Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર – અમદાવાદના નાગરિકોને ઉત્તરાયણે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ

ગાંધીનગર – અમદાવાદના નાગરિકોને ઉત્તરાયણે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ

0
60

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રવેશ દ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે 17 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને 21.67 કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રસ્તાનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને આજે ઉત્તરાયણના તહેવારે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ મળી છે જેના થકી અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર જ્યાં ખૂબ જ ટ્રાફિક થતો હોય છે તેવા ટ્રાફિકથી ભરચક રહેતા એસ. જી. હાઇવે પર નાગરિકો હવે સુરક્ષા સાથે ઝડપી પરિવહન કરી શકશે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 867 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સરખેજ- ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-147 (એસ.જી હાઇવે)ના ફ્લાયઓવર્સ સહિત છ માર્ગીકરણ તથા એલિવેટેડ કોરિડોરના કામો પૈકી આજે આ બે મહત્વના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં કુલ 10 ફ્લાય ઓવરના કામોનો સમાવેશ થાય છે. જે પૈકી તૈયાર થઈ ગયેલા સિંધુભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પરના ફલાયઓવરના લોકાર્પણ નવેમ્બર-2020માં કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અમિત શાહે ચગાવ્યો પતંગ, રાજકારણ પછી હવે આકાશમાં લડાવ્યા પેચ

જ્યારે અન્ય કામો જુલાઈ-2021 સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું આયોજન છે. એટલું જ નહિ આ નિર્ણાયક રાજ્ય સરકાર દ્વારા અંદાજે 3400 કરોડના ખર્ચે રાજ્યના રેલવે ફાટકો ઉપર 68 ઓવર બ્રિજ બનાવવાનો સંકલ્પ કરાયો છે ત્યારે આગામી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત રાજ્ય બની જશે જે સમગ્ર દેશમાં ફાટક મુક્ત પ્રથમ રાજ્ય હશે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ-147 સરખેજ-ગાંધીનગર-ચિલોડા (એસ.જી હાઇવે) રોડના નવિનીકરણની કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેચવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગને ચાર લેનમાંથી છ લેનમાં પહોળા કરવા અને નવા સર્વિસ રોડ બનાવવા ઉપરાંત 10 જંકશન ઉપર ફ્લાય ઓવર બનાવવાના પ્રોજેક્ટ છે. કુલ 10 જંકશનમાં ઘ-0 (ઇન્ફોસીટી જંક્શન), ખ-0 (સરગાસણ જંક્શન), ઉવારસદ જંક્શન, ખોડિયાર કન્ટેનરયાર્ડ પાસે પુલ, ખોડિયાર રેલ્વે પુલ, વૈષ્ણોદેવી જંક્શન, સોલા ભાગવત જંક્શનથી ઝાયડસ જંક્શન સુધીનો સોલા રેલ્વે ઓવર બ્રીજના વાઇડનીંગ સહિતનો 4.18 કી.મીનો એલીવેટેડ કોરીડોર, સિંધુભવન ચાર રસ્તા, સાણંદ જંક્શન અને ઉજાલા જંક્શન એમ મળી કુલ 10 ફ્લાયઓવરોની કામગીરીનો સમાવેશ થાય છે.

શુ છે વિશેષતા ?

આજે લોકાર્પણ કરવામાં આવેલા ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં 35 મીટરનો એક ગાળો છે. જેમાં એપ્રોચની લંબાઇ –536 મીટર ગાંધીનગર તરફ અને 580 મીટર સરખેજ તરફ છે જ્યારે પહોળાઈ – 6 માર્ગીય (28 મીટર) (13.5 મીટર બન્ને તરફ) છે. તે માટે કુલ 17 કરોડનો ખર્ચ થયો છે. તેના સર્વિસ રોડની લંબાઇ – 1151 મીટર (બન્ને તરફ) અને પહોળાઇ 7 મીટર છે.

તે ઉપરાંત પુલ ઉપર કુલ 32 સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ રોડ ઉપર કુલ 56 સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે. જ્યારે લોકાર્પણ કરાયેલા બીજા પ્રોજેક્ટ ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના 10 માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ 21.67 કરોડ થયો છે. આ રસ્તાની લંબાઇ બે કિ.મી અને પહોળાઇ 20.25 મીટરની છે. અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રોડ ઉપર અડાલજ ખાતે એસ.જી.હાઇવે અંડર પાસથી ત્રિ-મંદિર પછી જમીયત પુરા હનુમાનજી મંદિર રેલ્વે અંડર પાસ સુધી 10.00 માર્ગીય રસ્તાનું બાંધકામ કરાયું છે. આ રસ્તાની મધ્યમાં 3.00 મીટર પહોળું એમ.એસ.જાળી સાથેનું ડીવાઇડર પણ બનાવાયું છે. આ રસ્તા ઉપર રોડ સેફ્ટી તેમજ જરૂરીયાત મુજબ રોડ ફર્નીચર પણ કરાયું છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ 2021: સાંજના 6 વાગ્યા સુધીમાં પતંગ – દોરીને લીધે 176 ઇમરજન્સી કેસ નોંધાયા

આ પ્રોજેક્ટ ઉપરાંત ટ્રાફિકની વધુ સરળતા માટે વધારાની કેટલાક અગત્યના કામો કરવામાં આવ્યા છે. જેમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ દ્વારા આ હાઇવે પર 26.00 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની કામગીરી પણ સાથો સાથ હાથધરી છે. તે ઉપરાંત વૈષ્ણોદેવી ઔડા રીંગ રોડ જંક્શન પર છ માર્ગીય ફ્લાયઓવર તો બનશે જ. આ ઉપરાંત રીંગ રોડનો ટ્રાફિક વિના અડચણે આ જંકશન પરથી પસાર થઇ શકે તે માટે ઔડા સાથે પરામર્શ કરી 31 કરોડના ખર્ચે અંડરપાસની કામગીરી સાથો સાથ હાથ ધરવામાં આવી છે કે જેથી ત્રણ લેયરમાં ટ્રાફિક પસાર થઇ શકે.

સોલા રેલ્વે ઓવરબ્રીજ નીચે હાલમાં સતાધાર ચાર રસ્તાથી સાયન્સ સીટી તરફ એક બોક્ષમાંથી ટ્રાફીક પસાર થાય છે. આથી એ.એમ.સી.ની વિનંતીથી આ પ્રોજેકટની સાથે વધારાનું એક બોક્ષ 13.00 કરોડના ખર્ચે બનાવવાની કામગીરી પણ સાથો સાથ હાથ ધરાયું છે. કે જેથી ફોરલેન રસ્તા માટે બે બોક્ષ મળી શકે અને ટ્રાફીકને સરળતા રહે. આમ, 70 કરોડના ખર્ચે વધારાની કામગીરી પણ આ પ્રોજેકટની સાથે હાથ પર લેવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)