Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

#Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

0
202

ડૉ. જય નારાયણ વ્યાસ: વાત છે એક મજૂર આગેવાનની.
એવો આગેવાન જે શરીરે એક કરતાં વધુ કારણોસર નિર્બળ હતો પણ ખુદ્દારી અમાપ. ગરીબો માટે સાચા દિલની લાગણી. યશ કે કીર્તિની કોઈ ભૂખ નહીં. સંપૂર્ણપણે સત્યવાદી, ન્યાયપ્રિય અને નિરહંકારી વ્યક્તિત્વ. મજૂરોનું કામ હકીકતે માનવધર્મનું કામ છે. એ વાતમાં પૂરી શ્રદ્ધા. વાકછટા એવી અદભૂત કે સામાવાળાને એમના તર્કનો જવાબ આપવા માટે રીતસરનાં ફાંફાં મારવા પડે. સર એલ. એ. શાહ લૉ કોલેજના શરૂઆતની બેચના વિદ્યાર્થી. એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાત કરવાની સનદ પણ મેળવી. પણ મન જનકલ્યાણની પ્રવૃત્તિ તરફ ઝુકેલું. ધન મેળવવાની ઇચ્છા ખરી પણ ધનિક થવાની નહીં. જીવનમાં કાંઈક કરવું તેવો મુખ્ય આશય.

આ વ્યક્તિનું નામ સોમનાથ પ્રભાશંકર દવે, બી.એ., એલ.એલ.બી.
એમના જીવનનો એક પ્રસંગ છે. પોતાને વાંચનનો શોખ. અમદાવાદ મ્યુનિસિપાલિટી બરતરફ થઇ અને તેનો વહીવટ કરવા સરકારે એક કમિટી નીમી. તે કમિટીમાં અમદાવાદના એક અગ્રગણ્ય મિલમાલિક પણ હતા. પોતાના મ્યુનિસિપાલિટી અંગેના કામમાં મદદરૂપ થવા તેમણે સોમનાથભાઈને નોકરીમાં રાખ્યા. રોજ સાયકલ ઉપર બેસી ઘરથી પેલા મિલમાલિકના નિવાસસ્થાને શાહીબાગ જવાનો ક્રમ ચાલુ થયો.

આ મિલમાલિક પાસે સારી એવી સમૃદ્ધ કહી શકાય તેવી પોતાની અંગત લાઇબ્રેરી. સોમનાથભાઈને વાંચનનો શોખ. એમણે પેલા મિલમાલિકની લાઇબ્રેરીનો લાભ લીધો. પરદેશની મ્યુનિસિપાલિટી કેવી રીતે ચાલે છે તે જાણ્યું. સાંઈ મકરંદ દવેની ઉકિત ‘ગમતું હોય તો અલ્યા ગુંજે ન ઘાલીએ, ગમતાનો કરીએ ગુલાલ’ સોમનાથભાઈએ આત્મસાત કરી હશે. એટલે પોતાના વાંચનનો લાભ બીજાઓને મળે તે હેતુથી અમદાવાદથી પ્રસિદ્ધ થતાં કોઈ અઠવાડિકમાં સોમનાથભાઈએ પોતાના નામથી આ વિષયને લઈને એક અભ્યાસપૂર્ણ અને તુલનાત્મક લેખ લખ્યો. યોગાનુયોગ આ લેખ પેલા મિલમાલિકના વાંચવામાં આવ્યો. તેમણે શ્રી સોમનાથભાઈ દવેને બોલાવ્યા અને કહ્યું કે આ મારી અંગત લાઇબ્રેરી છે, તેમાં સંગ્રહાયેલા પુસ્તકો વાંચીને તમે લેખ લખી છાપામાં છપાવી શકો નહીં.

સોમનાથભાઈના સ્વમાન પર જાણે કે વજ્રાઘાત થયો. આ વાંચન તો એમણે મ્યુનિસિપાલિટી અંગેના કામમાં પેલા મિલમાલિકને મદદરૂપ થઇ શકાય તે હેતુથી કર્યું હતું. લાગ્યું કે આ જાણકારી બીજાઓને પહોંચે તો એમના જ્ઞાનમાં વધારો થશે એટલે એમણે આ પ્રયાસ કર્યો. એમાં કશું ખોટું નહોતું કર્યું. ઊલટાનું પેલા મિલમાલિકે તો એમને શાબાશી આપવી જોઈતી હતી કે પોતાની નોકરીમાં ફાજલ રહેતા સમયમાં સોમનાથ દવેએ આવું સારું કામ કર્યું હતું. આમ તો ના થયું, ઊલટાનું એમણે સોમનાથભાઈને ઠપકો આપ્યો અને કહ્યું, “મારી લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી તમે લેખ લખી છાપામાં છપાવી શકો નહીં.” બેહૂદી વાત લાગે છે, નહીં? પણ સોમનાથભાઈએ સ્વમાન ગીરવે નહોતું મૂક્યું. પોતાના આત્મગૌરવ અને સ્વમાનની એમને કિંમત હતી.

આ પણ વાંચો: #Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા

એમણે પેલા શેઠિયાને નમ્રતાપૂર્વક કહ્યું, “શેઠસાહેબ, કાલથી હું નોકરી ઉપર નહીં આવું.” અને થયું પણ તેમજ.
એક અબજોપતિ મિલમાલિક આવો સંકુચિતવૃત્તિનો માણસ હોઈ શકે? કદાચ લક્ષ્મીનું અભિમાન એના માથે ચડીને બોલતું હતું. શ્રી સોમનાથ દવે માનપૂર્વક રાજીનામું આપીને બીજા દિવસથી આ મિલમાલિકની નોકરીમાંથી છૂટા થયા.

(સંદર્ભ : ‘મજૂર પ્રવૃત્તિ માટે શહીદીની ઊજળી કથા એટલે સૌજન્ય મૂર્તિ શ્રી સોમનાથભાઈ દવે’
નવી સંશોધિત આવૃત્તિ, સંપાદક અને પ્રકાશક શ્રી સુરેશ દવે)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9