નવી દિલ્હીઃ સંસદમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે. લંડનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન અને અદાણી મુદ્દાને લઈને પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. તે દરમિયાન ભારે હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિરોધપક્ષો પર નિશાન સાધતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. જે મુદ્દા પર નાણાંમંત્રીએ વાત કરી છે તે મુદ્દા લઈને કેટલાંક વિષયો ઉઠાવવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદનું જે ઘોર અપમાન કર્યું છે તેના માટે તેમણે માફી માગવી જોઈએ.
Advertisement
Advertisement
દરમિયાન આ મામલા અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નિશ્ચિત રીતે દેશ સૌનૌ સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે જ ભારત 10મા નંબરના અર્થતંત્રથી 5મા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. દેશ માટે આવા વિચારો રજૂ કરવા દુર્ભાગ્ય છે. ઈન્દિરાજી જ્યારે વિદેશ ગયા હતા ત્યારે તેમણે દેશ વિશે કશું કહ્યું ન હતું. તમારે તેના પરથી શીખવું જોઈએ.
ભાજપા નેતાઓના આક્ષેપો પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મોદી સરકારમાં હિંમત હોય તો ગૃહમાં રાહુલ ગાંધીના નિવેદન પર ચર્ચા કરવાની પરવાનગી આપે…અસલી દેશવિરોધી કોણ છે તે અમે સાબિત કરી દઈશું. સરકાર દરરોજ ગૃહ ઠપ કરાવવા માગે છે અને આરોપ અમારા પર થોપી દેવાની કોશિશ કરે છે. આ સરકાર ચાલાકીની સરકાર બની રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
Advertisement