Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > … નહીં તો બે હજાર શિષ્યો સાથે મહંત મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે, કેમ ?

… નહીં તો બે હજાર શિષ્યો સાથે મહંત મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે, કેમ ?

0
166
  • ભેખડધારી ગોગા મહારાજના પુરાના મંદિરમાં તોડફોડ કરવા સામેનો વિવાદ વકર્યો

  • ન્યાય મેળવવા માટે અમદાવાદ જિલ્લા કલેકટર સમક્ષ કરાઇ લેખિતમાં રજૂઆત

ગાંધીનગર: અમદાવાદ શહેરના શાહીબાગ ડફનાળા સાબરમતી નદીના કિનારે આવેલા નાગેશ્વર ઘાટ સ્થિત પ્રાચીન ભેખડધારી ગોગા મહારાજના પુરાના મંદિરમાં તોડફોડ કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. જો સાત દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથોસાથ આંદોલન તેમજ હિન્દુ ધર્મ ત્યાગી મહંત ઇશ્વર દેસાઇ સહિત તેમના બે હજાર શિષ્યો મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાની ચીમકી આપી છે.

પ્રાચીન ભેખડધારી ગોગા મહારાજના પુરાના મંદિરના મહંત તથા મેનેજીંગ ડિરેકટર ઇશ્વરભાઇ વાઘજીભાઇ દેસાઇએ અમદાવાદ જિલ્લા કલેકટરને ગઇકાલે તા.9મી સપ્ટેમ્બરના રોજ સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પ્રાચીન ભેખડધારી ગોગા મહારાજના મંદિર અને આ ધાર્મિક જગ્યાની દેખરેખ, સારસંભાળ, સેવા, પૂજા, આરતી, અર્ચના અમો વર્ષોથી કરતાં આવ્યા છીએ. શ્રધ્ધાળુઓના દાનથી આ મંદિર માટે પવિત્ર જગ્યાનો વિકાસ પણ અમોએ કર્યો છે. આ જગ્યામાં ઓક્સીજન આપતા ઘટાદાર વુક્ષોને વાવવામાં આવ્યા હતા. જયાં અબોલ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન આ જગ્યામાં કબૂતર, કુકડા, સસલા, શ્વાન, લુપ્ત થયેલી નાની નાની ચકલીઓ, પોપટ, નોળીયા અને અનેક પશુ-પક્ષીઓનું આશ્રયસ્થાન હતું તે પશુ પક્ષીઓને ખોરાક, પાણીની વ્યવસ્થા અને તેઓની સારસંભાળ આ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવતી હતી.

વધુમાં જણાવ્યું છે કે, વર્તમાન રાજય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા આ મંદિરના નામ પરથી જાહેર રોડ પર આવેલા ચોકને ભેખડધારી ગોગા મહારાજના ચોકના નામે ઓળખાય છે. તે ચોકને રાજય સરકાર અને કેન્દ્ર સરકારે જ નામ આપ્યું છે. ભેખડધારી ગોગા મહારાજના ચોકને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી પાસ કરી- કરાવી અને ચોકને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ કેન્ટોન્ટમેન્ટ બોર્ડ દ્રારા અચાનક બીજી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યાની આજુબાજુના સમયે કેન્ટોનમેન્ટ બોર્ડના માણસો દ્વારા કોઇપણ જાતની જાણ કે નોટીસ આપ્યા વિના મંદિરોની તોડફોડ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ સરસામાનની તોડફોડ કરી નેસ્તનાબૂદ કર્યા છે. એટલે સુધી કે ઘટાદાર વુક્ષોને જડમૂળથી તોડી નાંખ્યા છે. જેના કારણે અબોલ પશુ-પક્ષીઓને પણ ક્રૂરતાથી મારી નાંખેલા છે. અમોએ આ અંગે શાહીબાગ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં ય હજુ સુધી કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન ભાજપ સરકાર હિન્દુ હિતની વાતો કરે છે. પરંતુ હિન્દુસ્તાનમાં ગુજરાતમાં હિન્દુઓ જ સલામત નથી. હિન્દુઓના મંદિરો સુરક્ષિત નથી. સબ સલામતની વાતો કરતી ભાજપ સરકાર અને એમાંય જોરશોરથી હિન્દુ હિતની વાતો કરતી અને રામના નામે વોટ લઇને સત્તામાં આવેલી ભાજપ સરકારનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. આ મંદિરને નુકસાન નહીં કરવા માટેની અગાઉ બીજી જુલાઇના રોજ ડીફેન્સ એસ્ટેટ ઓફીસર તથા શાહીબાગ પોલીસને જાણ કરી હતી. મંદિરની જગ્યાના વિવાદ, કબ્જો ભોગવટા અંગેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પડતર છે. ત્યારે આ પગલું તાલીબાનોને શરમાવે તેવું છે.

વધુમાં આવેદનપત્રમાં એવું પણ જણાવ્યું છે કે અગાઉ 1-12-2018ના રોજ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા કોઇપણ મંદિરો, મસ્જિદો, ગુરુદ્રારા, ચર્ચો કે અન્ય કોઇપણ ધાર્મિક જગ્યાને નુકસાન પહોંચાડવામાં આવશે નહીં તેવી લેખિત જાણ કરી હોવા છતાં કેન્ટોનમેન્ટ બોર્ડના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસરનું કુત્ય કર્યું છે. તેમની સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સાત દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનથી માંડીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકી આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat