એ વીર સપૂત, જેણે જનરલ ડાયરને ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યો

  • ઘરમાં ઘૂસીને દુશ્મન જનરલ ડાયરની છાતીમાં ગોળીઓ ધરબી દીધી

  • પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા 21 વર્ષ સુધી જોઈ રાહ

નવી દિલ્હી: આજે ક્રાંતિકારી ઉધમ સિંહની (Udham Singh) પુણ્યતિથિ છે. આજના જ દિવસે એટલે કે, 31 જુલાઈ 1940ના રોજ ઉધમ સિંહને ફાંસીની સજા થઈ હતી. ઉધમ સિંહે પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડના (Jallianwala Bagh Massacre) મુખ્ય આરોપી ફિરંગી જનરલ ડાયરને (General Dyer) તેના જ દેશ લંડનમાં જઈને ખુલ્લેઆમ ગોળી મારીને પોતાના દેશવાસીઓની મોતનો બદલો લીધો હતો. તેમની વીરગાથાના કિસ્સા આજે પણ લોકમુખે સાંભળવા મળી રહ્યાં છે.

શું થયું હતું જલિયાવાલા બાગમાં?
13 એપ્રિલ, 1919ના રોજ બૈશાખીનો સમય હતો. આ દરમિયાન અમૃતસરના જલિયાવાલા બાગમાં રોલેટ એક્ટના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને કચડી નાખવા માટે ભયાનક નરસંહાર કરવામાં આવ્યો હતો.

જ્યારે અંગ્રેજોના રોલેટ એક્ટના વિરોધમાં જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા ચાલી રહી હતી, ત્યારે ક્રુર અંગ્રેજ જનરલ ડાયરના આદેશ પર જલિયાવાલા બાગમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં અનેક દેશભક્તો શહીદ થઈ ગયા હતા. આ ઘટના સાથે જ એક મહાન વીર સપૂતનું નામ જોડાયું છે, જેણે જલિયાવાલા બાગની ઘટનાને પોતાની નજર સમક્ષ જોઈ હતી.

આ ઘટના બાદ ઉધમ સિંહે દેશવાસીઓના લોહીથી ખરડાયેલી ભારત ભૂમિને જઈને ગુનેગારોને તેમની સજા આપવાનો નિશ્ચય કર્યો હતો. ઉધમ સિંહે જલિયાવાલા બાગની માટી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરી હતી કે, તેઓ દુશ્મનોનો ખાત્મો કરીને જ રહેશે.

આ પણ વાંચો: કમાલના કલામ…‘સપના એ છે જે તમને સૂવા જ ના દે’

ઉધમ સિંહે કેવી રીતે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી?
કૈક્સટન હૉલમાં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશન અને રૉયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની એક બેઠક ચાલી રહી હતી. જ્યાં જનરલ ડાયર પણ હાજર હતા. ઉધમ સિંહ આ બેઠકમાં હાથમાં પુસ્તક લઈને પહોંચ્યા હતા. જેમાં બંદૂક છૂપાવીને રાખી હતી. આ બેઠક સમાપ્ત થયા બાદ ઉધમ સિંહે બંદૂકની ગોળીઓ જનરલ ડાયરની છાતીમાં ધરબી દીધી હતી.

21 વર્ષ સુધી યોગ્ય તકની રાહ જોઈ
આ માટે ઉધમ સિંહને લંડનની કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. કહેવાય છે કે, જનરલ ડાયર સાથે બદલો લેવા માટે ઉધમ સિંહે 21 વર્ષ સુધી યોગ્ય તકની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. તેમને 31 જુલાઈ 1940ના રોજ લંડનની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યાં તેઓએ હસતા-હસતા મોતને ગળે લગાવી હતી.

કેવી રીતે બન્યા ક્રાંતિકારી?
પંજાબના સંગરુરમાં ઉધમ સિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899માં થયો હતો. કહેવાય છે કે, તેમનું અસલી નામ રામ મોહમ્મદ સિંહ આઝાદ હતું. જો કે પાસપોર્ટ બનાવવા માટે તેમણે પોતાનું નામ બદલીને ઉધમસિંહ કરી દીધુ હતું. જે સમયે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો, ત્યારે તેઓ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા. આ ઘટના બાદ તેમણે સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને ક્રાંતિકારી બની ગયા.

આ પણ વાંચો: ભારત માતાના વીર સપૂત ચંદ્રશેખરને કેવી રીતે મળ્યું ‘આઝાદ’ નામ

જલિયાવાલા બાગ નરસંહાર બાદ ડાયર લંડનમાં છૂપાયો
જનરલ ડાયરને જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બાદ પરત લંડન બોલાવી લેવામાં આવ્યો હતો. જેથી તે ભારતીયોના આક્રોશનો શિકાર ના બને અને સુરક્ષિત રહે. જો કે તેને ક્યાં જાણ હતી કે, એક ક્રાંતિકારી તેનો પડછાયો બનીને પીછો કરી રહ્યો છે અને તેનો જીવ લેવા માંગે છે.

કહેવાય છે કે, જ્યારે લંડનના હૉલમાં જનરલ ડાયરને ગોળી માર્યા ઉધમ સિંહ ત્યાંથી ભાગ્યા નહતા. જે બાદ તેમને 1940માં 31 જુલાઈના દિવસે લંડનની પેન્ટોનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી અને પછી ત્યાંજ તેમના શબને દફનાવવામાં આવ્યું હતું. આ દેશ કાયમ ઉધમ સિંહ જેવા ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની યાદ કરતો રહેશે.