અમદાવાદ : ભારતમાં જથ્થાબંધ મોંઘવારીનો દર બે વર્ષથી વધુ સમયની નીચી સપાટીએ પહોંચ્યો છે એ સમયે અર્થતંત્રમાં નાણાકીય ભીડ શરુ થશે એવી ચિંતામાં બેંકો નાણાકીય વર્ષ 2023-24માં લોન ઉપરના દર (ધિરાણ ઉપર વસુલવામાં આવતા વ્યાજ)નો દર 1.50 ટકા વધારે એવી શક્યતા છે. આ શક્યતાના આંકલન વચ્ચે જ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના મૂળ ધિરાણના દરમાં 0.70 ટકાના તોતિંગ વધારાની આજે જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ભારતનું અર્થતંત્ર વૈશ્વિક વિષમ પરિસ્થિતિ અને દેશમાં ઘટી રહેલી માંગના કારણે ધીમું પડી રહ્યું છે ત્યારે લોન ઉપર વ્યાજના દર વધશે તો તેની અસર ઉદ્યોગો અને ગ્રાહકો ઉપર ચોક્કસ જોવા મળી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજનો દર વધારતા રૂ.1 લાખની 10 વર્ષની મુદ્દતની લોન ઉપર દર મહીને હપ્તામાં ગ્રાહકો ઉપર રૂ.39નો (વર્ષે રૂ.468) અને 20 વર્ષની મુદ્દતની લોન માટે દર મહીને રૂ.46નો (વર્ષે રૂ.૫૫૨)નો વધારાનો બોજ આવી પડશે.
જો અંદાજ અનુસાર વ્યાજના દર 1.50 ટકા જેટલા વધી જાય તો 10 વર્ષની મુદ્દત માટે મહીને રૂ.83 અને વર્ષે રૂ.996નો બોજ આવી પડશે. જો લોનની મુદ્દત 20 વર્ષની હોય તો વ્યાજનું ભારણ દર મહીને રૂ.99 અને વર્ષે રૂ.1188 વધી જશે.
રિઝર્વ બેંકના આંકડા અનુસાર દેશમાં અત્યારે ઉદ્યોગો કરતા વ્યક્તિગત લોનનું પ્રમાણ વધારે છે. ડિસેમ્બર 2022ના અંતે દેશમાં ઉદ્યોગોને કુલ ધિરાણ રૂ 30.28 લાખ કરોડનું છે જ્યારે વ્યક્તિગત ધિરાણ રૂ.32.75 લાખ કરોડનું છે. આ સ્થિતિમાં લોનના ઊંચા વ્યાજની અસર વ્યક્તિગત ગ્રાહકો ઉપર વધારે પડશે.
Advertisement