Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સામાજિક સમરસતા એ કોઈ પણ રાજ્યના વિકાસની પાયાની જરૂરિયાત: મુખ્યમંત્રી

સામાજિક સમરસતા એ કોઈ પણ રાજ્યના વિકાસની પાયાની જરૂરિયાત: મુખ્યમંત્રી

0
123
  • ઓગણીસમી સદી બાહુબળની, વીસમી સદી મૂડીની જ્યારે એકવીસમી સદી જ્ઞાનની સદી: પ્રદિપસિંહ જાડેજા

  • રાયકા એજ્યુકેશન ચેરિટેબલ સંકુલના શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજનમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગર: સામાજિક સમરસતા એ કોઈ પણ રાજ્યના વિકાસની પાયાની જરૂરિયાત છે, તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદના વૈષ્ણોદૈવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન પ્રસંગે સંબોધન કરતાં વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાત સરકાર સૌ સમાજને સાથે લઈને ચાલવામાં માને છે અને પરિણામ સ્વરૂપે દરેક સમાજના સાથ અને સહકારથી ગુજરાતે સામૂહિક નિર્ણય પ્રક્રિયા દ્વારા વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની સુશાસન માટેની કટિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, અમારી સરકાર પારદર્શક છે, નિર્ણાયક છે અને સંવેદનશીલ પણ છે અને તેથી જ જનસમૂહનું વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. તેમણે શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન પ્રસંગે સમાજમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું કે, ગુજરાત સરકાર જ્ઞાનવાન સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ છે અને તેથી જ શિક્ષણ માટે બજેટમાં રૂ. 35 હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે.

વિજયભાઈએ રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના અભિગમ અંગે છણાવટ કરતા કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે ગુજરાતમાં માત્ર 9 યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જે સંખ્યા આજે 80 એ પહોંચી છે. ગુજરાતના યુવાન-યુવતીઓને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે, અન્ય રાજ્યો-રાષ્ટ્રોમાં જવુ ન પડે તે માટે ઉચ્ચ શિક્ષણના વ્યાપમાં વૃદ્ધિ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સરકાર મક્કમ પણ છે, અને સંવેદનશીલ પણ.. તેમણે આ અંગેનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, જેમ માનવી માટે 108 એમ્બ્યુલન્સ સેવા ઉપ્લબ્ધ છે, તે રીતે ગુજરાતમાં પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા ઉપ્લબ્ધ છે. તેમણે રાજ્ય મૂંગા-અબોલ પશુઓની સારવાર માટે 450 થી વધુ ફરતા પશુ દવાખાનાઓનો આરંભ કર્યો હોવાની વાત પણ કરી.

આઝાદીના અમૃત મહોત્સવનું સ્મરણ કરતા તેમણે કહ્યું કે, આપણા સ્વાતંત્ર્યવીરોએ પોતાના બલીદાન થકી આપણને મહામૂલી આઝાદી આપી છે ત્યારે આપણે રાષ્ટ્ર પ્રત્યે ત્યાગ અને સમર્પણનો ભાવ કેળવીને રાષ્ટ્રસેવા માટે સંકલ્પબદ્ધ બનીએ. તેમણે ઉપસ્થિત શ્રોતાઓને ગરીબીમુક્ત-કુપોષણમુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ બનવા માટે પણ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ રબારી સમાજમાં શિક્ષણ અંગેની આવેલી ચેતના અંગે રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, રબારી સમાજ હવે શિક્ષણ તરફ અભિમુખ બન્યો છે ત્યારે રાજ્ય સરકારની પણ તેને સહાય કરવાની ફરજ છે. ગોપાલકો ગાય માતાની ભક્તિના વ્યવસાયમાં છે અને તેની રક્ષા અને પૂજા એ તેમના સંસ્કાર છે. આ સંસ્કાર-પરંપરાના કારણે જ સમાજ પ્રગતિના પંથે છે. અગાઉ જ્યારે વિવિધ સમાજમાં બહેન-દીકરીને તેડવા જતા ત્યારે તેડાગર રબારી સમાજનો જ હોતો. આમ, તે હંમેશા ભરોસાનું પ્રતિક બની રહ્યો છે.

આ અવસરે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે 19 મી સદી બાહુબળની સદી હતી, 20 મી સદી મૂડીની સદી હતી પણ 21 મી સદી જ્ઞાનની સદી છે, ત્યારે રબારી સમાજે હવે માતા સરસ્વતીની સાધના કરી રહ્યો છે. તે આનંદની વાત છે.

ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ એ આજના સમયની આવશ્યકતા છે અને તેના તરફ દુર્લભ્ય સેવવું કોઈને પણ પરવડે નહીં. જ્યારે ગુજરાતમાં ગાયા માતાના રક્ષણ માટેના કાનૂનની ચર્ચા-વિચારણા ચાલતી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કસાઈઓ ગાય માતાની દયા ખાતા ન હોય તો સરકાર કસાઈઓ માટે દયા ખાવા તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલ 21 કરોડના ખર્ચે આકાર પામશે. તેમાં ઓડિટોરિયમ, ચાર લાયબ્રેરી, બે કમ્પ્યુટર રૂમની સુવિધાઓ ઉપ્લબ્ધ થશે.

આ પ્રસંગે રબારી સમાજના સંતો-મહંતો,ધારાસભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat