-
દવા, ઇજેકશનનો માટે રઝળતાં લોકો, RT-PCR ટેસ્ટ થતાં નથી
-
સાચી પરિસ્થિતિ સાંભળવા તમારી ઓફીસમાં જ ફરિયાદ સાંભળવા એક અધિકારીને બેસાડો
ગાંધીનગર: કોરોનાના કાળા કેરે સમગ્ર સરકારી તંત્રને હચમચાવી દીધું છે. ત્યાં સુધી કે અનેક પગલાંઓ લેવા છતાં કોરોના નિયંત્રણમાં આવવાનું નામ લેતો નથી. પરિણામે તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ બાબતે વિરોધ પક્ષ તરફથી કરવામાં આવતી ફરિયાદોને રાજકીય આક્ષેપો ગણીને નકારી કાઢવામાં આવતાં રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વ્યથિત થઇ ઉઠયાં છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખુલ્લો પત્ર લખીને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તે માટે તેમની ઓફીસમાં એક અધિકારીને લોકોની ફરિયાદ સાંભળવા બેસાડો અને પ્રજાની ફરિયાદનું નિરાકરણ થઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યું છે.
તેમણે વધુમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, લોકશાહીમાં ચુંટાયેલી સરકાર લોકોના દુખ દર્દની અવગણના કરી જ ના શકે, લોકોની પારાવાર મુશ્કેલીનો વિડિયો જોવાનો સમય કે જરૂરિયાત નથી તેવું નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આઘાતજનક અને અહંકારપૂર્ણ છે તે વાતનો આપ પણ સ્વીકાર કરશો અને આ કપરા સમયમાં લોકોની મુશ્કેલીઓની મજાક સરકાર ન ઉડાવે તે આપ સુનિશ્ચિત કરશો તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
ગુજરાતના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીના સમયે માત્ર લોકોને પડતી અનેક મુશ્કેલીઓને આપના સુધી પહોંચાડવા માટે અને જાહેર જીવનના એક જવાબદાર વ્યક્તિ તરીકે સંવેદનશીલતાને હચમચાવી મૂકે તેવા કેટલાંક ટેલિફોનિક સંદેશાઓ બાદ મેં એક પરિસ્થિતિનો ચિતાર આપતો મારો વીડીયો અને પ્રેસનોટ જારી કરી હતી.
જેમાં કોઇ મોટા રાજકીય આક્ષેપોના બદલે કેટલીક વાસ્તવિક બાબતોનો ચિતાર રજૂ કર્યો હતો. કમનસીબે આપની સરકારે મારી બાબતને સકારાત્મક લેવાના બદલે આપના એક મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ બાબતોને નકારી અને સબ સલામત છે અને કોઇ ચિંતા નથી, માત્ર કોંગ્રેસવાળા રાજકીય આક્ષેપો કરે છે તેવા પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. તેનાથી મને અત્યંત દુખ થયું છે.
ગોહીલે ભાવનગર સરકારી હોસ્પિટલની એક વીડિયોની લીંકની સાથે ભાવનગરના તેમ જ અન્ય વિસ્તારોના પત્રકારો દ્વારા જે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરીને છાપવામાં આવ્યો છે તેના કટીંગ તેમ જ સાહિત્ય મોકલવાની સાથે કહ્યું છે કે, કેટલીક ખરાબ પરિસ્થિતિ તંત્ર દ્વારા થઇ રહી છે.
અમદાવાદની એસવીપી હોસ્પિટલથી લઇને તમામ જગ્યાએ મેં ખુદ જાતે આઇસીયુ બેડ માટે પ્રયત્ન કર્યો હતો અ તમામ જગ્યાએથી કહેવામાં આવ્યું હતું કે, બધી આઇસીયુ બેડ ભરેલી છે અને વેઇટીંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ મેં મારી પ્રતિક્રિયા આપી હતી. આમ છતાં વાસ્તવિક પરિસ્થિતિને સકારાત્મક રીતે લઇને લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના બદલે કોંગ્રેસ રાજકીય આક્ષેપ કરે છે તેવું આપના મંત્રીનું કહેવું છે તે મને લાગે છે કે લોકશાહી રીતે બેઠેલી સરકાર માટે શરમજનક ગણાય.
કોરોના માટે જરૂરી આર.ટી.પીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં નથી. જરુરી દવાઓ અને ઇજેંકશનો માટે લોકો રઝળયા કરે છે છતાં દવાઓ અને ઇજેકશનો મળતા નથી તેમ જ RT-PCR ટેસ્ટ થતાં નથી તેવા સતત મારા ઉપર ફોન આવી રહ્યાં છે. ત્યારે આપને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તે માટે તમે તમારી ઓફિસમાં એક જવાબદાર અધિકારીને બેસાડો અને તેમનો ટેલીફોન નંબર જાહેર કરો. પ્રજાને કોઇ મુશ્કેલી હોય તો સીધા તમારી ઓફિસમાં ફોન કરે તેવી વ્યવસ્થા ઊભી કરો. તેનાથી તમને સાચી હકીકતનો ખ્યાલ આવશે.