Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19: 24 કલાકમાં ફરીથી 90 હજારથી વધુ સંક્રમિત, દેશમાં કુલ કેસ 42 લાખને પાર

Covid-19: 24 કલાકમાં ફરીથી 90 હજારથી વધુ સંક્રમિત, દેશમાં કુલ કેસ 42 લાખને પાર

0
72

નવી દિલ્હી: ભારતમાં દિન-પ્રતિદિન કોરોના (Corona Virus)ને લઈને સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Positive Case) 42 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. આ સાથે જ ભારત વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 90,802 નવા કેસો સામે આવ્યાં છે. આમ સતત બીજા દિવસે 90 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં વધુ 1016 લોકોના મરણ નોંધાયા છે.

આમ નવા કેસો ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 42,04,613 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 71,642 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

દેશમાં હાલ કોરોનાના 8,82,542 એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં 69,564 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યાં છે. જે બાદ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જનારા લોકોની કુલ સંખ્યા વધીને 32,50,429 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાંથી 5 ભારતીયોના ગુમ થવા પાછળ ચીન પર શંકા કેમ?

જણાવી દઈએ કે, ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. જો કે હવે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આથી હવે દેશમાં દર એક-બે દિવસે એક લાખ નવા કેસો ઉમેરાતા જાય છે. આ સાથે જ ભારતમાં 42 લાખનો આંકડો પાર કરવામાં કુલ 221 દિવસો લાગ્યાં છે.

દેશમાં રિકવરી રેટ સુધારા સાથે 77.30 ટકા થઈ ગયો છે. હાલની સ્થિતિમાં અંદાજે 21 ટકા કેસો જ એક્ટિવ છે. એટલે કે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અથવા તો તેઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે દેશમાં મૃત્યુદર 1.70 ટકાનો છે. જો કે પોઝિટિવિટી રેટમાં વધારો જરૂર જોવા મળ્યો છે. જે વધીને 12.60 ટકા થઈ ગયો છે. આ અંગે જાણકારોનું માનવું છે કે, વધતા જતા કોરોના ટેસ્ટના કારણે આવું થઈ રહ્યું છે.

જો ટેસ્ટની સંખ્યા પર નજર નાંખીએ તો, ICMRના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં 7,20,362 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રીતે અત્યાર સુધી કુલ 4,95,51,507 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યાં છે.

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં બે લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે બાદ બીજા નંબર પર તમિલનાડુ છે. ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા ક્રમે ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. જ્યારે કોરોનાથી મોતના મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાઈરસથી સંક્રમણના અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ 23,650 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9,07,212 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં વધુ 328ના મરણ સાથે કુલ મૃત્યુઆંક 26,604 પર પહોંચી ગયો છે.