Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પ્રથમ ગ્રાસે મક્ષિકા: રાજપીપળામાં પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ખુલે એ પહેલાં જ વિરોધ

પ્રથમ ગ્રાસે મક્ષિકા: રાજપીપળામાં પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ખુલે એ પહેલાં જ વિરોધ

0
274
  • કોવિડ હોસ્પિ.માં સુવિધાઓના અભાવે લોકોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનો ડર
  • વેન્ટિલેટર કોઈ ડોક્ટરને ઓપરેટ કરતા નથી આવડતું : વેપારીઓનો આક્ષેપ


વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓનો મૃત્યુ દર પણ વધી રહ્યો છે તો બીજી બાજુ મોટા શહેરોમાં હોસ્પિટલમાં જગ્યા પણ મળતી ન હોવાથી દર્દીઓએ હાલાંકી વેઠવી પડે છે. આ જોતા રાજપીપળા નજીકના વ્રજ એવેન્યુ કોમ્પ્લેક્ષમાં 50 બેડની અદ્યતન સુવિધા વાળી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ (Covid Hospital) ચાલુ કરવાની તજવીજ શહેરના પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા હાથ ધરાઈ હતી. વાત નર્મદા જિલ્લા કલેકટર મંજૂરી આપે ત્યાં આવીને ઉભી રહી હતી. દરમિયાન એ કોમ્પ્લેક્ષનાં દુકાનદારોએ વિરોધ દર્શાવી નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું. આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ મધ્યસ્થી કરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો.

દુકાનદારોનું કહેવું છે કે, “જો અહીંયા કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવે તો અમારે ત્યાં કોઈ ગ્રાહક આવે જ નહીં અને અમે બેકાર થઈ જઈએ. સાથે સાથે અમને અને આસપાસના લોકોને કોરોના સંક્રમણનો પણ ખતરો રહેલો છે.”

તબીબોનું કેહવું છે કે, “નર્મદા જિલ્લામાંથી અન્ય શહેરોમાં કોરોનાની લાખોના ખર્ચે થતી સારવાર અહીંયા નજીવા દરે ઉપલબ્ધ થાય એ હેતુથી અમે કાર્ય હાથ ધર્યું હતું. કોવિડ હોસ્પિટલ ખુલે તો ત્યાંના લોકોને કોરોના સંક્રમણની બિલકુલ શક્યતાઓ રહેલી જ નથી. અમે વ્યવસ્થા એવી રીતે કરીશું કે કોઈને સંક્રમણ થાય જ નહીં. પરંતુ પ્રજાના વિરોધને લીધે વ્રજ એવેન્યુ કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલ ચાલુ કરવાનું મોકૂફ રખાયું હતું.”

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે, સાથે સાથે દર્દીઓના મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. રાજપીપળાની કોવિડ હોસ્પિટલ (Covid Hospital) માં વેન્ટિલેટર હોવા છતાં કેમ દર્દીઓને અન્ય શહેરોમાં રીફર કરાય છે એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. બીજી બાજુ રાજપીપળા કોવિડ હોસ્પિટલ (Covid Hospital) માં સુવિધાઓના અભાવે લોકો કોરોનાનો ટેસ્ટ કરવાથી દૂર ભાગતા હોવાની બુમો પણ ઉઠી છે. આ તમામની વચ્ચે રાજપીપળા વિવિધ વેપારી મંડળે કોવિડ હોસ્પિટલ (Covid Hospital) ની પોલ ખોલી CM રૂપાણીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. જેમાં આક્ષેપો લગાવ્યા છે કે, “રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર કોઈ ડોક્ટરને ઓપરેટ કરતા આવડતું નથી. વેન્ટિલેટરની સેવા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવાને લીધે દર્દીઓનાં મૃત્યુ થાય છે. કોવિડ હોસ્પિટલમાં શૌચાલયની સફાઈનો ઘણો મોટો પ્રશ્ન છે.”

