નવી દિલ્હી: ભારતના પ્રથમ મતદાર હોવાનું ગૌરવ ધરાવનારા કિન્નોરના શ્યામ સરણ નેગીનું નિધન થયુ છે. મોતના બે દિવસ પહેલા તે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવા ગયા હતા, તેમનો વોટ લેવા માટે ચૂંટણી પંચ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, પુરા સમ્માન સાથે વોટ લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
વૃદ્ધ હોવાને કારણે મતદાન ટીમ તેમના ઘરે પહોચી હતી અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની તારીખ પહેલા જ વોટ લેવામાં આવ્યો હતો. શ્યામ સરણ નેગીએ દેશની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ મત નાખ્યો હતો અને ત્યારથી તે ક્યારેય પણ વોટ નાખવાની તક ચુક્યા નહતા.
શ્યામ સરણ નેગીની ઉંમર 106 વર્ષ હતી અને તે ક્યારેય મતદાનની તક ચુકતા નહતા. 2 નવેમ્બરે જ શ્યામ સરણ નેગીએ હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે મતદાન કર્યુ હતુ. તે કેટલાક દિવસથી બીમાર હતા. કિન્નોરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આબિદ હુસૈને જણાવ્યુ કે જિલ્લા તંત્ર તરફથી શ્યામ સરણ નેગીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે, તેમણે પુરા સમ્માન સાથે વિદાય આપવામાં આવશે અને તેની માટે બેન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્યામ સરણ નેગીનો જન્મ 1 જુલાઇ, 1917માં થયો હતો.
શ્યામ નેગીને કેવી રીતે મળ્યો દેશના પ્રથમ વોટરનો દરજ્જો
ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ બાદ જ્યારે 1951માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ તો શ્યામ સરણ નેગી પ્રથમ વ્યક્તિ હતા જેમણે મતદાન કર્યુ હતુ. તે 25 ઓક્ટોબર, 1951માં લાઇનમાં ઉભા રહીને મતદાન કરનારા પ્રથમ વ્યક્તિ હતા, ત્યારે ચૂંટણી ફેબ્રુઆરી 1952માં યોજાઇ હતી પરંતુ હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાને કારણે 5 મહિના પહેલા જ મતદાન કરાવી લેવામાં આવ્યુ હતુ.
Advertisement