અમદાવાદ: નારોલમાં રહેતી યુવતીને હેરાન કરવા માટે કોઈ અજાણ્યો શખ્સ યુવતી અને તેના મિત્રના ફોટા ફેસબુક માધ્યમ પર અલગ અલગ એકાઉન્ટ બનાવી વહેતા કરતો હતો. જેની જાણ યુવતીને થતા તેણે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના નારોલ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી 2020માં એક યુવક સાથે પરિચયમાં આવી હતી. બંન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હોવાથી સાથે ફોટા પડાવ્યા હતા. જોકે થોડા સમય જતા બંન્નેની મિત્રતા તુટી ગઈ હતી. દરમિયાન થોડા દિવસ પહેલા યુવતીના પિતા ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવીને યુવતી અને તેના મિત્રના ફોટાઓ ફેસબુક પર વહેતા કર્યા હતા. જોકે આ અંગે ધ્યાન આપ્યું ન હતુ.
બાદમાં પણ અવાર નવાર અલગ અલગ આઈડીઓ બનાવીને યુવતીને હેરાન કરવા માટે તેના અને તેના યુવક મિત્રના ફોટા ફેસબુક પર વહેતા કર્યા હતા. જેથી યુવતીને જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો શખ્સ યુવતીને હેરાન કરવા માટે સોશિયલ મિડીયા પર તેના ફોટા વહેતા કરી રહ્યો છે. જેથી તંગ આવેલી યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.