Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > જાણો કેવી હશે બજારમાં આવનાર ₹ 20ની નવી નોટ?

જાણો કેવી હશે બજારમાં આવનાર ₹ 20ની નવી નોટ?

0
1118

8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી થયા બાદ ચલણી નોટો બદલવાની પરંપરા શરૂ થઈ હતી, જે હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. 2000,500,200, 100,50 અને 10 રૂપિયાની નવી નોટો બાદ મોદી સરકારે હવે 20 રૂપિયાની ચલણી નોટ બદલવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર નવી નોટના ફિચર્સ જાહેર કર્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 20 રૂપિયાની નવી નોટો જલ્દી ચલણમાં અમલી બનાવવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સિરીજ અંતર્ગત જાહેર કરવામાં આવનાર નવી નોટો ઉપર ઉર્જિત પટેલની જગ્યાએ નવા આવેલા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. જો કે 20 રૂપિયાની હાલમાં ચાલી રહેલી નોટો પણ ચલણમાં અમલી રહેશે.

રિઝર્વ બેંકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નવી નોટોનો આકાર 63mm*129mm રહેશે. જ્યારે બાકીના તમામ ફિચર્સ અગાઉ બહાર પાડેલ ચલણી નોટો જેવા જ રહેશે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, 20 રૂપિયાની નવી નોટનો રંગ આછો લીલો-પીળો હશે. નોટની પાછળના ભાગમાં દેશની સાંસ્કૃતિક વારસાને દર્શાવનાર એલોરાની ગુફાઓનું ચિત્ર છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા 500, 2000, 200, 100, 50, 10 રૂપિયાની નવી નોટો બહાર પાડી ચૂકવામાં આવી છે. 20 રૂપિયાની નોટ પણ નવા રંગરૂપ સાથે બહાર પડવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો, જે હવે ખરો સાબિત થયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર, 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાની નોટોની સંખ્યા 4.92 અરબ હતી, જે માર્ચ 2018 સુધી 10 અરબ થઈ ગઈ. જે હાલ ચલણમાં રહેલ કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા છે.