Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: સરકાર અસવાર અને અધિકારીઓ ઘોડા, અત્યારે ખોટા અસવાર ઘોડા પર બેઠા છે અને ઘોડાઓ થોડા સમયમાં તેમને પાડશે

#Column: સરકાર અસવાર અને અધિકારીઓ ઘોડા, અત્યારે ખોટા અસવાર ઘોડા પર બેઠા છે અને ઘોડાઓ થોડા સમયમાં તેમને પાડશે

0
1048

શંકરસિંહ વાઘેલા: અધિકારીઓની પણ સરકારમાં ભૂમિકા હોય તે જરુરી છે. આજના સમયે ઘણી ખોટી વ્યક્તિઓ ચૂંટાતી હોય છે અને મોવડીમંડળ તેને મોટી જવાબદારી આપતું હોય છે. આવા સમયે સાચો અધિકારી જ દેશ અને વહીવટને બચાવતો હોય છે, પણ જો આ અધિકારી કરોડરજ્જુ વગરનો, ખુશામતખોર અને માત્ર પોતાનો જ સ્વાર્થ સાધનારો હોય તો તે નુકસાનકારક છે. ખાટલે મોટી ખોડ જ એ છે કે સાંસદ કે ધારાસભ્યને તેના પદની વાસ્તવિક ક્ષમતા અને મહત્વનું ભાન નથી. પાર્ટીએ ટિકિટ આપી, જીતી ગયા અને પાર્ટીએ કહ્યું એમ કામગીરી કરી.

મુખ્યપ્રધાન તો ગાંધીનગરથી વહીવટ સંભાળવાના છે અને દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારો ડાંગ, ઉમરગામ કે વાંસદાના લોકોના પ્રશ્નો તેમના સુધી પહોંચવાના નથી. આવા સમયે ત્યાંના ધારાસભ્યની જવાબદારી બને છે કે તે સ્થાનિકોના પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચાડે. સાંસદો પણ આવી રીતે તેમના વિસ્તારના સાચા પ્રશ્નો લોકસભામાં રજૂ કરી શકે છે અને સ્થાનિક મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરી શકે છે, પરંતુ હવેના ચૂંટાયેલા નેતાઓ તેમના પક્ષની સરકારને કે કેબિનેટને પ્રજાલક્ષી પ્રશ્નો પૂછતા નથી. પક્ષ એવો ન હોવો જોઇએ જ્યાં જનાદેશથી ચૂંટાઇને આવ્યા છીએ તે નાગરિકોની જ વાત ન કરી શકાય. આજના રાજકીય પક્ષો પણ તેમના સાંસદો કે ધારાસભ્યોને તેમની સ્થાનિક સમસ્યા વિશે પૂછતા નથી. નેતાઓને પણ એવી તસદી કે જવાબદારીનું ભાન હોતું નથી કે તેઓ સરકારને સવાલો પૂછે.

સરપંચથી લઇ સાંસદ સુધી સારો પ્રતિનિધિ ચૂંટવાની જવાબદારી લોકોની છે અને તેમની ઓળખ માટે લોકોમાં કોઇ શૈક્ષણિક લાયકાત નહીં પરંતુ કોઠાસૂઝની જરુર છે. જેમ બસમાં ડ્રાઇવર શિસ્તબદ્ધ હોય તો મુસાફરોને આરામથી નિયત સ્થળ સુધી પહોંચાડે છે પરંતુ જો આ ડ્રાઇવર પીધેલો હોય તો તેને અને મુસાફરો બન્નેના જીવ જોખમમાં નાખે છે. આમ લોકશાહીનું સ્ટિયરિંગ કોના હાથમાં છે તે જરુરી છે. આ નેતૃત્વ અને કામગીરી પર જ આપણાં ખેતરો, ધંધા, રોજગાર, નોકરી, પરિવાર, સુવિધા અને સુખાકારી સંકળાયેલા છે. લોકો સરકારને મા-બાપ ગણતા હોય તો સરકારે પણ મા-બાપની ભૂમિકા ભજવવી જોઇએ, પરંતુ અત્યારે તો રક્ષકો જ ભક્ષકો બન્યા છે. આ રક્ષકો પ્રજાની થોડી ચિંતા કરે તે જરુરી છે.

એવી કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. તેમ લોકો પણ જ્ઞાતિ, ધર્મ, સમાજ કે પ્રાંતના વાદથી દૂર રહી બહોળા હિતમાં વિચારી પ્રતિનિધિ ચૂંટે તો જ વિકાસ શક્ય છે. આવા નેતાઓ જ અધિકારીઓ પાસે યોગ્ય રીતે કામ કરાવી શકે છે. લોકોએ એપોઇન્ટમેન્ટ વગર અધિકારીની ચેમ્બરનો દરવાજો ખખડાવી અંદર જવાનું હોય અને પોતાની સમસ્યા કહેવાની હોય. આ પરિસ્થિતિ જ સાચા અર્થમાં પૂર્ણ વિકાસ કહેવાય. સરકાર અને અધિકારીઓનો સંબંધ અસવાર અને ઘોડા જેવો છે. અસવાર સજ્જ હોય તો જ ઘોડો યોગ્ય રીતે ચાલે છે, પરંતુ અત્યારે ખોટા અસવારો ઘોડા પર બેઠા છે અને નજીકના ભવિષ્યમાં આ ઘોડા અસવારોને પાડશે.

(લેખકના વિચારો વ્યક્તિગત છે. શંકરસિંહ વાઘેલા “બાપુ” ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને છેલ્લા 50 વર્ષથી સક્રિય રાજકારણમાં છે.)

#Column: ‘વેચાય નહીં તેવા લોકો સાથે 2022ની ચૂંટણીનું આયોજન કરીશ’