Gujarat Exclusive > રાજનીતિ > રાજસ્થાન: સત્તાનું પાસું અંતે CM ગેહલોતના પક્ષમાં, પાઇલટ જૂથની નારાજગી દૂર

રાજસ્થાન: સત્તાનું પાસું અંતે CM ગેહલોતના પક્ષમાં, પાઇલટ જૂથની નારાજગી દૂર

0
111

સરકાર સુરક્ષિત છે, સરકારને કોઈ ખતરો નથી- સચિન પાઇલટ સર્મથક MLA

જયપુર: રાજસ્થાનના રાજકારણમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સચિન પાઇલટની મુલાકાત બાદ રાજસ્થાનના રાજકારણમાં સત્તાનું પાસું અંતે ગેહલોતના પક્ષમાં દેખાય છે. જ્યારે સચિન પાઇલટ સમર્થક ભંવરલાલ શર્મા પણ સોમવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા.

મુખ્યમંત્રી ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ પાઇલટ સમર્થક ધારાસભ્ય ભંવરલાલે જણાવ્યું કે સરકાર સુરક્ષિત છે. સરકારને કોઈ ખતરો નથી. આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત થઈ. અમે એક પરિવાર છીએ અને અશોક ગેહલોત તેના વડા છે.

પાયલટ સમર્થક ધારાસભ્યએ જણાવ્યું કે જ્યારે પરિવારમાં કોઈ નારાજ થાય છે તો તે જમતો નથી. અમે એક મહિના સુધી નારાજગી જાહેર કરી. હવે નારાજગી દૂર થઈ ગઈ છે. પાર્ટી હવે જનતાને કરેલા વાયદા પૂરા કરશે.

આ પણ વાંચો: રાહુલ પ્રિયંકાને મળ્યા સચિન પાયલટ, સત્રમાં સામેલ થવાની સંભાવના

કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પાડવાના પ્રયાસથી જોડાયેલા ઓડિયોના સંબંધમાં કરવામાં આવેલા પ્રશ્ન પર જણાવ્યું કે મને આ સંબંધમાં કોઇ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર શરૂ થતા પહેલાં રાજકીય ઘમાસાણે જોર પકડ્યુ છે. પાર્ટીની અંદર બળવો કરનાર સચિન પાઇલટે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ત્રણેય વચ્ચે થયેલી મુલાકાત સકારાત્મક રહી છે, આવામાં સંકેત મળી રહ્યા છે કે સચિન પાયલટ ને કોંગ્રેસ મનાવવામાં સફળ રહી છે.

આ પણ વાંચો: IAS શાહ ફૈસલે એક વર્ષમાં જ રાજકારણ છોડ્યુ, ફરીથી સર્વિસમાં જોડાવવાની અટકળો

અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે રાજકીય ખટપટ

મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ મોર્ચો ખોલનારા સચિન પાઇલટ સાથે લગભગ 22 ધારાસભ્ય હતા. રાજ્ય સરકારે તેમના પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો હતો અને રાજદ્રોહનો કેસ દાખલ કરાવ્યો હતો. જેથી સચિન પાઇલટ નારાજ હતા. તેમના બળવા બાદ જ કોંગ્રેસે સચિન પાસેથી ઉપમુખ્યમંત્રી-પ્રદેશ અધ્યક્ષનું પદ ઝુંટવી લીધું હતું.