અમદાવાદ: સાણંદમાં રહેતા આધેડને ફેસબુકમાંથી યુવતીના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ન્યૂડ વિડીયો કોલ કરીને બાદમાં આધેડના ફોટોને મોર્ફ કરીને ન્યૂડ વિડીયો બનાવી આધેડ પાસે પૈસાની માંગણી કરી હતી. જો કે આધેડે પૈસા ન આપ્યા તો આ અજાણ્યા શખ્સે મોર્ફ કરેલ આધેડનો ન્યૂડ વિડીયો આધેડના ફેસબુકના મિત્રોને મોકલ્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદમાં રહેતા 44 વર્ષીય આધેડ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે અને ફેસબુક પર એક્ટીવર રહે છે. જો કે થોડા દિવસ પહેલા આધેડના ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, બાદમાં યુવતીએ આધેડ સાથે વાતચીત કરીને રાત્રીના સમયે વિડીયો કોલ કર્યો હતો.
જો કે આ વિડીયો કોલમાં ન્યૂડ વિડીયો જોવા મળતા આધેડે કોલ કટ કરી નાખ્યો હતો. બાદમાં સામે વાળી વ્યક્તિએ આધાડને મેસેન્જરમાં એક વિડીયો મોકલ્યો હતો. આ વિડીયોમાં આધેડના ફોટો મોર્ફ કરીને ન્યૂડ વિડીયો બનાવ્યો હતો. બાદમાં આધેડના નંબર પર ફોન કરીને તથા વોટ્સએપ કોલ પર બ્લેકમેઇલ કરી રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. જો કે આધેડે રૂપિયા આપવાની ના પાડી તો ફેસબુક ફ્રેન્ડને મોકલી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.
આધેડે આ નંબર બ્લોક કરી ફેસબુકમાંથી પણ અનફ્રેન્ડ કરી નાખ્યો ત્યારે આ અજાણ્યા શખ્સે આધેડના ત્રણ મિત્રોને આ વિડીયો મોકલી આપ્યો હતો. જો કે આ અંગેની આધેડને જાણ થતા આધેડે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.