Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ સપ્ટે. 2020માં દસ્તાવેજોની નોંધણીમાં 23 ટકાનો વધારો

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ સપ્ટે. 2020માં દસ્તાવેજોની નોંધણીમાં 23 ટકાનો વધારો

0
114

આકીબ છીપા, અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા અનલૉકની તબક્કાવાર રીતે જાહેરાત કરાયા બાદ પણ મોટા ભાગના ઉદ્યોગ અને માર્કેટ પર મંદીની અસર જોવા મળી રહી છે. ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સહેજ સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ નોંધણી નિરીક્ષકની કચેરી દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે 2019ની સરખામણીએ ચાલુ વર્ષનાં સપ્ટેમ્બર મહિનામાં રજૂ કરાયેલાં દસ્તાવેજોની સંખ્યામાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેનાંથી નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ 14થી 15 ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદ નોંધણી નિરીક્ષકની કચેરી દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ 5001 દસ્તાવેજો વધુ નોંધાયા છે જેનાંથી સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 22 કરોડ રૂપિયા જ્યારે નોંધણી ફીની આવકમાં 3.67 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સપ્ટેમ્બર-2020માં અમદાવાદની નરોડા સબ રજિસ્ટ્રારની કચેરીમાં સૌથી વધુ 2548 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાની હદમાં આવતી કુલ 22 સબ-રજિસ્ટ્રાર કચેરીઓ પૈકી માત્ર વેજલપુર, માંડલ અને ધોલેરા કચેરીમાં જ દસ્તાવેજની નોંધણી ગત વર્ષની સરખામણીએ ઓછી થઈ છે. ધોલેરામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનાં સપ્ટેમ્બર મહિનામાં 63 દસ્તાવેજ ઓછા નોંધાયા છે.

registration of documents

ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણીમાં વધારો અમદાવાદની ઓઢવ, નરોડા, નિકોલ, સોલા, બોપલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયો છે. ગત વર્ષનાં સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓઢવમાં 879, નરોડામાં 672, નિકોલમાં 598 દસ્તાવેજ વધુ નોંધાયા છે. અમદાવાદ નિરીક્ષક કચેરીની આંકડાકીય વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે, શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ દસ્તાવેજો નોંધાઈ રહ્યાં છે.

સપ્ટેમ્બર 2019માં અમદાવાદ જિલ્લામાં આવતી કુલ 22 સબ-રજિસ્ટ્રાર કચેરીમાં 16,450 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી જે ચાલુ વર્ષનાં સપ્ટેમ્બરમાં વધીને 21,451 થઈ છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારને સ્ટેમ્પ ડ્યુટીથી કુલ 143.76 કરોડ અને નોંધણી ફીથી 26.33 કરોડ રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર-2019માં સરકારને સ્ટેમ્પ ડ્યુટીથી 121.90 કરોડ અને નોંધણી ફીથી 22.66 કરોડની આવક થઈ હતી.

registration of documents