નવી દિલ્હીઃ ગુજરાતના IPS ઓફિસર સતીશ ચંદ્ર વર્માને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના બરતરફીના નિર્ણયના અમલીકરણ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વર્માને કહ્યું કે આ સમય દરમિયાન તેઓ બરતરફીના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ત્યાર પછી હાઈકોર્ટ નક્કી કરશે કે બરતરફીના આદેશ પર સ્ટે મુકીને આગળ વધવું કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં મેરિટ પર કંઈ કહ્યું નથી, પક્ષકારો હાઈકોર્ટમાં તેમની દલીલો મૂકી શકે છે.
Advertisement
Advertisement
જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. વર્માએ બરતરફીના કેન્દ્રના નિર્ણયને પડકાર્યો છે. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું નેતૃત્વ કરી રહેલા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને નિવૃત્તિ પહેલા જ બરતરફ કરવામાં આવ્યા છે. સતીશ ચંદ્ર વર્મા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
સરકારે 30 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કર્યો હતો અને વિભાગીય કાર્યવાહી સંબંધિત આધાર પર તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કર્યો હતો. સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર હાઈકોર્ટે પણ આ આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. વર્માએ સરકાર દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારી છે.
આ પણ વાંચો: ગુજરાતના ઇતિહાસમાં ફાંસીની સજાને લઈને લખાયો નવો ઇતિહાસ: 8 મહિનામાં 50ને મૃત્યું દંડ
1986 બેચના આઈપીએસ અધિકારી સતીશચંદ્ર વર્મા સામે ચાલી રહેલી વિભાગીય તપાસને કારણે તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમની વર્તમાન પોસ્ટિંગ તમિલનાડુના કોઈમ્બતુરમાં CRPFમાં IGPની પોસ્ટ પર છે.
વાસ્તવમાં આ મામલામાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને માહિતી આપી છે કે સરકાર વતી સતીશ ચંદ્ર વર્માને 30 ઓગસ્ટ 2022ના આદેશથી બરતરફ કરવામાં આવ્યા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને તેમના પક્ષમાંથી એક વર્ષ સુધી સતીશ ચંદ્ર વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી પર કોઈ તાત્કાલિક પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ અંગેનો આદેશ દિલ્હી હાઈકોર્ટે 29 સપ્ટેમ્બર 2021ના રોજ જારી કર્યો હતો. કેન્દ્ર સરકારની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સરકારને વર્માને હટાવવાના આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં કેન્દ્ર સરકારને અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશનું પાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે, એટલે કે વર્માને સેવામાંથી બરતરફ કરવાનો ફાઈનલ ઓર્ડર પસાર કરવાની મંજૂરી આપી દીધી છે.
જો કે કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી આ મંજૂરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને IPS અધિકારી વર્માને 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ કાયદા અનુસાર આદેશ સામે તેમના વિકલ્પનો ઉપયોગ કરી શકે.
Advertisement