Gujarat Exclusive > ગુજરાત > વડગામમાં સીસરાણા-જલોત્રા માર્ગ બીસ્માર, MLA જિગ્નેશ મેવાણીનું પણ તંત્ર સાંભળતુ નથી

વડગામમાં સીસરાણા-જલોત્રા માર્ગ બીસ્માર, MLA જિગ્નેશ મેવાણીનું પણ તંત્ર સાંભળતુ નથી

0
97
  • ખરાબ રસ્તાને કારણે ખેડૂતો-ગ્રામજનો પરેશાન, દર્દી માટે એમ્બ્યુલન્સ પણ આવતી નથી

વડગામ: વડગામ તાલુકાના સીસરાણાથી જલોત્રા સુધીનો વર્ષો પહેલા બનાવેલો સિંગલ પટ્ટીનો રોડ બીસ્માર હાલતમાં છે. તાલુકાના MLA જિગ્નેશ મેવાણીનું પણ તંત્ર સાંભળતુ નથી. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને પણ અનેક વખત રજૂઆતો કરાયા છતાં સરકાર નિંદ્રાધીન છે. ખેડૂતો-ગ્રામીણો ત્રાહીમામ પોકારી ગયા છે. અરે ગામમાં કોઇ બીમાર થાય તો ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ આવતી નથી. રોડ ઉપરથી પસાર થતા અનેક વાહનચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. તેથી ક્યારેક ભયંકર અકસ્માતમાં મોટી જાનહાનિ થશે તો જ તંત્ર જાગશે એવું ગામલોકોનું કહેવું છે.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક વખત લેખિત ફરિયાદ કરી તેમજ ભાજપના આગેવાન અને પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી ફળજીભાઇ ચૌધરી દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખરાબ રસ્તા મામલે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ તેમજ શાસક ભાજપના નેતાઓ ગુજરાતમાં સર્વાંગી વિકાસની ડંફાસો મારે રાખે છે. ત્યારે વડગામ હજુ દેશનો પછાત તાલુકો હોવાની ચાડી ખાય છે. અટલ બિહારી હાઇવે પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં પાકા રોડ બની ગયા હોવાનો મોદી સરકાર દાવો કરે છે. પણ અહીંના રોડ જોઇને લાગે છે કે સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી.

લોકોનું એવું પણ માનવું છે કે અહીંના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી જીતી ગયા. જે ભાજપ સરકારના નેતાઓને પચતું નથી. માટે તેમની ફરિયાદોનો નિકાલ કરવામાં જાણી જોઇને અવગણના કરવામાં આવી રહી છે.

ગામલોકોમાં વ્યાપેલો રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

ખરાબ માર્ગને લીધે આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયેલો છે. પાયાની જરુરિયાત પ્રત્યે સરકારના દુર્લક્ષ અંગે સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે કોરોના મહામારી અને ચૂંટણીનો માહોલ એક સાથે જામ્યો છે ત્યારે સરકાર જે રીતે મત લેવા માટે ગામે ગામ પ્રચાર કરે છે તેવી રીતે થોડુ ધ્યાન ગામડાઓ તરફ આપ્યુ હોત તો પ્રચાર કરવાની જરૂર જ ના પડત. જો રોડ રસ્તા રિપેર કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની પણ ધમકી ઉચ્ચારવામાં આવી છે.

માર્ગની આજુ બાજુ અસંખ્ય કોલ્ડ સ્ટોરેજ, રોજ સેંકડો વાહનોની અવરજવર

સીસરાણાથી જલોત્રા જવાના રસ્તા ઉપર મોટેટા, વણસોલ, ઘોડીયાલ, આમદપુરા, સુખપુરા અને સીસરાણા સહિતના અનેક નાના-મોટા ગામ આવેલા છે. તેમજ સિસરાણા, મુક્તેશ્વર વાયા નવોવાસ થઇને ડભાડ, ખેરાલુ, વડનગર, મહેસાણાની અવર જવર રહે છે. અત્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકા થાય છે અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા જિલ્લામાંથી અનેક ટ્રકો અહી બટાકા લઇને આવે છે.

આ પણ વાંચો: આને કહેવાય અધિકારી! રાજપીપળાની સરકારી મિલકતમાં લગાવેલા ભાજપના બેનર ઉતારાવ્યા

રાત્રે 8 વાગ્યા પછી રોડ પર નીકળવાનું ટાળતા લોકો

સીસરાણાથી જલોત્રા વચ્ચેના ખરાબ રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. વળી આસપાસના તમામ ગામના લોકો સાંજે 8 વાગ્યા પછી આ રસ્તા પર ચાલવાનું ટાળી રહ્યા છે. તેમને અકસ્માતનો ભોગ બનવાનો ભય સતાવે છે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat