Gujarat Exclusive > દેશ-વિદેશ > લૉકડાઉન શું છે? શું ખુલ્લુ રહેશે અને શું થશે બંધ? જાણો જે તમે જાણવા માંગો છો

લૉકડાઉન શું છે? શું ખુલ્લુ રહેશે અને શું થશે બંધ? જાણો જે તમે જાણવા માંગો છો

0
1810

નવી દિલ્હી: કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ભારતની વાત કરીએ તો, દેશમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા હવે 350ની ઉપર પહોંચી ગઈ છે. કોરોનાના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 22 માર્ચના રોજ જનતા કરફ્યૂનું એલાન કર્યુ હતું, જે ઘણું સફળ રહ્યું હતું. જો કે હવે દેશના 13 રાજ્ય અને કુલ મળીને 80 જિલ્લાઓ લૉકડાઉન થઈ ગયા છે. જો કે આ લૉકડાઉન આપણામાંથી અનેક લોકો માટે નવો શબ્દ છે. તાજેતરમાં તમે “જનતા કરફ્યૂ” નામ સાંભળ્યું હતું, પરંતુ તેનો અર્થ નહતા જાણતા. હવે લૉકડાઉન પણ નવો શબ્દ છે, તો ચાલો તમને જણાવીએ કે આ લૉકડાઉન આખરે શું હોય છે?

શું હોય છે લૉકડાઉન?
લૉકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે એપિડેમિક અથવા કોઈ આપદા સમયે લાગૂ થાય છે. આ વ્યવસ્થા સરકાર લાગૂ કરે છે. લૉકડાઉનમાં જે-તે વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી હોતી. તેમણે માત્ર દવા અથવા અનાજ જેવી જરૂરી વસ્તુઓ અથવા બેંકમાં રુપિયા ઉપાડવા માટે જ બહાર જવાની મંજૂરી મળે છે.

કેમ હોય છે લૉકડાઉન?
કોઈ સોસાયટી અથવા શહેરમાં રહેનારા ત્યાંના લોકોના સ્વાસ્થ્ય અથવા અન્ય જોખમોથી બચાવવા માટે લૉકડાઉ લાગૂ કરવામાં આવે છે. આ સમયે કોરોના વાઈરસના ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન અપનાવાયું છે. જો કે તે આટલો કડક રીતે હજુ લાગૂ નથી થયો. લોકડાઉનને સરકારની જગ્યાએ આ વખતે લોકો ખુદ પોતાની પર લાગૂ કરી રહ્યાં છે. ઈટલીના અનેક વિસ્તારોમાં લોકોએ પોતાની જાતને ઘરોમાં કેદ કરી લીધા હતા. જેથી કોરોનાનો ચેપ તેમના સુધી ના પહોંચે.

ચીન સહિત અનેક દેશોમાં લૉકડાઉન
કોરોના વાઈરસના ચેપને જોતા ચીન, ડેન્માર્ક, લંડન, અમેરિકા, અલસાલ્વાડોર, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઈટલી, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. ચીનમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસો સામે આવ્યા હતા. આથી સૌ પ્રથમ ત્યાં લૉકડાઉન કરવામાં આવ્યું, ત્યાંની સરકારે લોકોને એક પ્રકારે લોકોને ઘરમાં હાઉસ એરેસ્ટ રહેવા કહ્યું હતું.

અગાઉ પણ થયું છે લૉકડાઉન
સૌ પ્રથમ અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ લૉકડાઉન કરવામાં આવ્યો હતો. અમેરિકન સરકારે ત્યાં 3 દિવસ સુધી લૉકડાઉન કર્યું હતું. ડિસેમ્બર 2005માં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે હિંસા ફેલાતી અટકાવવા માટે લૉકડાઉન કર્યું હતું.

19 એપ્રિલ 2013ના આતંકવાદીઓને શોધવા માટે બોસ્ટન શહેરમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવેમ્બર 2015માં પેરિસ હુમલા બાદ શંકાસ્પદોને ઝડપી પાડવા માટે સમગ્ર શહેરમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું.

શું શાકભાજી-દૂધની દુકાનો ખુલ્લી રહેશે?
દૂધ, શાકભાજી અને દવાઓની દુકાનો લૉકડાઉન અંતર્ગત નથી આવતી. જો કે આ દુકાનો પર કારણ વગરની ભીડથી બચવું જરૂરી છે.

