મુંબઈ : વૈશ્વિક નાણા કટોકટીના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સને જંગી ધિરાણ કરનાર કેલિફોર્નિયા સ્થિત અમેરિકી જાયન્ટ સિલિકોન વેલી બેંક(એસવીબી)નું ઐતિહાસિક ઉઠમણું થયું થતાં વિશ્વમાં ઐતિહાસિક નવી નાણા કટોકટી સર્જાવાનો ભય ઊભો થયો છે. વર્ષ 2008ની લેહમેન બ્રધર્સ કટોકટી બાદ એસવીબી નિષ્ફળ બનનારી સૌથી મોટી બેંક બની છે. જેમાં અનેક કંપનીઓ અને રોકાણકારોના અબજો ડોલર ફસાઈ ગયા છે. ભારતમાં પણ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ફફડાટ ફેલાયો છે.
Advertisement
Advertisement
જ્યારે બીજી તરફ બેંકના જ ટોચના મેનેજમેન્ટ પ્રોફેશનલો દ્વારા આ ઐતિહાસિક ધબડકાના અમુક દિવસો પહેલા 40 લાખ ડોલરના શેરોનું વેચાણ કરી દેવાયાના અહેવાલ વહેતાં થતાં હવે કટોકટીનો વહેલી તકે ઉકેલ નહીં આવવાના સંજોગોમાં અમેરિકાના બજારો સાથે વૈશ્વિક બજારોમાં આગામી સપ્તાહમાં મોટાપાયે વેચવાલી નીકળવાની અને મોટું ભંગાણ પડવાની ભીતિ બતાવાઈ રહી છે.
કેલિફોર્નિયાના બેંકિંગ નિયમનકારોએ સિલિકોન વેલી બેંકને બંધ કરવાની અને ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને(એફડીઆઈસી) તેની અસ્કયામતોના વેચાણ માટે રીસિવર તરીકે નિમણુક કરવાની ફરજ પડી છે. સાન્તા ક્લેરા સ્થિત ધિરાણ કરનારી આ એસવીબી બેંક જે ગત વર્ષ 31,ડિસેમ્બર 2022ના અંતે 209 અબજ ડોલરની સંપતિ સાથે અમેરિકામાં 16માં સ્થાને હતી એ ટેકનોલોજી ફોક્સ્ડ બેંકનું પતન પણ યુ.એસ. ફેડરલ રિઝર્વની આક્રમક વ્યાજ દરની નીતિના પરિણામે થયું છે. આ ઊંચા વ્યાજ દરની નીતિએ સ્ટાર્ટ-અપ્સ ક્ષેત્રે અનેકની નાણાકીય સ્થિતિ નબળી બનાવી દીધી હતી. સ્ટાર્ટઅપ્સને મોટું ધિરાણ કરનારી એસવીબી આ પરિસ્થિતિનો ભોગ બની છે.
એસવીબી પર બુધવારે જંગી રીડમ્પશન દબાણ આવી પડતાં બેંકે તેના યુ.એસ. ટ્રેઝરીનું મોટું પ્રમાણ ધરાવતા 21 અબજ ડોલરના બોન્ડ પોર્ટફોલિયોને વેચવા મૂક્યો હતો અને એ વેચાણ કરવા જતાં બેંકને 1.8 અબજ ડોલરનું જંગી નુકશાન આવી પડયું હતું. જેના પરિણાામે બેંક આ ખોટ પુરવા અને ફંડની વધુ જરૂરીયાત માટે 2.25 અબજ શેરો અને પ્રીફર્ડ કન્વર્ટિબલ શેરોનું વેચાણ કરવાનું જાહેર કર્યું હતું. જેથી બેંકની હાલત કફોડી હોવાનું જાણીને અનેક વેન્ચર ફંડો અને થાપણદારોએ પોતાના નાણા ઊપાડી લેવા ધસારો કર્યો હતો. જેથી બેંકની પરિસ્થિતિ વધુ કફોડી બની હતી અને અમેરિકી નિયમનકારોએ બેંકને તાળા લગાવવાની ફરજ પડી હતી.
સિલિકોન વેલી બેંકની નિષ્ફળતા 2008માં વોશિંગ્ટન મ્યુચ્યુઅલના ભંગાણ પછી સૌથી મોટું સંકટ છે. એ સમયની ઘટનાએ નાણા કટોકટી ઊભી કરી હતી અને એમાંથી વિશ્વના ઘણા દેશોના અર્થતંત્ર અને બજારોને બહાર આવતાં વર્ષો લાગી ગયા હતા. વર્ષ 2008ની દુર્ઘટનાએ અમેરિકા અને તેનાથી પણ આગળના દેશોમાં વધુ કડક નિયમનો લાગું કરવા ફરજ પાડી હતી.
