Gujarat Exclusive > દેશ-વિદેશ > રામ મંદિરનું નિર્માણ ક્યારે અને કેવી રીતે? ટ્રસ્ટની આજે પ્રથમ બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

રામ મંદિરનું નિર્માણ ક્યારે અને કેવી રીતે? ટ્રસ્ટની આજે પ્રથમ બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

0
342

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર ક્યારે અને કેવી રીતે નિર્માણ પામશે? તે માટે આજે પ્રથમ બેઠક થવા જઈ રહી છે. આ બેઠક સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત “રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ”ની હશે. જેમાં મંદિરના નિર્માણ શરૂ કરવાના મુહૂર્ત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. સુત્રો અનુસાર, ટ્રસ્ટના અનેક સભ્યો સરયુ કાંઠા સુધી રામ કૉમ્પલેક્સ બનાવવાના પક્ષમાં છે. આ બેઠકમાં આ માટે વધારે જમીન લેવા અંગે ચર્ચા પણ થશે.

પ્રજા પાસેથી પૈસા લેવા કે નહી? તેની પર ચર્ચા
આ બેઠકમાં સામાન્ય પ્રજા પાસેથી આર્થિક મદદ લેવા જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ ના થાય. આ ઉપરાંત નિર્માણ કાર્ય દરમિયાન રામલલાની મૂર્તિ ક્યાં રાખવામાં આવે? તેના પર પણ ટ્રસ્ટ વિચાર કરશે. આ બેઠકમાં અયોધ્યાના માસ્ટર પ્લાન પર પણ ચર્ચા થશે.

દિલ્હીમાં યોજાનારી આ બેઠક માટે ટ્રસ્ટના ત્રણ સભ્યો મહંત દિનેન્દ્ર દાસ, રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ અનિલ મિશ્ર મંગળવારે અયોધ્યાથી રવાના થઈ ગયા છે. ટ્રસ્ટના સભ્યો તરફથી આમંત્રણ મળવા પર મહંત નૃત્યુ ગોપાલ દાસ પણ દિલ્હી રવાના થયા છે. નૃત્યુ ગોપાલ દાસ ઉપરાંત VHPના ચંપત રાય પણ બેઠકમાં સામેલ થશે.

ભૂમિ પૂજન 25 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે
આ ટ્રસ્ટ સૌ પ્રથમ મંદિર નિર્માણની તારીખ નક્કી કરશે. ભૂમિ પૂજન 25 માર્ચથી 8 એપ્રિલની વચ્ચે થઈ જશે, પરંતુ નિર્માણ કાર્ય શરુ કરવામાં હજુ થોડો સમય લાગશે. ટ્રસ્ટ મંદિર નિર્માણ સ્થળની માટીની તપાસ કરાવવા માટે ભૂશાસ્ત્રીઓ અને વાસ્તુ શાસ્ત્રીઓની સલાહ લઈ રહ્યું છે. મંદિર નિર્માણનું કામ કંઈ કંપનીને સોંપવામાં આવે? તેના પર પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. મંદિરને ભવ્ય બનાવવા પર વિચાર થશે. ટ્રસ્ટની ઈચ્છા છે કે, મંદિર ભવ્ય બને અને મૉડલ પણ બદલવું ના પડે. જો કે ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલનું કહેવું છે કે, આટલા તમામ નિર્ણયો પર એક જ બેઠકમાં નક્કી કરવું અશક્ય છે.

શું છે એજન્ડા?
→ હાલના સમયમાં રામલલાની જે સુરક્ષા છે, તેને યથાવત રાખવી કે બદલવી
→ ટ્રસ્ટને સોંપેલી જમીન અને તેના સબંધિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા પર નિર્ણય લેવાશે
→ ટ્રસ્ટમાં બે અન્ય લોકોને સામેલ કરવા માટે વિચાર થશે

જમ્મુ-કાશ્મીર: ભારતીય સુરક્ષા બળોને મોટી સફળતા, ત્રાલમાં 3 આતંકવાદીઓ ઠાર