Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: ‘વેચાય નહીં તેવા લોકો સાથે 2022ની ચૂંટણીનું આયોજન કરીશ’

#Column: ‘વેચાય નહીં તેવા લોકો સાથે 2022ની ચૂંટણીનું આયોજન કરીશ’

0
3568

શંકરસિંહ વાઘેલા: ગુજરાતમાં અત્યારે શાસક પક્ષની રાષ્ટ્રીય સ્તરની નીતિ અને એજન્ડાના કારણે ગુજરાતના નાગરિકોનું અહિત થઇ રહ્યું છે. અહીં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ એવું થતું હતું. તેથી લોકોનું હિત જળવાઇ રહે, તે રીતે શાસન ચલાવી શકાય તે માટે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો સાથે મળી ચર્ચા-વિચરણા કરીશ અને તેની પહેલાં આગામી દિવસોમાં મુંબઇ જઈ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલને મળીશ અને તેમનું માર્ગદર્શન માગીશ.

ચૂંટણી તો આવવાની અને જવાની પરંતુ ચૂંટાયેલા નેતાઓ જો પક્ષાંતર જ કરતા રહેવાના હોય તો પ્રજાની પરિસ્થિતિમાં કોઇ સુધારો થવાનો નથી પ્રજા છેતરાતી રહેવાની છે. આગામી દિવસોમાં હું તે લોકોને મળવાનું આયોજન કરીશ જે સાર્વજનિક જીવનમાં રસ ધરાવતા હોય, પ્રજાનું હિત કરવામાં રસ હોય અને રાજ્યશાસ્ત્રમાં માનનારા હોય. ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. કે કોઇપણ પક્ષ કોઇને કોઇ બંધનમાં હોય છે પરંતુ તે બંધનના કારણે પ્રજાનું અહિત ન થાય તે જોવું જોઇએ. જેમ ક્રિકેટ મેચમાં ખેલાડી પર કોઇ દબાણ ન હોય ત્યારે તે ખૂલીને ચોગ્ગા-છગ્ગા ફટકારતો હોય છે, તેમ રાજકારણમાં પણ આવો દબાણ અને બંધન વિનાના વાતાવરણની જરુર છે. દારુબંધીના નિર્ણયો, બેરોજગારોને નોકરી આપવાના નિર્ણયો, ખેડૂતોનું દેવું માફ કરવાના નિર્ણયો, ખેડૂતોને રાહતદરે વીજળી આપવી વગેરે નિર્ણયો લેવા માટે મંત્રી કે નેતા પર કોઇ દબાણ કે બંધન ન હોવું જોઇએ.

આદિવાસી સમાજ અત્યારે નિરાધાર છે અને લૂંટાઇ રહ્યો છે, દલિત સમાજનું દુઃખ કલ્પના બહારનું છે, બક્ષીપંચ(ઓ.બી.સી.)ની દરેક જ્ઞાતિ દુઃખી છે. પટેલ સમાજનું આંદોલન હમણાં જ સૌએ જોયું છે. અત્યારે ગુજરાતનો કોઇ વર્ગ, જાતિ કે સમૂહ એવો નથી જે કોઇને કોઇ રીતે દુઃખી ન હોય અને આ દુઃખને વાચા આપનારું કોઇ નથી. અંગત સ્વાર્થ છોડી આ દુઃખને વાચા આપવા તૈયાર હોય તેવા આગેવાનોને મળીને આગામી દિશા નક્કી કરવામાં આવશે.

પ્રજાના હિતમાં વિચારનારા લોકોને ચૂંટાવાની તક મળી હોય તેવા ઘણાં ઉદાહરણો છે. આંધ્ર પ્રદેશમાં ચાર પક્ષ હોવા છતાં જગન રેડ્ડીને બહુમતી મળી, પશ્ચિમ બંગાળમાં પણ મોટા ગજાની અન્ય પાર્ટીઓ હોવા છતાં મમતા બેનર્જીએ સરકાર બનાવી, હરિયાણામાં નવોદિત દુષ્યંત ચૌટાલાએ ટૂંકાગાળામાં કામ કરી નાયબ મુખ્યપ્રધાનનું પદ મેળવ્યું અને હરિયાણાના રાજકારણનું ચિત્ર બદલી નાંખ્યુ, અરવિંદ કેજરીવાલે પણ ટૂંકાગાળામાં કામગીરી બતાવી દિલ્હીમાં બીજીવાર સરકાર બનાવી. નકારાત્મક અભિગમ છોડી સકારાત્મકતાથી પ્રજાહિતમાં કામ કરે તેવા નેતાઓની અત્યારે જરુર છે. 1996-97માં ગુજરાતમાં મારી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ હજુ સુધી કરવામાં આવે છે. નેતાઓને એપોઇન્ટમેન્ટ વગર મળવાની પ્રજાને છૂટ, લોકદરબારનું આયોજન, લાલબત્તીનો ઉપયોગ બંધ, મુખ્યપ્રધાને પગાર ન લેવો, સુરક્ષા કાફલો મર્યાદિત રાખવો, અર્થતંત્ર અને વહીટવટી માળખાનું વિકેન્દ્રીકરણ એ સમયે કરવામાં આવ્યું હતું. લોકો સુધી મંત્રીમંડળ લઇ જઇ તેમની હાજરીમાં જ નિર્ણય લેવા અને સમસ્યાઓનો અંત લાવવો તેને સિંગલ વિન્ડો સિસ્ટમ કહેવાય. ખેડૂત હોય કે ઉદ્યોગપતિ બન્ને પ્રશ્નો ત્યારે ધ્યાનમાં લેવામાં આવતા હતા. તે સમયને સરકારે ખેડૂતોને કપાસના અવિશ્વસનીય ભાવો અપાવેલા હતા. આવી સરકારને પ્રજાતરફી સરકાર કહેવાય અને આવી સરકાર ફરી અસ્તિત્વમાં આવે તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

(લેખકના વિચારો વ્યક્તિગત છે. શંકરસિંહ વાઘેલા “બાપુ” ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને છેલ્લા 50 વર્ષથી સક્રિય રાજકારણમાં છે.)

#Column: ભાજપની સંકુચિત માનસિકતાએ વિરોધપક્ષની અસરકારકતા ઓછી કરી