Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પગાર પંચના હપ્તાની ચુકવણી માટે ઠરાવ કરાયો પણ તેમાં નિવૃત્ત કર્મચારીઓનો ઉલ્લેખ નથી : પંકજ પટેલ

પગાર પંચના હપ્તાની ચુકવણી માટે ઠરાવ કરાયો પણ તેમાં નિવૃત્ત કર્મચારીઓનો ઉલ્લેખ નથી : પંકજ પટેલ

0
3
  • શાળાઓના કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતના બીજા હપ્તાની ચુકવણી કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો
  • સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતના બીજા હપ્તાની ચુકવણી કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અગાઉ પ્રથમ હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી હતી. કર્મચારીઓને પગાર તફાવત પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવા માટે સરકારે અગાઉ ઠરાવ કર્યો હતો. જેમાં હવે કર્મચારીઓને બીજા હપ્તાની ચુકવણી કરવામાં આવશે. સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલા પગાર ધોરણનો લાભ આપવા માટે સરકાર દ્વારા 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવની શરત અનુસાર, પગાર તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં રાજ્ય સરકાર દ્વારા તફાવતની રકમ ચુકવવા અંગે જે નિર્ણય લેવામાં આવે તે અનુસાર ચુકવવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

ત્યારબાદ 2018ના ઠરાવથી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પગાર તફાવતની રકમના પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવણી કરવા માટે નક્કી કરાયું હતું અને તે પૈકી પ્રથમ હપ્તાની ચુકવણી કરવાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજા હપ્તાની ચુકવણીની બાબત વિચારણા હેઠળ હતી. જે અંગે સરકારે વિચારણા કરી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર તફાવતની રકમના પાંચ સરખા વાર્ષિક હપ્તા પૈકી બીજા હપ્તાની ચુકવણી કરવાની મંજુરી આપવામાં આવી છે. આમ, હવે કર્મચારીઓને બીજા હપ્તાની રકમ વહેલી તકે મળશે.

સરકારના ઠરાવને લઈ શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે, હપ્તાની ચુકવણી માટે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં નિવૃત્ત કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત નિવૃત્ત શિક્ષકોને પગાર પંચના તફાવતની રકમ પાંચ સરખા હપ્તામાં આપવાનું નક્કી કર્યું હતું. અગાઉના તમામ પગારપંચના હપ્તા નિવૃત્ત શિક્ષકોને રોકડમાં જ આપેલા છે.

રાજ્યના 11 હજાર કરતા વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચના તમામ હપ્તા રોકડમાં આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુ પામેલા શિક્ષકોને પણ રોકડમાં ચુકવણી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat