Advertisement
Advertisement
ઝક્કરિયા મસ્જિદ ખાતે મહોમ્મદ યુનુસ પૂઠાવાલાના પરિવારની હાથે બનાવેલી ડાયરીઓ કોર્પોરેશન અને બારોટની વંશાવળી તરીકે મોટા પાયે વેચાતી
અમદાવાદ કોટ વિસ્તાર ઝક્કરિયાં મસ્ઝિદ રિલીફ રોડ રહેતા મહોમ્મદ યુનુસ પુઠાવાલા અને નઈમ યુનુસ પુઠાવાલા પાસે અમદાવાદની વર્ષો જૂની ડાયરી બનાવવાની કલા અકબંધ છે. જૂના સમયમાં બારોટની વંશાવળી હોય કે પછી દેશી નામ કે કોર્પોરેશનના દસ્તાવેજો આજે પણ તેમના બનાવેલા ચામડાંના કવરમાં ઇતિહાસને સાચવીને બેઠાં છે.
“ડાયરીના ઉપયોગ અને બનાવવાની કળા માત્ર અંગ્રેજ શાસન પછીની જ નહીં પરંતુ હજારો વર્ષ જૂની કળા છે. જ્યારથી કાગળની શોધ થઈ ત્યારથી ચામડાંના કવરમાં ડાયરીને કલાત્મક રીતે બનાવવામાં તો આવતી અને તેના કાગળને નિયમિત રીતે બદલીને તેના કવરને સાચવીને રાખવામાં આવતા. આ કલાને આજે પણ કોટવિસ્તારના યુનુસભાઈએ એ જ રીતે સાચવીને રાખી છે. ચામડામાંથી ડાયરી બનાવતા યુનુસભાઈ જણાવે છે કે, “આ વ્યવસાય અમને પેઢી દર પેઢીથી વારસામાં મળ્યો છે. અમે ચામડાંનું કામ કરીએ છીએ પરંતુ અમારું મુખ્ય કામ ડાયરી જ બનાવવાનું છે. બ્રિટિશ સમયમાં કાયદા અને મેડિકલની ચોપડીઓને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પણ ચામડાંના હાર્ડ બાઉન્ડનો ઉપયોગ થતો અને તેના પર એમ્બોશ કરવામાં આવતું. ચોક્કસ પ્રકારના બીબાને એમ્બોશ કરીને તેમાં સિલ્વર અને ગોલ્ડન કલર્સનો ઉપયોગ કરી આપવામાં આવતો.
આજે આ કળા તેની ઓછી માંગને કારણે નાશ પામી છે. અમે લેધરમાંથી લેપટોપ કવર અને પર્સ બનાવવા તરફ એટલે વળી ગયા કારણ કે બહાર હવે આ પ્રકારની કળાની કોઈ જરૂરિયાત નથી.” યુનુસભાઈ વધુમાં કહે છે કે “ અમદાવાદમાં કાગદી સમુદાય કાગળ બનાવવાનું કામ કરતો અને અમે તેમના માટે આ કવર બનાવતા. દોઢસો વર્ષથી તો મને પેઢી દર પેઢી આ કલા મળી છે. મારા બાપદાદા પણ આ જ કામ કરતાં. પરંતુ સમય બદલાતા હવે આ પ્રકારની ડિમાન્ડ ઘટી ગઈ છે. એક સમય એવો પણ જોયો છે કે ગુજરાતના બારોટ સમુદાયના વંશાવળી લખનારા મહાનુભાવો અમારે ત્યાં આવીને આ ચામડાંના કવરવાળા ચોપડાં ખરીદતા. તેના પર દોરી બાંધવાથી અંદરના પાના પણ સુરક્ષિત રહે તે પ્રકારે આ ચોપડાં બનાવવામાં આવતા. પરંતુ એક સમય પછી પૂઠાના કપડાંવાળા ચોપડા અને એ પછી નોટબુક અને આધુનિક ડાયરીઓએ આ વ્યવસાયનું સ્થાન લઈ લીધું. ચામડું કમાવવાથી લઈને તેના પર એમ્બોશિંગ સુધીની તમામ પ્રોસેસ આજે પણ અમે હાથથી કરીએ છીએ. આખા ચોપડાં હોન્ડમેડ બનાવવામાં આવે છે. આશા રાખું કે ભારતની તમામ હસ્તકલાઓ કોઈને કોઈ રીતે સચવાયેલી રહે. આ પ્રકારનું કામ આખા ભારતમાં કદાચ એક માત્ર અમારો પરિવાર જ કરે છે. જેના કારણે અમને કલા રસિકો તરફથી આ પ્રકારનું કામ મળે છે.”
Advertisement