Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જન્મદિન વિશેષ: ‘મિસાઈલ મેન’ અબ્દુલ કલામનું અમદાવાદ કનેક્શન

જન્મદિન વિશેષ: ‘મિસાઈલ મેન’ અબ્દુલ કલામનું અમદાવાદ કનેક્શન

0
281

આરિફ આલમ: ડૉ એપીજે અબ્દુલ કલામનું પુરૂ નામ અબુર પાકિર જૈનુલ્લાબ્દીન અબ્દુલ કલામ હતું. તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા અને આજે પણ તેમને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે. કલામ જેટલા મહાન વૈજ્ઞાનિક હતા, તેટલો જ શાંત સ્વભાવ ધરાવતા હતા. અબ્દુલ કલામને ગુજરાત સાથે ખાસ લગાવ હતો. સરખેજ રોજાની તેઓ અચૂક મુલાકાત લેતા હતા. આજના જ દિવસે એટલે કે 15 ઓક્ટોબર, 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં તેમનો જન્મ થયો હતો.

સરખેજ રોજાથી ખાસ લગાવ
અમદાવાદની સુંદર અને પૌરાણિક ઈમારતોમાંથી એક સરખેજ રોજા પ્રત્યે અબ્દુલ કલામને ખાસ લગાવ હતો. સુલ્તાન અહમદ શાહ, જેમના નામ પરથી શહેરનું નામ અમદાવાદ પડ્યું હતું. તેના શાસનકાળ દરમિયાન 1440-143 દરમિયાન અમદાવાદમાં સરખેજ પાસે એક નાનું ગામ વસતું હતું. આ ગામમાં એક મુસ્લિમ પીર શેખ અહમદ ગટ્ટૂ ગંજ બક્સ રહેતા હતા. તેમની યાદમાં સુલ્તાને મકબરા બનાવ્યો હતો. અબ્દુલ કલામ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા, ત્યારે સરખેજ રોજાની અચૂક મુલાકાત લેતા હતા. સરખેજ રોજામાં રાખવામાં આવેલી તેમની તસ્વીર આ વાતનો પુરાવો છે. કલામ સાહેબને આ જગ્યાથી એટલો લગાવ હતો કે, તેમના જન્મ દિવસના અવસરે સરખેજ રોજાના પટાંગણમાં દરવર્ષે પોગ્રામનું આયોજન કરીને તેમને યાદ કરવામાં આવતા હતા. આ રીતે તેમને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી.

વિધવા ઘરનું કર્યુ ઉદ્ધાટન
2002માં જ્યારે કલામ ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તેમણે વિધવા ઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. આથી દરવર્ષે આ દિવસના અવસરે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન કલામને યાદ કરીને દુઆ માંગવામાં આવે છે. કલામ સાહેબના જન્મ દિવસના અવસરે વિધવા ઘરમાં રહેનાર મહિલાઓએ આંખોમાં આંસુ સાથે તેમને યાદ કરતા જણાવ્યું કે, કલામ સાહેબ જો પહેલ ના કરતા, તો અમારી જિંદગી ખરાબ રીતે પસાર થતી હોત. વિધવા ઘરમાં રહેનાર મહિલાઓએ કલામ સાહેબને શ્રદ્ધાંજલિ આપતા દુઆ માંગી કે, ભારતમાં આવા વિચારો ધરવનાર લોકોની આજે પણ જરૂરત છે. જ્યારે વિધવા ઘરની જવાબદારી સંભાળનાર અફજલ ખાન દિલ્લાવાલાએ જણાવ્યું કે, એવા દરેક વ્યક્તિને યાદ કરવામાં આવે છે, જેમણે પોતાનું જીવન બીજા માટે સમર્પિત કર્યું હોય. કલામ સાહેબે માત્ર ભારત માટે જ નહીં, પરંતુ ગરીબો માટે પણ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

અનેક એવોર્ડથી સમ્માનિત
કલામ એક મહાન વ્યક્તિત્વ ધરાવતા વૈજ્ઞાનિક હતા. જેમને 1997માં ભારત રત્વ, 1990માં પદ્મ વિભૂષણ, 1981માં પદ્મ ભૂષણ, 1997માં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, 2000માં રામાનુજન એવોર્ડ, 2007માં કિગ્સ ચાર્લ્સ દ્વિતીય મેડલ, 2009માં ઈન્ટરનેશનલ વોન કરમાન વિંગ્સ એવોર્ડ અને હૂવર મેડલ જેવા અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કલામ સાહેબની સફર પર એક નજર
વર્ષ 1962 કલામ પ્રથમ વખત ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) પહોંચ્યા હતા. કલામ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા, જ્યારે ભારતે પોતાના સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SLV-3 બનાવ્યું હતું. કલામે સ્વદેશી ગાઈડેજ મિસાઈલને ડિઝાઈન કરી, જેને પગલે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો ભારતીય ટેકનિકથી બની.

વર્ષ 1992થી 1999 સુધી કલામ રક્ષા મંત્રીના સલાહકાર પણ રહી ચૂક્યા છે. જ્યારે વાજપેયી સરકારે પોખરણમાં ફરીથી ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો, ત્યારે કલામે મોટી ભૂમિકા ભજવી હતી. કલામની આગેવાનીમાં જમીનથી હવામાં વાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈ અને રિએન્ટ્રી એક્સપ્રિમેન્ટ લોન્ચ વ્હીકલ (રેક્સ) પર ખૂબ કામ થયું. પૃથ્વી, ત્રિશૂલ, આકાશ અને નાગ નામની મિસાઈલોનું નિર્માણ થયું.

કેવી રીતે બન્યા મિસાઈલ મેન
• વર્ષ 1985માં સપ્ટેમ્બર મહિનામાં ત્રિશૂલનું પરિક્ષણ
• વર્ષ 1988માં ફેબ્રુઆરી મહિનામાં પૃથ્વી મિસાઈલનું પરિક્ષણ
• વર્ષ 1989ના મેં મહિનામાં અગ્નિ મિસાઈલનું પરિક્ષણ .

આ ઉપરાંત 1998માં રશિયા સાથે મળીને ભારતે સુપર સોનિક ક્રૂજ મિસાઈલ બનાવવા પર કામ શરૂ કર્યુ અને બ્રહ્મોસ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. બ્રહ્મોસ જમીન, આકાશ અને સમદ્ર ગમે ત્યાંથી પ્રક્ષેપિત કરી શકાય છે. આ સફળતા બાદ કલામને મિસાઈલ મેન તરીકે ખ્યાતિ મળી. આ મહાન વ્યક્તિએ સાયન્સના ફિલ્ડમાં વિવિધ કામ કરીને સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. જો કે 27 જુલાઈ 2015ના રોજ તેઓ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યાં.