Gujarat Exclusive > The Exclusive > ફી મુદ્દે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ NSUI કાર્યકરોનો વિરોધ

ફી મુદ્દે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ NSUI કાર્યકરોનો વિરોધ

0
71

અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી માફી મુદ્દે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ NSUI કાર્યકરોએ વિરોધ કર્યો હતો. યુવા કોંગ્રેસનું કહેવું હતું કે સરકારે આપેલું પગલું લોલીપોપ છે. વાસ્તવમાં કોરોનાના વિષમ સંજોગોને ધ્યાનમાં રાખીને સરકારે આ સંજોગોમાં સો ટકા ફી માફી કરવી જોઈએ. સરકારે 100 ટકા ફી માફી કરવાની વાત બાજુએ મૂકતા ખાનગી શાળાઓના સંચાલકો સાથે કુલડીમાં ગોળ ભાંગીને વાલીઓ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ મૂકી છે.

સરકારે વાલીઓએ તેમનામાં મૂકેલા વિશ્વાસનો દ્રોહ કરતા તે ખાનગી સ્કૂલોના ખોળામાં બેસી ગઈ છે. તેનો આરોપ હતો કે મોટાભાગની ખાનગી શાળાઓ પણ ભાજપના મળતિયાઓની હોવાથી સરકાર તેમને નારાજ કરવાના મૂડમાં નથી. NSUIએ જણાવ્યું હતું કે તે ફક્ત અમદાવાદમાં આજના દિવસ પૂરતો વિરોધ કરીને બેસી રહેવાની નથી, પરંતુ સમગ્ર રાજ્યની બધે તે વિરોધ કરવાની છે. તેની સાથે તે શાળાઓની ફી માફી મુદ્દે મેદાનમાં ઉતરનારા વાલી સંઘને પણ ટેકો આપશે.

ગઇકાલે વાલીમંડળે જણાવ્યું હતું કે ફી માફીના મુદ્દે સરકારે તેમની 50 ટકાની માંગને માફી આપી નથી, પરંતુ ફક્ત 25 ટકા જ ફી માફી કરી છે. આ મુદ્દે વાલીમંડળ ચર્ચાવિચારણા કરીને નિર્ણય કરશે. NSUIએ આ દરમિયાન અવિરત ધોરણે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. તેના પગલે પોલીસે તેઓને ટાંગાટોળી કરી અટકાયત કરી હતી.