Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 25 ટકા ફી માફીનો લેખિતમાં કોઇ હુક્મ નહીં હોવાથી સંચાલકો લાભ આપતાં નથી

25 ટકા ફી માફીનો લેખિતમાં કોઇ હુક્મ નહીં હોવાથી સંચાલકો લાભ આપતાં નથી

0
92
  • સરકાર દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવે તો સંચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય

  • સરકારની મૌખિક જાહેરાતથી વાલીઓ તથા શાળા સંચાલકો વચ્ચે થતું ઘર્ષણ

ગાંધીનગર: રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જ્યાં સુધી નવો નિર્ણય ન થાય ત્યાં સુધી 25 ટકા ફી માફીનો અમલ ચાલુ રહેશે તેવી જાહેરાતને શાળા સંચાલકો દ્વારા નકારવામાં આવી છે. સંચાલકોના મત અનુસાર જ્યાં સુધી લેખિતમાં ન હોય ત્યાં સુધી જાહેરાતનો કોઈ અર્થ રહેતો નથી. હાલમાં વાલીઓ 25 ટકા ફી માફીનો લાભ લેવા માટે સ્કૂલોને રજૂઆત કરે છે. પરંતુ સંચાલકો પાસે લેખિતમાં કોઈ પરિપત્ર ન હોવાથી વાલીઓને તેનો લાભ આપતા નથી. આ મુદ્દે સરકાર જે કંઈ પણ વિચારતી હોય તો તે અંગે તાત્કાલીક સત્તાવાર જાણ કરે તો સંચાલકોને પડતી મુશ્કેલીઓ દુર થાય તેમ સંચાલક મંડળનું માનવું છે.

રાજ્યના શિક્ષણમંત્રીએ તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી ફી અંગે બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી 25 ટકા ફી માફીનો અમલ ચાલુ રહેશે. આ નિર્ણય બાદ વાલીઓમાં ખુશ થઇ ગયા હતા અને સંચાલકો અકળાયા હતા. જોકે, આ જાહેરાત બાદ વાલીઓ એમ માની રહ્યા છે કે આ વખતે પણ સ્કૂલો તરફથી તેમને 25 ટકા ફીમાં રાહત મળશે. પરંતુ સંચાલકો સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને નકારી રહ્યા છે. કેમ કે, આ મુદ્દે સંચાલકોને સરકાર દ્વારા લેખિતમાં પરિપત્ર કરી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.

ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માત્ર જાહેરાત કરાઈ છે, સંચાલકોને લેખિતમાં કે પરિપત્ર કરી ફી માફીની કોઈ સુચના આપવામાં આવી નથી. સામાન્ય રીતે કોઈ પણ જાહેરાત લેખિતમાં ન હોય તો તેનો અર્થ રહેતો નથી. હાલમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સરકાર ફી મુદ્દે જે કંઈ પણ વિચારતી હોય તો તે અંગેની જાણ તાત્કાલિક સંચાલકોને લેખિતમાં કરે તો સંચાલકોની મુંઝવણ દુર થશે.

હાલમાં વાલીઓના મતે 25 ટકા ફી માફીની જાહેરાત સાથે સ્કૂલોએ તેનો અમલ કરી દીધો છે અને એટલે જ વાલીઓ સ્કૂલમાં ફી ભરવા માટે જાય ત્યારે 25 ટકા માફી પછી બાકી રહેતી ફી ભરવા માટે સંચાલકોને જણાવી રહ્યા છે. જ્યારે સંચાલકો હજુ સુધી ફી માફી અંગે તેમની પાસે સત્તાવાર પરિપત્ર મળ્યો ન હોવાથી માફીનો લાભ આપવાનો ઈનકાર કરી રહ્યા છે. આમ, સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા ન કરવામાં આવતા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા હોવાનું સામે આવ્યું છે.

હજુ પણ સ્કૂલોને ગતવર્ષની 40 ટકા જેટલી ફી લેવાની બાકી

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, હજુ પણ શાળાઓને વાલીઓ પાસેથી ગતવર્ષની ફી લેવાની બાકી છે. હજુ સ્કૂલો પાસે ગતવર્ષની 40 ટકા જેટલી ફી આવી નથી. આ ફી વહેલીતકે વાલીઓ ભરી જાય તો સ્કૂલોને રાહત થશે. એક બાજુ ગતવર્ષની ફી બાકી છે અને બીજી બાજુ સરકાર દ્વારા મૌખિક જાહેરાતથી સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)