• NCP ચીફ શરદ પવારનો મોદી સરકાર પર કટાક્ષ
• કેટલાક લોકોને લાગે છે કે, મંદિર બનાવવાથી કોરોના જતો રહેશે
• કોરોનાથી અર્થ વ્યવસ્થાને થયેલા નુક્સાન પર ધ્યાન આપે સરકાર
• કોરોનાને સમાપ્ત કરવા પર કામ થવું જોઈએ
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંદર્ભે ભૂમિ પૂજનના કાર્યક્રમને લઈને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવારે કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. શરદ પવારનું કહેવું છે કે, કેટલાક લોકોને લાગે છે કે, મંદિર બનશે એજ દિવસથી કોરોના જતો રહશે. આટલા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હશે. અમારા માટે હાલ કોરોના પર કાબૂ મેળવવો એ પ્રાથમિક્તા છે.
શરદ પવારે જણાવ્યું કે, “ક્યા સમયે-કંઈ વાતને વધારે મહત્વ આપવું જોઈએ? તેના વિશે તમામ લોકોએ હંમેશા વિચાર કરવો જોઈએ. આપણા માટે પ્રાથમિક્તા એ છે કે, કોરોના ગ્રસ્ત લોકોને સ્વસ્થ કેવી રીતે કરવા છે. કેટલાક લોકોને લાગે છે કે, મંદિર બની જશે એ દિવસથી કોરોના નહી રહે. આથી કદાચ તેમણે આ કાર્યક્રમ રાખ્યો હોઈ શકે છે. જો કે આ વિશે મને વધારે જાણ નથી, અમારા માટે હાલ કોરોના વાઈરસ સામે જંગ વધારે મહત્વપૂર્ણ છે.”
આ પણ વાંચો: કોરોના સંક્રમણ વધતા અમદાવાદના વધુ 13 વિસ્તારોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સમાવેશ
NCP સુપ્રીમોએ વધુમાં જણાવ્યું કે, “કોરોના વાઈરસના કારણે લૉકડાઉન લાગૂ થયું છે. જેના કારણે જે આર્થિક સંકટ ઉભુ થયું છે, તેનાથી નાના ઉદ્યોગો અને વેપારીઓને માઠી અસર પહોંચી છે. જેની અમને ચિંતા છે. આથી મારો આગ્રહ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર તેના તરફ વધુ ધ્યાન આપે.”
ઉલ્લેખનીય છે કે, શનિવારે શ્રીરામ જન્મભૂમિ તિર્થ ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે માટે આગામી મહિનાની બે તારીખો મોકલવામાં આવ્યા બાદ શરદ પવારની આ ટિપ્પણી સામે આવી છે.