શહેરના સરદારનગર ખાતે પૈસાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓ સામે હત્યા અને એટ્રોસીટીનો ગુનો દાખલ કરી ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ શહેરમાં ગુનાઓના કેસ દિવસે દિવસે સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના સરદારનગરમાં હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની પર આરોપ છે કે તેઓએ પોતાના મિત્ર નિખિલ પરમારની હત્યા કરી છે. જે હત્યાનો એક વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ પણ થયો છે. જેમાં યુવકના પીઠના ભાગે ચપ્પુના ઘા મારેલા દેખાય છે અને તે જમીન પર તરફડીયા મારી રહ્યો હતો. આ વિડીયો મૃતકના મોતના થોડા સમય પહેલાનો છે. સરદારનગરના ઇન્દિરાનગર છાપરા પાસે સરાજાહેર યુવકને છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા નિખિલનુ મોત નિપજ્યુ હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતો. અને સ્થાનિકો અને વિડીયો ઉતારનાર યુવકની પુછપરછ કરી હતી. ત્યારે સામે આવ્યું હતુ તે હત્યામાં કુલ 4 લોકો છે અને 17 હજારના મોબાઈલની લેતી દેતી મામલે આ હત્યા કરવામાં આવી છે. પોલીસે વિડીયો પુરાવા રૂપે કબ્જે લઈ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે.