Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં 40 મેડિકલ સ્ટોર્સ પર સાગમટે દરોડા પાડીને આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો

રાજયમાં 40 મેડિકલ સ્ટોર્સ પર સાગમટે દરોડા પાડીને આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો

0
5
  • કોરોનાના દર્દીઓ મેડીકલ ડીવાઇઝની ખરીદીમાં છેતરાય નહિ તે માટે તોલમાપ તંત્રની તપાસ
  • ગુજરાત જ નહીં બલ્કે દેશમાં કવચિત પ્રથમ વખત તોલમાપ વિભાગના દરોડા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આ દર્દીઓને હોસ્પિટલવાળા લૂંટ ચલાવતા હોવાની અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી. તે જ રીતે કોરોનાને લગતા ઉપકરણોનું વેચાણ કરતા મેફિકલ સ્ટોર ધારકો દ્વારા છેતરાતા હોવાની મળેલી માહિતીના પગલે તોલમાપ વિભાગ દ્વારા આજે રાજ્યના 40 જેટલા મેડીકલ પ્રોડકટ વિક્રેતા / મેડીકલ સ્ટોર્સ પર દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન એકમો નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડયુ હતું. તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારની ઝુંબેશ ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં પણ કવચિત પ્રથમ વખત થઇ હોય તેવું જાણવા મળેલ છે.

રાજયમાં કોરોના, ઓમીક્રોનના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત વધારાથી ચિંતિત થઇને મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના નરેશભાઇ પટેલ તથા રાજય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા કોરોનાના દર્દીઓને સારવારના ભાગરૂપે યોગ્ય સ્ટાન્ડર્ડ ઉપકરણો મળી રહે તે વ્યવસ્થા સુચારૂ કરવા સુચના આપવામાં આવેલ છે. જે અન્વયે વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ મેડીકલ પ્રોડકટ વિક્રેતા – મેડીકલ સ્ટોર્સ દ્વારા કોરોના દર્દીઓ છેતરાય નહી કે અંધારામા ન રહે તે માટે તોલમાપ વિભાગ દ્વારા આજે રાજયભરમાં તપાસ કરવામાં આવી હતી.

રાજયમાં કોરોનાના કેસ વધતા જાય છે જેના કારણે દર્દીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે રોગને કાબુમાં લેવા માટે કોરોના સંબંધી ઉપકરણો જેવા કે ઓકસીમીટર, ડીઝીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઇ.સી.જી. મોનીટર, સેનીટાઇઝર, તથા માસ્કનો બહોળા પ્રમાણમાં ખરીદી વધતી જાય છે. આ પ્રકારના ઉત્પાદનો ઉપર કાયદાથી નકકી થયેલા પ્રમાણો જેવા કે ઉત્પાદક – પેકર – ઇમ્પોર્ટરનું નામ અને સરનામું, પ્રોડકટનું નામ, પેકીંગ – મેન્યુફેકચરીંગ માસ અને વર્ષ, એમ.આર.પી. (તમામ કરવેરા સહિત) પ્રોડકટનો નેટ જથ્થો – નંગ, કસ્ટમર કેર નંબર, ઇમેલ એડ્રેસ અને જો ડીવાઇઝને આયાત કરેલ હોય તો તે ડીવાઇઝની કન્ટ્રી ઓફ ઓરીજીન દર્શાવવું ફરજીયાત છે. કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં આ ઉપકરણોની ખરીદીમાં આવેલ ઉછાળાને કારણે વેપારીઓ દ્વારા ઉપરોકત બાબતો પ્રોડકટ પર ન દર્શાવતા હોઇ અપુરતી માહિતીને કારણે ગ્રાહકો અંધારામાં રહીને છેતરાય છે તથા તેના લીધે તેની સારવારમાં પણ ઉણપ રહેવાની સંભાવના રહેલી છે.

જેથી તોલમાપ વિભાગ દ્વારા દર્દીઓને યોગ્ય ડીવાઇઝ મળી રહે અને કોરોનાની સારવાર અસરકારક થઇ શકે તે આશયથી સમગ્ર રાજયમાં મેડીકલ ડીવાઇઝના વિક્રેતા તથા મેડીકલ સ્ટોર્સ પર આજે ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજયમાં કરેલી તપાસમાં 40 એકમો નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડયા હતા. તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ છે. આમ, કોરોના સામે લડવામાં આરોગ્ય વિભાગ ઉપરાંત તોલમાપ તંત્ર દ્વારા દર્દીઓના હિતોને ધ્યાને લઇ જરૂરી પગલા લેવામાં આવેલ છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે ગ્રાહકો / દર્દીઓ તો ભગવાન સ્વરૂપ છે તે ધ્યાને લઇ તમામ મેડીકલ ડીવાઈસના વિક્રેતાઓ તેમજ મેડીકલ સ્ટોર્સનાં માલિકોને કોરોના મહામારીનાં સમયમાં દર્દીઓને સ્વાસ્થય સંબંધી ઉત્તમ ઉપકરણો મળી રહે અને દર્દીઓ યોગ્ય સારવાર મેળવી શકે તે માટે રાજય સરકાર અને દર્દીઓને સહકાર આપવા અપીલ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat