Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સુઓમોટો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ પારડીવાલાની બદલી અફવા

કોરોના સુઓમોટો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ પારડીવાલાની બદલી અફવા

0
3765

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાના કહેર વચ્ચે સરકારને હચમચાવી નાખે તેવા એક પછી એક ઓર્ડર જસ્ટિસ જેબી પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. સરકાર જ્યારે કોરોના મુદ્દે આંખ કાન આડા કરીને નાગરિકોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકતંત્રના પાયાને મજબૂત કરતા એક પછી એક સતત આદેશો કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ, સ્વાસ્થ્ય વિભાગ, સ્વાસ્થ્ય મંત્રી, સ્વાસ્થ્ય સચિવ એકને પણ બક્ષવામાં આવ્યા નહતા અને દેશમાં કાયદાનું રાજ ચાલે છે તેનું ભાન સરકારને કરાવ્યું હતું. જોકે, આ બધા વચ્ચે જ્યારે જ્યુડિશિયરી મામલે નીચેથી ઉપર સુધી તમામ અફવાઓ ચાલતી રહે છે એ જ રીતે એક નવી અફવા પણ બહાર આવી હતી કે કોરોનાના સુઓમોટો કેસ સાંભળનાર જસ્ટિસ પારડીવાલાની બદલી કરી દેવામાં આવી છે. જોકે, આ નીરંતર અફવા છે, તેમની બદલી નહી પરંતુ રોસ્ટર (જવાબદારી) બદલાઇ છે.

કોરોના સુઓમોટો કેસ ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે ફરીથી રોસ્ટર બદલાયો છે ત્યારે આ કેસ ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સાંભળવામાં આવશે અને આ બદલાયેલા રોસ્ટર પ્રમાણે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલા દ્વારા સાંભળવામાં આવશે.

આ પહેલા જ્યારે સુઓમોટો લેવામાં આવ્યા હતા ત્યારે ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એજે શાસ્ત્રી દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવતી હતી પરંતુ આ કેસ સાથે જોડાયેલા મુખ્ય આદેશો જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની બેન્ચ દ્વારા આપવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ દ્વારા કોરોનાના વધતા કેસ વધતા સ્વાસ્થ્ય વિભાગને ચેતવણી આપી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, તમે સુધરો નહી તો અમે સુધારવા આવીશું, સાથે જ સિવિલ હોસ્પિટલની સ્થિતિને જોવા માટે સરપ્રાઇઝ વિઝિટની પણ વાત કરી હતી.

COVID-19 નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશન હાઇકોર્ટને શરણે