સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી(એસએલએસએ)ના સભ્ય સચિવ સાથે સમન્વય કરવા માટે સમર્પિત નોડલ અધિકારી નિમણૂક કરે જેથી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતરની રકમ ઝડપથી આપી શકાય.
ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાની ખંડપીઠે રાજ્ય સરકારોને એક સપ્તાહની અંદર સંબધિત એસએલએસએની પાસે નામ, સરનામુ અને મૃત્યુ પ્રમાણપત્રની સાથે અનાથોના સંબધમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે અને આમ ન કરવા બદલ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ફરી એક વખત જણાવ્યું છે કે વળતરની માગ કરનારા અરજકર્તાઓની અરજીઓ ટેકનિકલ આધાર પર ફગાવી નહીં શકાય. જો અરજીમાં ટેકનિકલ ખામી જણાય તો તેને સુધારવાની તક આપવી જોઇએ કારણકે કલ્યાણકારી રાજ્યનું અંતિમ લક્ષ્ય પીડિતોને સાંત્વના અને વળતર આપવાનો છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે અરજી પ્રાપ્ત થયાના મહત્તમ દસ દિવસની અંદર પીડિતોને વળતરની ચુકવણી કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવા જોઇએ. સુપ્રીમ કોર્ટે એસએલએસએએ એવા લોકોનો પણ સંપર્ક કરવાનો રહેેશે જે કોઇ પણ કારણસર હજુ સુધી અરજી કરી શક્યા નથી.
ખંડપીઠે જણાવ્યું હતું કે અમે સંબધિત રાજ્ય સરકારોને એક સમર્પિત નોડલ અધિકારીની નિમણૂક કરવાના પણ નિર્દેશ આપીએ છીએ. જે મુખ્યમંત્રી સચિવાલયમાં ઉપસચિવના પદથી નીચેનો ન હોય. જે એસએલએસએના સભ્ય સચિવની સાથે સતત સંપર્કમાં રહેશે જેથી તેમની સાથે સમન્વય સાધી શકાય.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનોને રૂ. 50,000 સહાય ચૂકવવામાં થઇ રહેલા વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી છે. આ અગાઉ 4 ઓક્ટોબર, 2021ના રોજ સુપ્રીમે જણાવ્યું હતું કે મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મોત થયું હોવાનું લખ્યું ન હોય તેના આધારે કોઇ પણ રાજ્ય અરજકર્તાને વળતરની રકમ ચૂકવવાનો ઇનકાર ન કરી શકે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને અરજી મળ્યાના 30 દિવસની અંદર વળતરની ચુકવણી થઇ જવી જોઇએ.
ઓનલાઇનને બદલે ઓફલાઇન કરાયેલી અરજીને ફગાવવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી. કર્ણાટકના યાદગીર જિલ્લામાં કોરોના સહાયના ચેકો બાઉન્સ થયાના મીડિયાના અહેવાલો અંગે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને સહાયનો કોઇ પણ ચેક બાઉન્સ ન થાય તચે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.