આ પણ વાંચોઃ વડાપ્રધાન પાક વીમા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારનો ખેડૂત એકતા મંચનો આરોપ

Rajpipla traders latter

નર્મદામાં કોરોનાની સારવાર દરમિયાન 10નાં મોત પણ તંત્રનાં ચોપડે ફક્ત 1ની નોંધ કેમ?

નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન 10 દર્દીઓનાં મોત નિપજ્યા છે પણ તંત્રનાં ચોપડે ફક્ત 1 ની જ નોંધ છે એ બાબત ઘણું બધું કહી જાય છે. શું નર્મદા જિલ્લાનો ગ્રાફ સારો બતાવવાનો આ કીમિયો હશે કે પછી આરોગ્ય વિભાગ એ નક્કી કરી શક્યું નથી કે એ લોકોના મોત કોરોનાને લીધે થયા છે.

નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. આર. એસ. કશ્યપે જણાવ્યું હતું કે, “મને કોવિડ હોસ્પિટલ માંથી દર્દીના મોતનું કારણ જે બતાવાય એ જ હું જાહેર કરું. મને અત્યાર સુધી ફક્ત એક જ દર્દીનું કોરોનાને કારણે મોત થયું હોવાનું કારણ બતાવ્યું છે. અન્ય દર્દીઓના મોતના જુદા કારણ બતાવાયા છે. મારું કામ દર્દી જાહેર કરવાનું છે, દર્દીનું મોત કેવી રીતે થયું એની જાણ કરવાનું કામ સારવાર વિભાગનું છે.”

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ ઉત્તમ મહેતાને કોવિડ હોસ્પિટલનો થયો કડવો અનુભવ

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકાનાં પૂર્વ પ્રમુખ ઉત્તમ મહેતાને કોવિડ હોસ્પિટલનો એક કડવો અનુભવ થયો છે. ઉત્તમ મહેતાએ ગુજરાત એક્સક્લુસીવ સાથેની વાતમાં જણાવ્યું કે, “મારા ભાઈ તપસ્વી મહેતાને કોરોનાની સારવાર માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એમને કિડનીનો પણ પ્રોબ્લેમ છે એમને વધુ પડતી એન્ટિબાયોટીક ન લેવાની સલાહ અમારા ફેમિલી ડોક્ટરે આપી છે. મારા ભાઈને રોજ હાથમાં ગોળીઓ આપી નર્સ જતી રહેતી હતી, તો એમણે ફક્ત એટલું પૂછ્યું કે આમાંથી એન્ટિબાયોટીક કઈ-કઈ છે તો એમને ઉદ્ધતાઈથી જવાબ મળ્યો. હું આ બાબતની ફરિયાદ કરવા ગયો તો મારી સાથે પણ તબીબી અધિકારી દ્વારા ત્યાં ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સારો વ્યવહાર થતો જ નથી એવો આક્ષેપ પણ ઉત્તમ મહેતાએ લગાવ્યો હતો.”

શું નર્મદા CDHO ડો. કે.પી.પટેલને કોવિડ હોસ્પિટલ પર ભરોસો નથી?

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર બાબતે ઘણી બુમો ઉઠી છે, કદાચ એ જ કારણોસર રાજપીપળા પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા ખાનગી તબીબો વિચારી રહ્યા હતાં. નર્મદા CDHO ડો. કે.પી.પટેલનો એન્ટીજન કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. તેઓ તરત સુરત ખાતે સારવાર લેવા ઉપડી ગયા. આના પરથી એક બાબત એ કહી શકાય કે ખુદ આરોગ્ય અધિકારીને જ કોવિડ હોસ્પિટલ પર ભરોસો નથી રહ્યો તો સામાન્ય પ્રજાનું શું થાય.

આ પણ વાંચોઃ કૂતરાંઓના ખસીકરણમાં છબરડો: તંત્ર કહે છે સંખ્યા ઘટી, જ્યારે ખર્ચ વધ્યો