જામનગરમાં આરએસએસના સાથે સંકળાયેલા નેતાની હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી છે. જમાઈએ જ ઈંટનો છુટ્ટો ઘા મારી પોતાના સસરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ થતા મંત્રી,સાંસદ,ધારાસભ્યો સહિતના ઉચ્ચ નેતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને આરએસએસના નેતા વિજય ભાનુશંકર ભટ્ટનું તેમના જ જમાઈએ છુટ્ટી ઈંટના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતો. છેલ્લા 8 વર્ષથી આ બન્ને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. જમાઇ પોતાના નવા મકાનના વાસ્તુનુ આમંત્રણ આપવા માટે સસરાના ઘરે ગયો હતો. ત્યારે આ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી રોષે ભરાયેલા જમાઈએ બહારથી ઈંટ લઈ તેમને છુટ્ટી મારી હતી જેથી તેઓ ગંભીર થઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું. મૃતક વ્યક્તિ આરએસએસ સાથે સંકળાયેલા હોવાના કારણે હત્યાના બનાવની માહિતી મળતા જ મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતનાં ઉચ્ચ પદસ્થ નેતાઓ દોડી આવ્યા હતા.
જામનગર એક તરફ ચૂંટણીમાં વિજેતાના કારણે ભાજપના નેતાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં તમામ નેતાઓ વ્યસ્ત જોવા મળી રહ્યા હતા. જો કે, આ સમાચારની જાણ થતા જ પોલીસ કાફલો અને ઉચ્ચ નેતાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.