યુક્રેન સંકટને લઈને વધી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે રશિયાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે. શનિવાર 19 ફેબ્રુઆરીના રોજ રશિયન સૈન્યએ પરમાણુ કવાયત હાથ ધરી અને તેની નવીનતમ હાઇપરસોનિક, ક્રુઝ અને પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલો સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.
ખાસ વાત એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ક્રેમલિનના સિચ્યુએશન રૂમમાંથી બેલેસ્ટિક મિસાઈલ છોડવાની આ સૈન્ય કવાયત જોઈ રહ્યા હતા.
એવા સમયે જ્યારે યુએસ સહિત ઘણી પશ્ચિમી શક્તિઓ, બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કર્યા પછી યુક્રેન પર રશિયન હુમલાની અપેક્ષા રાખી રહી છે, રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે “તમામ મિસાઇલોએ તેમના ટાર્ગેટનો અચૂક નિશાનો સાધ્યો છે”.
રશિયાએ એ પણ માહિતી આપી છે કે આ સૈન્ય અભ્યાસમાં Tu-95 બોમ્બર અને સબમરીન પણ સામેલ હતી. રશિયાના ચીફ ઑફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવે પુતિનને એક ટેલિવિઝન ટિપ્પણીમાં જણાવ્યું હતું કે- “આ કવાયતોનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનો ઉપર ગેરંટી સાથે અચૂક નિશાનો સાધવા અને અમારા દળોના પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.”
કમલા હેરિસે રશિયાને ભારે આર્થિક નુકસાનની ચેતવણી આપી છે
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેન પર વધુ હુમલો કરશે તો અમેરિકા તેના સાથી દેશો સાથે રશિયાને ભારે અને “અભૂતપૂર્વ” આર્થિક દંડ ફટકારશે.