Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

0
58
  • ઉર્જામંત્રી સૌરભ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

  • જનસેવા બદલ 11 કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવશે

ગાંધીનગર: 72મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજયભરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે. જયારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી ઝીલશે. જયારે અમદાવાદ જિલ્લામાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. અમદાવાદ ગ્રામ્યના મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં આયોજીત આ કાર્યક્રમનું રિહર્સલ રવિવારે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શનમાં યોજાયુ હતું.

72માં પ્રજાસત્તાક પર્વએ રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ સલામી ઝીલશે અને પ્રાસંગિક ઉદબોધન કરશે. આ ઉજવણી નિમિત્તે વિવિધ પોલીસ પ્લાટુન માર્ચ પાસ્ટ કરશે. આ પરેડનું નેતૃત્વ ડીવાયએસપી રિયાઝ સરવૈયા કરશે. મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટના પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી કે મંત્રીના વકતવ્યમાં સરકારની સિધ્ધિઓનો ઉલ્લેખ થઇ શકશે નહીં

સરખેજની સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ યોગ સૂર્યનમસ્કાર કરશે. જ્યારે ગોતાની શેઠ અમૂલખ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સરદાર પટેલ – સમૂહ નૃત્ય કરશે. આ ઉપરાંત કામેશ્વર શાળાના વિદ્યાર્થીઓ ‘દેશ રે રંગીલા’ સમૂહ નૃત્ય પ્રસ્તૂત કરશે. લોટ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વંદે માતરમ સમૂહ નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ઉત્તમ કામગીરી બજાવનારા 11 કર્મયોગીઓનું સન્માન પણ કરાશે. જેમાં અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી જે.બી.દેસાઈને બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને કોરોના મહામારીમાં કામગીરી માટે સન્માનિત કરાશે. આ ઉપરાંત કોવીડમાં ઉત્તમ કામગીરી માટે 108ના ઈ.એમ.ટી કલ્પેશ જાની, પાયલટ પ્રેમજી પરમાર, ખીલખીલાટના કેપ્ટન અનિલ રબારી, આરોગ્ય સંજીવનીના ડોક્ટર કમલેશ ગંગેવ, જીતેન્દ્ર દેસાઈ, લેબ ટેકનિશયન તેજલ ચૌધરીનું પણ સન્માન કરાશે.

આ પણ વાંચો: નરોડામાં પત્નીની ટિકીટ માટે બે પક્ષ વચ્ચે માથાકૂટ સર્જાઇ

આ ઉપરાંત મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર બીનલ પટેલ અને આંબલી અર્બન હેલ્થ સેન્ટરના ધવલકુમાર ચૌધરીને પણ સન્માનિત કરાશે. સન્માનિતોની યાદીમાં બ્લડ ડોનર સૂર્યકાંત નાયક અને હરીશ પટેલનો પણ સમાવેશ થાય છે. સૂર્યકાંતએ 108 વખતથી વધારે રકતદાન કર્યું છે, જ્યારે હરીશ પટેલે 238 વખતથી વધુ વાર રક્તદાન કર્યું છે. મકરબા પોલીસ પરેડ ગ્રાઉડ ખાતે યોજાયેલા આ રિહર્સલમાં જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9