Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના ઈફેક્ટનાં કારણે ઘણી દિકરીઓ નાની ઉંમરે વિધવા થઈ હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી

કોરોના ઈફેક્ટનાં કારણે ઘણી દિકરીઓ નાની ઉંમરે વિધવા થઈ હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી

0
9
  • છુટાછેડા માટેના કારણોમાં હજી દહેજ પ્રથા જવાબદાર : કિશોર ઠક્કર
  • સગાઈ વિચ્છેદ, ડાયવોર્સ, વિધવા, વિધુર ઉમેદવારો માટે લોહાણા સમાજનું સ્પેશ્યલ જીવનસાથી પસંદગી સંમેલન
    યોજાયું

ગાંધીનગર: લોહાણા સગાઈ કેન્દ્ર દ્વારા સગાઈ વિચ્છેદ, ડાયવોર્સ, વિધવા, વિધુર ઉમેદવારો માટે લોહાણા સમાજનું સ્પેશ્યલ જીવનસાથી પસંદગી સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ઈફેક્ટનાં કારણે ઘણી દિકરીઓ નાની ઉંમરે વિધવા તથા ઘણા યુવાનો વિધુર થયા હોવાની અત્યંત દુઃખદાયક વિગતો પ્રકાશમાં આવી હતી.

કોરોનાના કારણે વિશ્વભરમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. તેમાં આર્થિક જ નહીં બલ્કે બેરોજગારી, શારીરિક તકલીફ તો ખરી જ પરંતુ ઘણી દિકરીઓ નાની ઉંમરે વિધવા થઈ હતી. તો ઘણા યુવાનો વિધુર થયા હોવાની પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ નાની ઉંમરમાં વિધવા અથવા તો વિધુર થવાના કારણે તેમનાં બાળકો નાના હોય તે સ્વાભાવિક છે. તેવા સમયે જો આવા ઉમેદવારને યોગ્ય જીવનસાથી વહેલી તકે મળે તો નાના બાળકો બન્નેને પપ્પા-મમ્મી તરીકે સહજતાથી સ્વીકારી લેશે. અન્યથા ઘણી સમસ્યા સર્જાવવાના ચાન્સ વધી જાય છે. તો બીજી તરફ ઘણા કુટુંબોમાં ડાયવોર્સી દિકરા – દિકરી હોય તો સામાજીક વેલ્યુ ઓછી હોય છે તેવું લોકો કહે છે.

પરંતુ ડાયવોર્સી હોવું એ અભિશાપ નથી. તેમના માટે સમાજ સામૂહિક પ્રયાસ કરે તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ લોહાણા સગાઈ કેન્દ્રના પ્રમુખ કિશોરભાઈ ઠક્કરે સામાજિક બીડું ઝડપી લઈને જ ડીવોર્સી, વિધવા, વિધુર માટે સ્પેશ્યલ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં 60થી વધારે ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે ઉમેદવારોના છુટાછેડા કયા કારણોસર થયા હતા તથા પાત્ર પસંદગીમાં કઈ બાબતોનું ધ્યાન રાખશો તેની તંદુરસ્ત ચર્ચા થઈ હતી.

સમાજમાં ડાયવોર્સનું પ્રમાણ વધતા આ સમસ્યાના ઉકેલ માટે લોહાણા લગ્ન-સગાઈ કેન્દ્રના પ્રયાસોની સરાહના કરતા લોહાણા મિલનના પૂર્વ પ્રમુખ નિતિનભાઈ ઠક્કર ( નવભારત ટુરીઝમ ) જણાવ્યું હતું કે સમાજમાં લગ્ન વિષયકના કાર્યો કરતી ઘણી સેવાભાવી સંસ્થાઓ છે, પરંતુ જે પ્રમાણે લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા સતત 31 ફેસ ટુ ફેસ જીવનસાથી પસંદગી સંમેલન તથા લોકડાઉન દરમ્યાન સતત 24 વેબીનાર યોજીને માતા-પિતા તથા ઉમેદવારોને જીવનસાથી પસંદગી માટે સક્રિય રાખવા બદલ કિશોરભાઈ ઠક્કર તથા તેમની ટીમ અભિનંદનને પાત્ર છે.

પ્રો. અવિનાશભાઈ ઠક્કરે લોહાણા લગ્ન સગાઈ કેન્દ્રનાં પોતાના અનુભવો શેર કરીને આવી સંસ્થાને યોગ્ય રીતે સંપૂર્ણ સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું હતું.

લોહાણા લગ્ન સગાઈ કેન્દ્રનાં પ્રમુખ કિશોરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હવે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના હિસાબે મહીને બે પ્રોગ્રામ મર્યાદિત સંખ્યામાં યોજવામાં આવશે. ભવિષ્યમાં આખા દિવસનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ઓછું ભણેલા, મોટી ઉંમરના ઓછી આવક ધરાવનારા યુવક-યુવતીઓ માટે પણ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવશે.

સમાજમાં ડાયવોર્સ વ્યક્તિ, વિધવા કે વિધુરને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના કાર્યક્રમમાં ઉમેદવારોએ છુટાછેડા માટેના કારણોમાં હજુ પણ દહેજ પ્રથા જવાબદાર હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓની દખલગીરી તથા સામેવાળા પાત્રના વફાદારી તથા આંતરજ્ઞાતિય, પ્રેમલગ્ન સોશિયલ મીડીયામાંથી ખોટી પસંદગી જેવા સમાજની આંખ ખૂલી જાય તેવા અનુભવો શેર કર્યા હતા.

આઈટી એક્ષપર્ટ, સ્વપ્નીલભાઈ ઠક્કરે ઉમેદવારોને સ્ટેજ પર ડીબેટીંગ કરાવીને સ્ટેજ ફોબીયા તથા ઉમેદવારો માટે હળવું વાતાવરણ કરીને આગામી સમય માટે પ્રોત્સાહીત કર્યા હતા.

રૂપાબેન ઠક્કરે ઉમેદવારોને સ્વસ્થ-તંદુરસ્ત દાંમ્પત્યજીવન માટે સૂચનો કર્યા હતા. તો સિલ્કીબેન ઠક્કરે એન્કરીંગ દ્વારા ઉમેદવારો પાસે સુંદર રજૂઆત કરાવી હતી. સમાજના વિવિધ આગેવાનોએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીને સંસ્થાને અભિનંદન આપ્યા હતા.

હવે લોહાણા લગ્ન સગાઈ કેન્દ્રનો સતત 32મો કાર્યક્રમ તા. 20 ફેબ્રુઆરીના રવિવારે યોજાશે તેમ શૈલેષભાઈ મુલાણીએ જણાવ્યું હતું. જેના ફોર્મનું વિતરણ બપોરે 3 થી 6 એ વીંગ, મરડીયા પ્લાઝા, સીજી રોડ, અમદાવાદ ખાતે મળશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat