Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગામડાંમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણને રોકવા કોંગ્રેસના સાત સૂચનો

ગામડાંમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણને રોકવા કોંગ્રેસના સાત સૂચનો

0
60
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને પગલાં સૂચવ્યાં

  • ગામડાંઓને સંક્રમણથી બચાવવા નક્કર પગલાં ભરવા કોંગ્રેસની માંગ

ગાંધીનગર: રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. તેવા સંજોગોમાં ગુજરાતના 18000 ગામોમાં કોરોના સક્રમણને ફેલાતું અટકાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા પાયાના સુચનો સાથે નક્કર પગલા ભરવાની માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના માટેનું તાત્કાલિક નિદાન અને પુરતી સારવાર સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત તો દૂર રહી પરંતુ બધા તાલુકા કક્ષાએ આવી સુવિધા ઉપલબ્ધ નથી અને અમુક જીલ્લા કક્ષાએ પણ ખૂબ મુશ્કેલીઓ છે.

ગ્રામ્ય કક્ષાએ 8થી 10 કે તેથી વધુ ગામો વચ્ચે માત્ર એક સીએચસી (CHC) કે પીએચસી (PHC) હોય છે. ત્યાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ માટેની રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ત્યારે આરટી-પીસીઆર ટેસ્ટની તો વાત જ કયાં કરવી ? આ સત્ય હકીકત છે જેને સ્વીકારવી જ રહી. ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ઘણા વર્ષોથી જગ્યાઓ ખાલી છે. આવા મહામારીના સમયે સરકાર ગ્રામ્ય કક્ષાએ આયોજન કરે અને ગામોના નાગરીકો કોરોના મુકત્ત રહે તે માટે સરપંચ કે તલાટી કમ મંત્રી મોટી માનવીય જવાબદારી નિભાવી શકે તેમ છે.

કોરોનાને નાથવા માટે કયા સૂચનો કરાયા

1. દરેક ગામમાં ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, સામાજીક-સેવાભાવી આગેવાનો અને ઉત્સાહી યુવાનોને કોરોના સેવક તરીકે સામેલ કરીને દરેક ગામમાં સરપંચની અધ્યક્ષતામાં વિલેજ વોરીયર કમિટિની રચના કરવી જોઈએ. ગામમાં કોઈ પણ વ્યક્તિને તાવ-શરદી જેવા સામાન્ય લક્ષણો દેખાય તો આ કમિટિ તાલુકા આરોગ્ય કચેરીને જાણ કરે અને ડોકટરની ટીમ દ્વારા આવા નાગરિકોનું નિદાન કરાવીને સમયસર સારવાર અપાવી શકે. નિદાન થવાથી કોરોના હશે તો સંક્રમણ આગળ વધતું અટકશે અને દર્દી સમયસર જલ્દી સ્વથ્ય થશે.

2. દરેક ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે અને તે નંબર ગામના દરેક નાગરીકોને આપવામાં આવે.

3. ગામમાં બધા નાગરીકોના ઘરે અલગથી હોમ આઈસોલેશન થઈ શકાય તેવી જગ્યા/મકાન હોતું નથી. જેના કારણે ઘરના એક સભ્ય દ્વારા બીજા સભ્યોને સંક્રમણનો ભોગ ન બને તે માટે ગામની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં 15-20 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે અને તેની જવાબદારી કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને સોંપવામાં આવે.

4.  હોમ આઈસોલેશન કે શાળામાં આઈસોલેશન વોર્ડમાં રહેતા લોકોને દૈનિક મેડીકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવે અને આવા દર્દીઓને જરૂરી દવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.

5. ગામમાં કોવિડની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે અને કયાંય પણ લગ્ન પ્રસંગ કે બીજી કોઈ ભીડ એકઠી ન થાય તેની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવે.

6. ગામમાં કોઈ નાગરીકોને કોરોના સંબંધી આરોગ્યલક્ષી જરૂરીયાત હોય તો તાલુકા આરોગ્ય અધિકારી કે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકે તે માટે તેઓના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવે.
7. તાલુકા કક્ષાએ કોરોના માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat