Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યસભા ચૂંટણી: મતદાન પૂર્ણ, ભાજપનાં ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસનાં શક્તિસિંહની જીત નક્કી

રાજ્યસભા ચૂંટણી: મતદાન પૂર્ણ, ભાજપનાં ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસનાં શક્તિસિંહની જીત નક્કી

0
1759

ગાંધીનગર: ગુજરાતમાં આજે રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઇ. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટેનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. જેમાં ભાજપનાં 103, કોંગ્રેસનાં 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. એટલે કે કુલ 170 મત પડ્યાં છે. જ્યારે BTP (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) એ મતદાન નથી કર્યું.

આ સાથે જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય ઉમેદવારો રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે. કુલ 170 મત પડ્યાં હોવાંથી હવે દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર પડશે.

આ પહેલા BTPનાં 2 ધારાસભ્યને ગણીને 172 મત થતા હતાં અને જીત માટે એક ઉમેદવારને 34.40 મતની જરૂર હતી. અત્રે નોંધનીય છે કે સાંજનાં 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે.

રાજ્યસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાની અત્યાર સુધીની પળેપળની અપડેટ્સ…

BTPનાં બંને ધારાસભ્યો નહીં કરે મતદાન

રાજ્યસભાની ચૂંટણીમાં BTPનાં ધારાસભ્યો મતદાન નહીં કરે. છેલ્લે સુધી BTPએ બંને પક્ષોને મુંઝવણમાં રાખ્યાં હતાં ત્યારે આખરે BTPનાં ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું કે, “બંને પક્ષોએ અમારી માંગ ન સ્વીકારી અને માંગણી પૂરી કરી શકે તેમ પણ નથી. અમે મત આપવાનાં નથી. અમારે કોઇને મત આપવો નથી. ચૂંટણી છે એટલે દરેક સંપર્ક કરે છે. અમારી માંગ સંતોષાઇ નથી. અમે આંદોલન કરવા ઘરે જઇએ છીએ. દેશનાં ગરીબો અને આદિવાસીઓ સાથે આ સરકાર નથી.”

ભાજપ, કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોનું વોટિંગ પૂર્ણ

રાજ્યસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 170 ધારાસભ્યો મતદાન કરી ચૂક્યાં છે. વિધાનસભામાં 172 મતમાંથી અત્યાર સુધીમાં 170 મત પડી ચૂક્યાં છે. જેમાં ભાજપનાં તમામ 103 ધારાસભ્યો મતદાન કરી ચૂક્યાં છે અને કોંગ્રેસનાં તમામ 65એ 65 ધારાસભ્યો મતદાન કરી ચૂક્યાં છે. તદુપરાંત NCPનાં 1 અને 1 અપક્ષ ધારાસભ્યનું પણ મતદાન થઈ ચૂક્યું છે. પરંતુ હજી BTPનાં 2 ધારાસભ્યોનું મતદાન બાકી છે.

અત્રે નોંધનીય છે કે ભાજપે 3 ઉમેદવાર અને કોંગ્રેસે 2 ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેમાં હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં NCPનાં 1, BTPનાં 2 અને અપક્ષ 1 ધારાસભ્ય છે ત્યારે આજે BTPનો પણ મત પડશે તે ઉમેદવાર જીતશે.


ભાજપનાં તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું: CM રૂપાણી

“મતદાન પૂર્ણ થવા આવ્યું છે. ભાજપનાં તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. ભાજપનાં ત્રણેય ઉમેદવારોની જીત થશે. BJPએ આદિવાસી સમાજ માટે ખૂબ સારા કામ કર્યા છે. ભાજપે આદિવાસી બહેનને ટિકિટ આપી છે. જે એક ગૌરવની વાત છે. છોટુભાઇ વસાવા અવશ્ય મતદાન કરશે તેવો મને વિશ્વાસ છે. પેસા એક્ટનો અમલ BJP સરકારે કરાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં વનબંધુ યોજનાનાં કામ કર્યાં છે. અમે ધારાસભ્યોનો કોઈ કેમ્પ નથી કર્યો. કોંગ્રેસને પોતાનાં ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી. કોંગ્રેસે BJPનાં ધારાસભ્યોનાં સંપર્ક કર્યાં છે.”

રાજ્યસભા ચૂંટણીનું સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ( બપોરનાં 1 વાગ્યા સુધીમાં ) કોંગ્રેસનાં 35 ધારાસભ્યોનું મતદાન થઈ ચૂક્યું છે અને તેમાં શક્તિસિંહ ગોહિલને પૂરતા મત મળી ગયા છે. હજુ સુધી એક પણ ક્રોસ વોટ પડ્યાં નથી એવાં સમાચાર મળી રહ્યાં છે.

CM રૂપાણી સહિત ભાજપનાં 66 ઘારાસભ્યોએ મતદાન કર્યું છે. એમાં ભાજપનાં જે બીમાર ધારાસભ્યો છે તેમને પણ પોતાનો મત આપ્યો હતો. પરંતુ એવામાં સૌથી નિર્ણાયક ગણાતું BTP વોટ કરશે કે નહીં તેને લઈને હજુ સુધી અસમંજસ છે.

જો કે તમને વધુમાં જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેમાં ભાજપનાં 2 અને કોંગ્રેસનાં 1 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. નરહરિ અમીન બાદ રમીલાબેન બારા માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. જ્યારે કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલ માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પરંતુ હજી ભાજપનાં અભય ભારદ્વાજ અને કોંગ્રેસનાં ભરતસિંહ માટેનું મતદાન શરૂ છે.

આ પણ વાંચોઃ કેમ રાજ્યસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિક નથી આપી શકતા મત? શું છે સમગ્ર પ્રક્રિયા

શક્તિસિંહ ગોહિલની જીત થઇ શકે છે

મળતી માહિતી મુજબ કોંગ્રેસનાં 35થી વધુ ધારાસભ્યોએ કરેલા મતદાનમાં હજી સુધી એક પણ ક્રોસ વોટિંગ થયું નથી જેને લીધે કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલની જીત થઇ શકે છે એમ કહી શકાય. નોંધનીય છે કે હાલમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ પ્રથમ પસંદગી હતાં.

NCPનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ મતદાન કર્યું

રાજ્યસભાની ચૂંટણીમાં કુતિયાણાનાં NCPનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, “પોતાની પાર્ટીનાં વ્હીપ મુજબ મતદાન કર્યું છે. BJP સાથે મારે પર્સનલ સંબંધ છે.”

મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને NCP દ્વારા વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને મત આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોય તે રીતે તેઓ ભાજપની છાવણીમાં પહોંચ્યાં હતાં. જો કે સૂત્રોનાં જણાવ્યાં મુજબ કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો છે.

ચૂંટણીમાં ભાજપનાં 3 ધારાસભ્યોનાં પ્રોક્સી વોટ થશે

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં 3 ધારાસભ્યોનાં પ્રોક્સી વોટ થશે. જેમાં શંભુજી ઠાકોર, પુરુષોત્તમ સોલંકી, કેસરીસિંહ સોલંકી માટે પ્રોક્સી વોટ થશે. શંભુજી ઠાકોરને લખતા સમયે ધ્રુજારીની બીમારી છે. જેનાં કારણે શંભુજી ઠાકોર માટે રજની પટેલ પ્રોક્સી મતદાન કરશે.

પુરુષોત્તમ સોલંકી તબિયત નાદુરસ્ત હોવાથી તેમનું પણ પ્રોક્સી મતદાન થશે. પુરુષોત્તમ સોલંકી માટે હીરા સોલંકી પ્રોક્સી મતદાન કરશે. કેસરીસિંહ સોલંકી રાત્રે એકાએક બિમાર થતાં પ્રોક્સી મતદાન થશે. ભાજપનાં કેસરીસિંહ સોલંકી માટે પણ પ્રોક્સી મતદાન કરાશે.

ત્યારે ઘણાં લાંબા સમયથી નાદુરસ્ત તબિયત બાદ મંત્રી પુરુષોત્તમ સોલંકી મતદાન કરવા વિધાનસભા આવી પહોંચ્યાં છે. પુરુષોત્તમ સોલંકીનો પ્રોક્ષી મત તેમનાં ભાઈ હીરા સોલંકી આપશે. જ્યારે બલરામ થવાનીને પણ વ્હીલ ચેરમાં લવાયા છે. જેમાં કેસરીસિંહ  અને બલરામ થવાણીએ મતદાન કર્યું છે. ભાજપનાં 4 MLA બીમાર છે અને એમ્બ્યુલન્સ દ્વારા વ્હીલ ચેર પર તેઓને મતદાન કરવા લવાયા છે.

CM રૂપાણીનું મોટું નિવેદન

રાજ્યસભાની ચૂંટણીને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ચૂંટણી રદ કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. બાકી જીત મળતી હોય તો પરેશ ભાઈને સુપ્રિમ કોર્ટ જવાની શું જરૂર પડી? ભાજપનાં ત્રણેય ઉમેદાવારોની જીત નિશ્ચિત છે. ભાજપનાં ધારાસભ્યો એક છે. વિકાસનાં કાર્યોનાં કારણે છોટુભાઈનાં મત પણ અમને મળશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા છે. BTPનાં મત પણ ભાજપને જ મળશે.”

આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસની પ્રતિષ્ઠા દાંવ પર, ચોથી સીટ માટે કાંટાની ટક્કર

વિક્રમ માડમે કર્યું મતદાન

કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમે પણ મતદાન કર્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, “કોગ્રેસ તેની બીજી સીટ બચાવશે તેમ કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ પાસે કેટલાં મત છે. સાંજે મતપેટી ખુલતા જ ખબર પડશે. કોંગ્રેસનાં ધારાસભ્યને કોઈનો ડર નથી. NCPનો મત કોંગ્રેસને મળશે.”

આર.સી ફળદુએ કર્યું પ્રથમ મતદાન

ગુજરાતનાં રાજકારણમાં નિર્ણાયક બની રહેનારી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે ત્યારે રાજ્ય સરકારનાં પ્રધાન આર.સી ફળદુએ પ્રથમ મતદાન કર્યુ છે. જ્યાર બાદ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે મતદાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે 3 ઉમેદવાર તો કોંગ્રેસે 2 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. હાલમાં ભાજપ પાસે છે 103 ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે. તો NCPનાં 1, BTPનાં 2 અને અપક્ષ 1 ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં છે ત્યારે આજે BTPનો મત પડશે તે ઉમેદવાર જીતશે.

રાજ્યસભાની ચૂંટણીનાં મતદાનને લઇને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાની પાસે ઉમેદવારોનાં ફોટા સહિત માહિતી પણ લખવામાં આવી છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યાં છે. જેમાં આ ક્રમાંકને આધારે બાકીનાં મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.

પહેલો ક્રમાંકઃ અભય ભારદ્વાજ, ભાજપ
બીજા ક્રમાંકઃ નરહરી અમીન, ભાજપ
ત્રીજા ક્રમાંક: શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ
ચોથા ક્રમાંક: રમીલાબેન બારા, ભાજપ
પાંચમા ક્રમાંક: ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ

5 ઉમેદવાર વચ્ચે 4 બેઠક પર જંગ

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 2 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આ ચૂંટણીમાં ભાજપનાં અભય ભારદ્રાજ, રમીલાબેન બારા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસનાં બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા એવાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે આજે ખરાખરીનો જંગ ખેલાશે. મહત્વનું છે કે આજે ગાંધીનગરમાં યોજાનારી ચૂંટણીમાં રાજ્યનાં 172 ધારાસભ્યો મતદાન કરશે અને આજ સાંજ સુધીમાં પરિણામ જાહેર થઇ જશે.

આ પણ વાંચો: રાજ્યસભાની 19 બેઠકો માટે 8 રાજ્યોમાં મતદાન શરૂ, જાણો કોણ-કોણ છે મેદાનમાં

ગુજરાત વિધાનસભાનું ગણિત

182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યો છે. જેમાંથી ભાજપના 103 અને કોંગ્રેસના 65 છે. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના 2, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક અને જિગ્નેશ મેવાણી તરીકે એક અપક્ષ ધારાસભ્ય છે. એક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. આવી સ્થિતિમાં ભાજપના બે અને કોંગ્રેસને એક સીટ મળશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. જો કે રાજ્યમાં ખરાખરીનો જંગ ચોથી બેઠક માટે જ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.