સ્પોર્ટ્સ ડેસ્ક: વિજય હઝારે ટ્રોફી 2022 સીઝનમાં સૌરાષ્ટ્રે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું હતું. મહારાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 249 રન બનાવી મેચને જીતી લીધી હતી. ફાઇનલમાં અણનમ 133 રનની ઇનિંગ રમનારા ઓપનર શેલ્ડન જેક્સનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર બીજી વખત વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે.
Advertisement
Advertisement
50-50 ઓવરની આ મેચમાં બે સદી લાગી હતી. પહેલા મહારાષ્ટ્રની ટીમ તરફથી કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 131 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ સદી પર સૌરાષ્ટ્રના ઓપનર શેલ્ડન જેક્સને પાણી ફેરવી દીધુ હતુ. શેલ્ડન જેક્સને આક્રમક અંદાજમાં 136 બોલમાં અણનમ 133 રન બનાવતા ટીમને ખિતાબ જીતાડ્યો હતો.
મહારાષ્ટ્રની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. ટીમ માટે રૂતુરાજ ગાયકવાડ સિવાય કોઇ પણ બેટ્સમેન ચાલી શક્યો નહતો. અજીમ કાજીએ 37 અને નૌશાદ શેખે 31 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રના મીડિયમ પેસ બોલર ચિરાગ જાનીએ 43 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.
સૌરાષ્ટ્રે 14 વર્ષ પછી ખિતાબ પર કબજો કર્યો
સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ 2007-08માં જીત્યો હતો. તેના 14 વર્ષ પછી આ બીજો ખિતાબ પોતાના નામે કર્યો છે. વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વખત ખિતાબ જીતવાનો રેકોર્ડ તમિલનાડુના નામે છે. આ ટીમે 5 વખત ખિતાબ જીત્યો છે.
Advertisement