સ્ટાર્ટઅપ્સમાં જંગી રોકાણ ધરાવતી એસવીબીનું ભારતના સ્ટાર્ટઅપ્સમાં પણ મોટું રોકાણ હોવા સાથે હવે ભારતના એસએમઈ ક્ષેત્રે વેન્ચર ફંડિંગ મેળવવા ઈચ્છતાં સાહસિકોની હાલત કફોડી થવાની ભીતિ પણ બતાવાઈ રહી છે. દેશમાં લાંબા સમયથી કંપનીઓ વેન્ચર ફંડિંગ મેળવ્યા બાદ અનેક કંપનીઓ એસએમઈ આઈપીઓ લઈના મૂડી બજારમાં આવી રહી હોઈ આ કંપનીઓમાં રોકાણ અટકવાના સંજોગોમાં કટોકટીનો રેલો ભારતીય બજારોમાં આવવાની અમુક વર્ગ શકયતા બતાવી રહ્યો છે.
અમેરિકાની સિલિકોન વેલી બેંકના ભંગાણને કારણે વૈશ્વિક શેર બજારોમાં કડાકા સાથે ભારતીય સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે પણ ફફડાટ ફેલાઈ ગયો છે. એસવીબી ભારતમાં પણ 20થી વધુ સ્ટાર્ટઅપ્સને ધિરાણ આપી ચૂકેલી છે. વર્ષ 2003થી ભારતના સ્ટાર્ટઅપ્સમાં એસવીએ રોકાણ શરૂ કર્યું હતું.
સ્ટાર્ટઅપ રિસર્ચ એડવાઈઝરી ટ્રેક્શનના રીપોર્ટ મુજબ એસવીબી દ્વારા ભારતીય કંપનીઓ પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ, કારવાલે, બ્લુસ્ટોન, શાદી અને સર્વમાં રોકાણ કર્યું હતું. ગત વર્ષે ઓકટોબરમાં એસવીબીએ કોન્ટ્રેકટ ઈન્ટેલિજન્સ કંપની આઈસરીટમાં 15 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જો કે એસવીબીનું ભારતમાં વેન્ચર ધિરાણ એસવીબી ઈન્ડિયા ફાઈનાન્સ થકી કરાઈ રહ્યં છે. કંપની સ્થાનિક, વેન્ચર સપોર્ટ ધરાવતી, આંગતુક અને મધ્યમ તબક્કામાં હો એવી હાઈ ગ્રોથ કંપનીઓમાં ડેટ-ઋણ તરીકે રોકાણ કરે છે.
એસવીબી દ્વારા વર્ષ 2004માં બેંગ્લુરૂમાં અને વર્ષ 2007માં મુંબઈમાં ઓફિસ ખોલવામાં આવી હતી. કંપનીએ એન્જિનિયરીંગ, એનાલિટીક્સ અને ટેસ્ટિંગમાં સર્વિસિઝ ઓફર કરતાં 800 કર્મચારીઓ સાથે બેંગ્લુરૂમાં ગ્લોબલ ટેક સેન્ટર શરૂ કર્યું હતું.
એકાએક ગઈકાલે પડી ભાંગેલી અને અનેક કંપનીઓ અને રોકાણકારોના અબજો ડોલર જે બેંકમાં ડૂબી ગયા એ અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી)ને હવે વિશ્વ વિખ્યાત ધનિક અને ટ્વિટરને હસ્તગત કરનાર ઈઓન મસ્ક ખરીદી શકે છે. એસવીબી બેંકને અમેરિકી નિયામક તંત્રો દ્વારા તાળા મારીને અસ્કયામતો કબજે કર્યા બાદ સીઈઓ મિન-લિઆન્ગ ટેન દ્વારા આ એસવીબીને ટ્વિટરે હસ્તગત કરવી જોઈએ અને તેની ડિજિટલ બેંક બનાવવી જોઈએ એવું સૂચન કર્યું હતું.
સિલ્વરગેટ કેપિટલ કોર્પના એકાએક બંધ પડવાના પરિણામે આ એસવીબી બેંકને તાળા મારવાનો નિર્ણય આવી પડયો હતો. ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન(એફડીઆઈસી) દ્વારા શુક્રવારે જ જણાવાયું હતું કે, નિયામક તંત્ર દ્વારા બેંકને બંધ કરવામાં આવી છે અને તેની અસ્કયામતો જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બેંકમાં અનેક કંપનીઓ અને રોકાણકારોના અબજો ડોલર અટવાઈ પડયા છે અને એના કારણે વૈશ્વિક મોટી નાણા કટોકટી સર્જાવાના ભયે વૈશ્વિક બજારોમાં શુક્રવારે કડાકો બોલાઈ ગયો હતો.
Advertisement