શું હશે ATM-પેટ્રોલ પંપની સ્થિતિ?
પેટ્રોલ પંપ અને ATMને રાજ્ય સરકારે જરૂરી સેવાઓની શ્રેણીમાં રાખ્યા છે. આથી આ ખુલ્લા રહેશે.

શું ખાનગી વાહનોનો ઉપયોગ થશે?
હા ખાનગી વાહનોની અવર-જવર ચાલુ રહશે, પરંતુ ચેપથી બચવા માટે ખુલ્લા વાહનો જેવા કે બાઈક વગેરેની જગ્યાએ ખાનગી કાર વગેરેનો ઉપયોગ કરવો.

આટલું ખાસ ધ્યાન રાખશો
લૉકડાઉન સમયે કારણવિના ઘરેથી ના નીકળશો. બાળકો અને વૃદ્ધો ખાસ ધ્યાન રાખે. ઘરમાં રહેવા છતાં કેટલાક લોકો કંટાળી જાય છે અને ખોટી અફવા ફેલાવા લાગે છે. અફવાઓ પર ધ્યાન ના આપશો. ઘરમા રહીને તમે તમારા તમામ શોખ પૂરા કરો, જે તમે તમારા વ્યસ્ત શિડ્યુલમાં પૂરા કરી શકતા નથી. જો વર્ક ફ્રોમ હોમ મળ્યું હોય, તો ઘરે બેસીને પણ કામ કરી શકો છો.

લૉકડાઉન સમયે આ બધુ રહેશે બંધ
લૉકડાઉન સમયે સ્કૂલ, કૉલેજ, મૉલ, ઓફિસો, થિયેટર, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, લગ્ન સમારંભો, ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરે બંધ રહેશે. રોડ પર 5થી વધુ લોકોને એકઠા પણ નહીં થવા દેવામાં આવે.

દેશમાં ક્યાં-ક્યાં લૉકડાઉન?
► દિલ્હીના તમામ 7 જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન. અહીં કોરોનાના 27 કેસો અને 1નું મોત
► પંજાબના તમામ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન. અહીં કોરોનાના 21 કેસો
► રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► બિહારના તમામ જિલ્લાઓ, નગરપાલિકા શહેરોમાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► ઝારખંડમાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં 25 માર્ચ સુધી લૉકડાઉન. આ જિલ્લાઓ લખનઉ, વારાણસી, ગોરખપુર, કાનપુર, મેરઠ, બરેલી, આગરા, પ્રયાગરાજ, ગાજિયાબાદ, નોઈડા, અલીગઢ, સહારનપુર, લખીમપુર, પીલીભીત, આઝમગઢ અને મુરાદાબાદ છે.
► આખા ઉત્તરાખંડમાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► હરિયાણાના 7 જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન. જેમાં ગુરૂગ્રામ, ફરિદાબાદ, સોનીપત, પાનીપત, ઝજ્જર, રોહતક અને પંચકુલાનો સમાવેશ થાય છે.
► મધ્ય પ્રદેશના 9 જિલ્લાઓ – ભોપાલ, જબલપુર, સિવની, બાલાઘાટ, બૈતુલ, ગ્વાલિયર, છિન્દવાડા, રતલામ અને નરસિંહપુરને પણ અલગ-અલગ સમય માટે લૉકડાઉન કરવામાં આવ્યા છે.
► છત્તીસગઢમાં પણ 31 માર્ચ સુધી લૉકડાઉન.
► હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લાને પણ અનિશ્ચિતકાળ માટે લૉકડાઉન કરવામાં આવ્યું
► જમ્મુ-કાશ્મીરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► પશ્ચિમ બંગાળમાં કોલકત્તા, નોર્થ 24 પરગણા, માલદા, મુર્શીદાબાદ, નાડિયા, પશ્ચિમી વર્ધમાન, ઉત્તર દિનાજપુર, સિલિગુડી, દાર્જિલિંગ અને હાવડા જિલ્લામાં લૉકડાઉન
► આખા તેલંગાણામાં 31 માર્ચ સુધી લૉકડાઉન.
► સમગ્ર આંધ્ર પ્રદેશમાં પણ 31 માર્ચ સુધી લૉકડાઉન.
► સંપૂર્ણ નાગાલેન્ડમાં અનિશ્ચિત સમય સુધી લૉકડાઉન
► ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોમાં લૉકડાઉન
► મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, પૂણે, નાગપુર અને પિંપરી ચિંચવાડમાં લૉકડાઉન

કોરોનાની અસર: મુંબઈમાં લોકલ ટ્રેન બંધ, આજે છાપા પણ ના છપાયા