અમદાવાદ: અમદાવાદ જીલ્લામાં આવેલા સાણંદના ગઢવીવાસમાં ચાર મહિના પહેલા દામ્પત્ય જીવનમાં પ્રવેશ કરનાર પત્નીને તેના પતિએ ગળુ કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પતિએ પત્નીના ધડથી અલગ કરેલી લાશને બેડ પર રાખીને ઘરમાં તાળુ મારીને મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાણંદ વિસ્તારમાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. ભાડાના તાજેતરમાં રહેવા આવેલાં હિતેશભાઇ કનુભાઈ ઉર્ફે ચકો ગોહિલ અને હંસાબેનના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. દરમિયાનમાં આ મકાનમાં ગુરુવારે સવારે દુર્ગંધ મારતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા મકાનમાંથી બેડ પર હંસાબેનનું ધડથી માથું અલગ કરેલી લાશ મળી આવી હતી. પતિ મોબાઈલ બંધ કરી નાસી જતાં પોલીસની શંકાઓ પ્રબળ બની હતી.
ઘટના બનતાં સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી. કામરિયા પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચકો હિતેશભાઈ ગોહિલે હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ આપતા મૃતક મહિલાના ભાઇએ જણાવ્યું હતું કે, કોઇ અગમ્ય કારણોસર મારી બહેનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હિતેશ ઉર્ફે ચકો ફરાર થઇ ગયો છે. સવારે પોણા દસ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મારી બહેન હંસાબેનનું ગળુ કાપી માથુ ધડથી અલગ કરી, લાશ ઘરમાં મુકી તાળુ મારી ફરાર થઇ ગયો છે.
આ અંગે સાણંદ પોલીસે જણાવ્યું હતું કે, પતિએ પત્નીને કયા કારણોસર હત્યા કરી તે હજી સુધી રહસ્યમય જ રહ્યુ છે. જો કે આરોપીની ધરપકડ કરવામાં આવેશે તે પછી રહસ્ય પરથી પરદો ઉઠી શકે છે.