Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કાપડના વેપારીઓના કેસનો વહેલો નિકાલ લાવવા SITની રચના કરાઇ

કાપડના વેપારીઓના કેસનો વહેલો નિકાલ લાવવા SITની રચના કરાઇ

0
247
  • અધિક પોલીસ કમિશનર (સેકટર 2)ના સુપરવીઝનમાં SIT કામ કરશે

  • રાજયના ગુહમંત્રીની સૂચનાથી ખાસ પ્રકારનો સેલ ઊભો કરાયો

મનોજ કે. કારીઆ, અમદાવાદ: કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક કિસ્સાઓ રોજબરોજના થઇ ગયા છે. આ કિસ્સાઓને રોકવા માટે મહાજન તરફથી એક નવતર સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી કે જે પણ વેપારીઓ સાથે છેતરપિંડી થાય તેને મહાજન સમક્ષ જાહેર કરી દેવાનું રહેશે. જેથી અન્ય વેપારીઓ તે વ્યક્તિથી છેતરાય નહીં. આમ છતાં છેતરાવાના કિસ્સાં ચાલુ રહેતાં આખરે મસ્કતી કાપડ માર્કેટ મહાજને કાયમી રસ્તો કાઢવા માટે રાજયના ગુહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમની સૂચનાથી અધિક પોલીસ કમિશનર ( સેકટર 2 ) ગૌતમ પરમારે વેપારીઓ સાથે છેતરપિંડી થતું અટકાવવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. સેકટર 2ના માર્ગદર્શન તથા સીધી દેખરેખ હેઠળ આ SIT કામ કરશે. આ ટીમ મસ્કતી કાપડ મહાજન, લવાદ કમિટી સાથે સંકલનમાં રહીને કામગીરી કરશે.

આ પણ વાંચો: મોરબી : આર્થિક વ્યવહારોના આક્ષેપ પર કિશોર ચીખલિયા વિરૂદ્ધ હાર્દિક પટેલે લીગલ નોટિસ ફટકારી

કાપડના વેપારીઓ પાસેથી માલ ખરીદી લીધા બાદ રકમ નહીં ચુકવીને છેતરપિંડી કરવાની માથાકૂટ વર્ષોથી ચાલી રહી છે. ત્યારબાદ તે બીજા વેપારી પાસેથી માલ ખરીદતાં હોય છે. જેના કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયાને ચુનો લાગી જતો હતો. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ક્રિમીનલ ગુનાઓની સંખ્યા વધુ હોવાથી છેતરપિંડીના ગુનામાં ધ્યાન આપી શકતા ન હતા. પરિણામ સ્વરુપે વેપારીઓને ન્યાય મળવામાં સમય જતો હતો. ત્યાં સુધીમાં બીજા વેપારીઓ પણ આવા લેભાગુ તત્વના હાથે છેતરાતાં હતા. આ બાબતને નજર સમક્ષ રાખીને જ મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત સહિતના આગેવાનો રાજયના ગુહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ડીજીપી આશિષ ભાટિયા તથા શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળ્યા હતા. આ રજૂઆતને ધ્યાનમાં લઇને રાજયના ગુહમંત્રી પ્રદિપસિંહની સૂચનાથી અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (સેકટર 2) ગૌતમ પરમાર દ્વારા ખાસ ટીમની રચના કરી છે. આ રચનાથી કેસની તપાસનો ઉકેલ વહેલી તકે આવશે અને બીજા વેપારીઓ છેતરાતાં બચી જશે. પરિણામ સ્વરુપે લેભાગુ તત્વોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થશે તેમ પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું છે.

આ પણ વાંચો: રોમિયોગીરી કરતા પહેલાં ચેતજો, સુરતમાં મહિલાનો રણચંડી બની ધોલાઇ કરતો VIDEO વાયરલ

કાપડની કઇ કઇ છે માર્કેટ

અમદાવાદ શહેરમાં ન્યુ કલોથ માર્કેટ 1,2,3 તથા ઘંટાકર્ણ માર્કેટ, ડી.સી. કલોથ માર્કેટ, હીરાભાઇ માર્કેટ, નૂતન કલોથ માર્કેટ, મહાવીર માર્કેટ, સિટી સેન્ટર 2માં કાપડના સંખ્યાબધ્ધ વેપારીઓ ધંધો કરે છે.

શું કરવાનું રહેશે ?

મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું છે કે, 2019થી અનેક વેપારીઓના નાણાં ફસાયેલા છે. ઉપરોક્ત કાપડ માર્કેટના કોઇપણ વેપારી સાથે છેતરપિંડી થઇ હોય કે ફરિયાદ દાખલ કરાવેલી હોય કે પછી પોલીસ વિભાગ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતો હોય તેઓએ તાત્કાલિક રીતે જે તે માર્કેટના સેક્રેટરીની સહી સાથે મસ્કતી મહાજન કાર્યાલયનો સંપર્ક કરવો. જેથી કરીને SITના અધિકારીઓ સાથે જે તે કેસની ચર્ચા કરી યોગ્ય પોલીસ તપાસ થાય તે બાબત સુનિશ્ચિત કરી શકાય.