Gujarat Exclusive > ગુજરાત > અંધ વૃદ્ધની ખુદદારીને સલામ: મજૂરી કરી સ્વમાનભેર ગુજારે છે પોતાનું જીવન

અંધ વૃદ્ધની ખુદદારીને સલામ: મજૂરી કરી સ્વમાનભેર ગુજારે છે પોતાનું જીવન

0
61

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા અને વડોદરા જિલ્લાની હદ પરના ગામનો એક અંધ વૃદ્ધ બીજા પર નિર્ભર થવાની જગ્યાએ સ્વમાનભેર મજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.અંધ વૃદ્ધનું એમ માનવું છે કે ભલે કોઈ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત કેમ ન હોય પરંતુ કોઈ આગળ હાથ ફેલાવવા કરતા મહેનત કરી આત્મનિર્ભર બનવું જોઈએ.અંધ વૃદ્ધની આવી ખુદદારી અન્ય લોકો માટે બોધપાઠ જરૂર બને છે.

અહીંયા વાત છે 61 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ વિઠ્ઠલ ભાઈ પટેલની, તેઓ હાલમાં નર્મદા અને વડોદરા જિલ્લાની હદ પર આવેલા ડભોઇ તાલુકાના વણીયાદ ગામે પરિવાર સાથે રહે છે.તેઓ જ્યારે 10 વર્ષના હતા ત્યારે એમને ટાઈફોડ થતા આંખો ગુમાવી હતી.આટલી નાની ઉંમરમાં આંખો ગુમાવી તે છતાં એમણે હિંમત ન હારી અને વડોદરા અને અમદાવાદની અંધ શાળામાં 1 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, ભણતર દરમિયાન તેઓએ ઘણા ગૃહ ઉદ્યોગનું કામ શીખી લીધું હતું.એ જ ગૃહ ઉદ્યોગ થકી તેઓ આજે તેઓ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં.

તેઓએ પોતે લગ્ન પણ કર્યા નથી, પોતાના 2 ભાઈઓને તો એમણે ભણાવ્યાં જ પણ સાથે સાથે પોતાના ભાઈની એક દિકરી અને એક દીકરાને ભણાવી ગણાવી પોતાની ફરજ નિભાવી.એમણે શાળાના શિક્ષણ દરમિયાન શીખેલા ગૃહ ઉદ્યોગને પોતાની આવકનું સાધન બનાવ્યું છે.તેઓ અમદાવાદ, વડોદરા અને નર્મદા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં જઈ તૂટેલી ફૂટેલી ખુરશીઓ એવી રીતે રીપેર કરે કે જાણે તેઓ ખરેખર બધું જોઈ શકતા હોય.એક યુવાનને પણ સરમાવે એવો તો એમનો કામ કરવાનો જુસ્સો છે.

આ પણ વાંચો: ઓનલાઈન શોપીંગ વેબસાઈટના ગ્રાહકોના સામાનની ડિલીવરી મેળવી ઠગાઈ કરનાર બે પકડાયા

રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જણાવે છે કે હું 1981-82 માં ખુરશીઓ રીપેર કરવાનું કામ શાળાના શીખ્યો હતો અને મારા એક અંગત મિત્રએ મને આની ટ્રેનિંગ આપી હતી.મહિને 6-7 હજાર રૂપિયા કમાઈ લઉં છું, આજની મોંઘવારીમાં આટલી રકમથી કઈ થાય નહિ એટલે મેં અનાજ મળે એ માટે સરકારમાં રજુઆત કરી છે.હું દિલ્હીમાં અંધજન ક્રિકેટ મેચમાં ભાગ લેવા માટે પણ ગયો હતો.પરંતુ મારા માતા પિતાનું અવસાન થઈ જતા પરિવારની જવાબદારી મારી પર આવી ગઈ, એટલે હું અભ્યાસ છોડી કામ ધંધે લાગી ગયો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat