Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એરોપ્લેન અને સી પ્લેન વચ્ચે આસમાન જમીનનો ફેર, જાણો ઇતિહાસ અને વિશેષતાઓ

એરોપ્લેન અને સી પ્લેન વચ્ચે આસમાન જમીનનો ફેર, જાણો ઇતિહાસ અને વિશેષતાઓ

0
139
  • અમદાવાદમાં સોમવારે સી પ્લેનનું આગમન
  • 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનનું લોકાર્પણ કરશે
  • બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો બહોળો ઉપયોગ થયો હતો

અમદાવાદ : સોમવારે બપોરે સી પ્લેનનું આગમન થઈ ચૂક્યું છે. તેને જોવા અને તેની ફોટોગ્રાફી કરવા લોકો બ્રિજ પર ટોળેટોળાં વળ્યાં હતાં. ત્યારે તેની વિશેષતા અને ઇતિહાસ પણ રસપ્રદ છે. એરોપ્લેનથી અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે એરોપ્લેન લેન્ડીંગ અને ટેક-ઓફ જમીન પર કરે છે જ્યારે સી-પ્લેન જળ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરવા આવવાના છે.

અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે. 1419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે. મહત્તમ 5670 કિ.ગ્રા. વજન સાથે તે ઉડી શકે છે. સી-પ્લેન 15.77 મીટર (51 ફુટ) લાંબુ અને 5.94 મીટર (19 ફુટ) ઊંચું છે.

કેપ્ટન અજય ચૌહાણનાં જણાવ્યાં મુજબ સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.
સી-પ્લેનની ડાબી બાજુ 1.27 / 1.45 મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલોટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.

seaplane ahmedabad

કેપ્ટન અજય ચૌહાણે વધુમાં જણાવ્યું કે, સી-પ્લેનમાં કોમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી. વળી તે લો અલ્ટીટ્યુડ પર ( ઓછી ઊંચાઈ પર) ઉડે છે જ્યાં પાઇલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે જ્યારે સી પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી-પ્લેનના પાયલોટની કામગીરી વધુ પડકારજનક હોય છે.

સી-પ્લેન તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચરને કારણે અત્યંત વધુ ઝડપ કે વધુ ઊંચાઇ પર ઉડાન કરી શકતું નથી. સી-પ્લેન જ્યાં જળાશયો ઉપલબ્ધ નથી તેવાં જમીની વિસ્તારોમાં બિનઉપયોગી છે તેથી તેનો ઉપયોગ પણ મર્યાદીત છે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતીઓ પણ હવે ટૂંક સમયમાં સી-પ્લેનની મજા માણતા થઇ જશે. અમદાવાદ–કેવડિયા વચ્ચે ઉડનારા સી-પ્લેનનું સંભવિત સમય પત્રક નીચે મુજબ છે.

seaplane ahmedabad

જાણો શું છે તેનો ઇતિહાસ?

સી-પ્લેનની શોધનો શ્રેય ફ્રાંસના હેન્રી ફેબરને જાય છે. 1910માં તેણે 50 હોર્સ પાવરવાળું સી-પ્લેન ઉડાવેલું. બ્રિટિશ કંપની સુપરમરીને ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે ઇ.સ. 1919માં સૌ પ્રથમ ફ્લાઈંગ બોટ સર્વિસ શરૂ કરી હતી. 1930માં અમેરિકા અને યુરોપ વચ્ચે વાહન વ્યવહારના એક માધ્યમ તરીકે સી-પ્લેનનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. જેણે સાઉથ અમેરિકા, આફ્રિકા, અને એશિયા વચ્ચે વાહન વ્યવહારના નવા દ્વાર ખોલી આપ્યાં. સી-પ્લેનના કારણે 1931માં ઈંગ્લેન્ડથી ટપાલ ઓસ્ટ્રેલિયા 16 દિવસમાં પહોંચવા લાગી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોએ પ્રશાંત મહાસાગરનાં દુરદરાજના ટાપુઓ સુધી પહોંચવા સી-પ્લેનનો ખૂબ ઉપયોગ કરેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ ધરી રાષ્ટ્રોમાંના જર્મનીએ Blohm & Voss BV-238 નામનું સૌથી ભારે અને મોટું સી-પ્લેન ઉડાવ્યું હતું.

seaplane ahmedabad

આમ, બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો બહોળો ઉપયોગ થયો હતો. સી-પ્લેનનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેના માટે એરપોર્ટની જરૂર ન હતી અને યુદ્ધ દરમિયાન નવા એરપોર્ટ બનાવવાનો ખર્ચો પણ બચતો હતો. જો કે બીજા વિશ્વયુદ્ધ બાદ પેસેન્જર પ્લેન અને તે માટેના એરપોર્ટમાં રોકાણ વધતા સી-પ્લેનનું ચલણ ઘટતું ગયું હતું. ત્યાર બાદની નવી શોધ-તકનીકો અને એડવેન્ચર ટુરિઝમ વધતા સી-પ્લેન ફરી સાંપ્રત બન્યું છે.