Gujarat Exclusive > દેશ-વિદેશ > 9/11ના એ ગુમનામ હીરો, જેમણે આતંકી હુમલાથી ‘વ્હાઇટ હાઉસ’ને બચાવ્યું

9/11ના એ ગુમનામ હીરો, જેમણે આતંકી હુમલાથી ‘વ્હાઇટ હાઉસ’ને બચાવ્યું

0
96

વૉશિંગ્ટન: અમેરિકામાં અત્યાર સુધીના સૌથી ભીષણ આતંકવાદી હુમલાને 19 વર્ષનો લાંબો સમય પસાર થઇ ચૂક્યો છે.વર્ષ 2001માં આજના દિવસે એટલે 11 સપ્ટેમ્બરે આ ભીષણ આતંકી હુમલો થયો હતો. ખુખાંર આતંકવાદીઓએ પેસેન્જર ફ્લાઈટને હથિયાર બનાવી ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર અને પેંન્ટાગોન પર હુમલો કર્યો હતો. જેમાં અંદાજે 3000 લોકો માર્યા ગયા હતા.

2 વિમાનોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવરને નિશાન બનાવ્યુ હતું, જ્યારે એક વિમાન અમેરિકાના સંરક્ષણ મંત્રાલય એટલે પેન્ટાગોનની બિલ્ડિંગ પર ધડાકાભેર ટકરાયુ હતું. જ્યારે એક અન્ય ચોથુ વિમાન પણ આતંકવાદીઓએ હાઇજેક કર્યુ હતું. જે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન એટલે વ્હાઇટ હાઉસ સાથે ટકરાવાનું હતું.

જો કે વિમાનમાં રહેલા મુસાફરોની સૂઝબૂઝના કારણે આ વિમાન વ્હાઇટ હાઉસ સુધી પહોંચી જ ના શક્યુ. તો ચાલો આજે અમે તમને એ વિમાનમાં રહેલા 44 લોકોના સાહસની અદભૂત કહાની સાથે રૂબરૂ કરાવીએ…

શું થયું હતું તે દિવસે?
એ દિવસે મંગળવારની સવાર હતી. લોકો પોત-પોતાના કાર્યાલયમાં પહોચ્યા હતા. કેટલાંક લોકો ઝડપથી કાર્યાલય તરફ આગળ વધી રહ્યાં હતા. આ દરમિયાન અલ કાયદાના 19 ખુંખાર આતંકવાદીઓએ તે દિવસે અમેરિકા જ નહી પણ આખા વિશ્વને હચમચાવી નાંખવાનું કાવતરું રચ્યુ હતું.

સવારના સમયે એરપોર્ટની સુરક્ષા તોડી આ આતંકવાદીઓ હથિયારો સાથે 4 વિમાનમાં સવાર થઇ ગયા હતા અને જોત-જોતામાં તેમણે વિમાનોનું અપહરણ કરી લીધુ હતું.

આ પણ વાંચો: શું LAC પર ચીનના કબ્જાને પણ ભારત સરકાર કહેશે ‘એક્ટ ઑફ ગોડ’: રાહુલ ગાંધી

જેમાંથી બે વિમાન ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ આગળ વધ્યા અને એક-એક કરીને બન્ને ટાવર્સ સાથે ધડાકાભેર ટકરાયા હતા. ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર પર સવારે 8:45 કલાકે જે વિમાન ટકરાયુ તે અમેરિકન એરલાઇન્સનું બોઇંગ 767 વિમાન હતું અને તેમાં 20 હજાર ગેલન જેટ ફ્યૂઅલ ભરેલુ હતું.

ત્રીજા વિમાને વોશિંગ્ટન ડીસીના બહાર પેંટાગોનને પોતાનું નિશાન બનાવ્યુ હતું. ચોથુ વિમાન (યૂનાઇટેડ ફ્લાઇટ-93) પેન્સિલવેનિયાના શાંક્સવિલેમાં એક ખેતરમાં ક્રેશ થઇ ગયુ હતું. માનવામાં આવે છે કે, આ ચોથા વિમાનનું નિશાન વ્હાઇટ હાઉસ હતું.

