અમદાવાદ: આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અમદાવાદ પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસની રેડ પડી હોવાનો દાવો ઇસુદાન ગઢવીએ કર્યો છે. જોકે, અમદાવાદ પોલીસે ખુલાસો કરતા કહ્યુ કે, અમે કોઇ રેડ પાડી નથી. બીજી તરફ પોલીસના ખુલાસા પછી આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યુ કે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મી આવ્યા હતા.
Advertisement
Advertisement
ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા કહ્યુ કે,
“કેજરીવાલજીના અમદાવાદ પહોચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસની રેડ. બે કલાક તપાસ કરીને જતા રહ્યા, કઇ ના મળ્યુ, કહ્યુ- ફરી આવીશું.”
બીજી તરફ અમદાવાદ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરીને આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે કહ્યુ કે,
” ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.”
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ પોલીસના જવાબ પછી ખુલાસો કરતા કહ્યુ કે, “ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા.ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.”
ફરી એક વખત ઇસુદાન ગઢવીએ અમદાવાદ પોલીસને જવાબ આપતા કહ્યુ કે,
“ત્રણ પોલીસ કર્મી આવ્યા હતા, તેમીન પાસે કોઇ વોરંટ કે કોઇ કાગળ નહતા. રેડ “unofficial” હતી, તેનો રેકોર્ડમાં કોઇ ઉલ્લેખ નહી હોય. ભાજપની ગુજરાતમાં લોકોને હેરાન કરવાની આ જ સ્ટાઇલ છે.”
અરવિંદ કેજરીવાલે પણ ઇસુદાન ગઢવીના ટ્વીટને રી ટ્વીટ કરતા લખ્યુ,
“ગુજરાતની જનતાના મળી રહેલા અપાર સમર્થનમાં ભાજપ ડરી ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી પછી હવે ગુજરાતમાં પણ રેડ કરવાની શરૂ કરી દીધી છે. દિલ્હીમાં કઇ મળ્યુ નથી, ગુજરાતમાં પણ કઇ નથી મળ્યુ. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.”
અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલ 12 અને 13 સપ્ટેમ્બરે અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. કેજરીવાલ અમદાવાદમાં વિવિધ એસોસિએશનના લોકો સાથે મુલાકાત કરશે.
કેજરીવાલ ઓટો ડ્રાઇવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે પણ મુલાકાત કરશે. AAPના ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત કેજરીવાલ સંવાદ કરશે.
Advertisement