વિમાન મોડું ઉડતા થયો ફાયદો
ન્યૂજર્સીના ઉડાન ભરનારા યૂનાઇટેડ ફ્લાઇટ 93 વિમાનને કેલિફોર્નિયા જવાનું હતું. આ વિમાનને ઉપડવામાં મોડુ થયુ અને વિમાનની અંદર બેઠેલા લોકો ઉડવાની રાહ જોઇ રહ્યાં હતા. આ દરમિયાન ન્યૂયોર્કના ટ્વીન ટાવર્સ અને પેંટાગોન પર હુમલા માટે નીકળેલા 3 વિમાન તે બિલ્ડિંગ સાથે ટકરાઇ ચૂક્યા હતા.

ટેક ઑફ માટેની રાહમાં ન્યૂજર્સીના નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનની અંદર બેઠેલા કેટલાક મુસાફરોને ફોન દ્વારા આ આતંકવાદી હુમલાના સમાચાર મળ્યા હતા.

આ વચ્ચે યૂનાઇટેડ ફ્લાઇટ 93 હાઇજેક થવાના સમાચાર પણ જાણવા મળ્યા હતા. હવે કેટલાક યાત્રીઓ અને વિમાનના એટેડન્ટ્સે આતંકી સામે લડવાનો પ્લાન બનાવ્યો હતો.

I Love You, Honey
વિમાન હાઇજેક થયા બાદ યૂનાઇટેડ ફ્લાઇટ-93 વિમાનમાં હાજર એક મુસાફરે થોમસ બુર્ને જૂનિયરે પોતાની પત્નીને ફોન કર્યો હતો. તેણે પત્નીને કહ્યું, હું જાણુ છું કે અમે મરવાના છીએ, અમારામાંથી 3 લોકો આતંકવાદીઓ સામે લડવા જઇ રહ્યાં છે, I Love You Honey.’ એક અન્ય યાત્રી ટોડ બીમરે એક ઓપન લાઇન પર એમ કહેતા સાંભળવા મળ્યો, શું તમે લોકો તૈયાર છો? લેટ્સ રોલ.’

4 આતંકવાદીઓ સાથે મુસાફરો બાખડ્યાં

મુસાફરોને અત્યાર સુધી ખબર પડી ગઇ હતી કે, તેમનું વિમાન પણ હાઇજેક થઇ ગયુ છે અને હવે તેમાંથી ભાગ્યે જ કોઇ જીવતુ બચશે. આ વચ્ચે કેટલાક યાત્રીઓએ સાહસ બતાવ્યુ હતું. યાત્રી વિમાનની અંદર રહેલા 4 આતંકવાદીઓ સાથે બાખડી પડ્યા હતા.

મુસાફરોએ કોકપિટમાં ઘુસેલા આતંકીઓ પર હુમલો કર્યો હતો. વિમાન હવામાં પલટી મારી ગયુ અને હવે 500 માઇલ પ્રતિ કલાકની ઝડપથી જમીન તરફ ખેંચાવા લાગ્યુ હતું. અંતે સવારે 10:10 કલાકે આ વિમાન પશ્ચિમી પેન્સિલવેનિયાના શાંક્સવિલેના એક ખેતરમાં ક્રેશ થઈ પડ્યુ હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં રહેલા તમામ 44 લોકોના મોત થયા હતા.

વ્હાઇટ હાઉસ હતું આતંકીઓના નિશાને
યૂનાઇટેડ ફ્લાઇટ 93 વિમાનના મુસાફરોએ આતંકીઓએ મનસૂબા પર પાણી ફેરવી દીધુ હતું. ભલે તેમાંથી કોઇના જીવ ના બચ્યા હોય, પરંતુ તેમણે કોઇ મોટા સંભવિત ટાર્ગેટને નિશાન બનાવતા અટકાવી જરૂર દીધા હતા. જો કે, આજસુધી એમ ખબર નથી પડી કે, આ વિમાનને હથિયાર બનાવી આતંકવાદીઓ ક્યા હુમલાને અંજામ આપવા માંગતા હતા.

આતંકવાદીઓના સંભવિત ટાર્ગેટમાં વ્હાઇટ હાઉસ, ધ યૂએસ કેપિટલ, મેરિલેન્ડ સ્થિત ધ કેમ્પ ડેવિડ પ્રેસિડેન્શિયલ રિટ્રીટ અને દેશભરમાં રહેલા કેટલાક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ હોવાનો કયાસ લગાવાઈ રહ્યો છે.