Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ચૂંટણી પ્રચારમાં આવો અને રોજગારી મેળવો: રાજપીપળા પાલિકા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત

ચૂંટણી પ્રચારમાં આવો અને રોજગારી મેળવો: રાજપીપળા પાલિકા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત

0
195

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: ચૂંટણીમાં રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા જનતાને ઠાલા વચનો આપતા હોય છે, ચૂંટણી જીત્યા બાદ એ જ વચનો અભરાઈએ ચઢાવી દેતા હોય છે. પણ રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા ઉમેદવાર મુકેશ બારોટ (બ્રહ્મભટ્ટે) ચૂંટણી યોજાય એ પેહલા જ પોતે જીતે કે હારે પણ પોતાની સાથે પ્રચારમાં આવનારા 18 વર્ષથી ઉપરના પોતાના વોર્ડના જરૂરિયાતમંદ અને રોજગારી વગરના લોકોને રોજગારી અપાવવાની જાહેરાત કરી છે. મુકેશ બારોટનું (બ્રહ્મભટ્ટ) કેહવું છે કે આ જાહેરાત મેં ફક્ત મારા ચૂંટણી પ્રચારમાં લોકો આવે એવા આશયથી નથી કરી પણ એ બહાને લોકો મારી સાથે આવે અને એમને રોજગારી પણ મળે.

રાજપીપળા પાલિકામાં વર્ષો સુધી નોકરી કરનારા મુકેશ બારોટ (બ્રહ્મભટ્ટ) થોડોક સમય પેહલા જ રિટાયર્ડ થયા છે.હવે તેઓ રાજપીપળા પાલિકાની ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે.મુકેશ બારોટનું (બ્રહ્મભટ્ટ) એવું કેહવું છે કે ગંદકીથી ખદબદતા હાલના રાજકારણમાં મારુ જીતવું એટલું શક્ય મને લાગતું નથી, પણ જેટલા લોકો મને મત આપશે એ તમામ લોકો પ્રામાણિક હશે એવી મને ખાતરી છે.જો મને 10 મત પણ મળશે તો મને 10,000 મત મળ્યા બરાબર હું માનીશ.ચૂંટણી લડતા ઉમેદવારો મતદારોને રીઝવવા માટે વિસ્તારનો વિકાસ કરશે અને રોજગારી અપાવશે એવા વચનો આપે છે.પણ મારે એમને એમ કહેવું છે કે સરકારમાંથી જો ગ્રાન્ટ આવશે તો વિકાસ તો થવાનો જ છે વિકાસને કોઈ રોકી નહીં શકે, પણ ખરી જરૂરિયાત તો બેરોજગારી દૂર કરવાની છે એ વચન તો તેઓ પાળતા નથી.

રાજપીપળા પાલિકાની આવનારી ચુંટણીમાં વોર્ડ નંબર 4 માંથી હું અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો છું.મારા વોર્ડમાં ઘણા લોકો લોકડાઉનને કારણે રોજગારી વગર રખડે છે, તો એવા 18 વર્ષેથી ઉપરની ઉંમરના જે કોઈ પણ બેરોજગાર અને જરૂરિયાતમંદ વ્યક્તિ મારી સાથે ચૂંટણી પ્રચારમાં આવશે એમને હું મારાથી શક્ય એવી નાની-મોટી રોજગારી અપાવીશ, મારા વોર્ડના લોકો મારી સાથે પ્રચારમાં આવતા હોય તો એમની મદદ કરવાની મારી પણ ફરજ બને છે.લોકડાઉનમાં ઘણા લોકો ધંધા રોજગાર વગર બેકાર બનીને બેઠા છે તો એવા લોકોને નાની મોટી દુકાનમાં અથવા અન્ય જગ્યાએ હું રોજગારી અપાવું તો એમનું પણ ગુજરાન ચાલે એમના પરિવારને મદદ કરે, હું હારુ કે જીતુ એની મને કોઈ ચિંતા નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નગરપાલિકા જેવી સામાન્ય કહી શકાય એવી ચૂંટણીના ઉમેદવારે ચૂંટણી પરિણામની પરવાહ કર્યા વિના બેરોજગરોને રોજગારી અપાવવાની કરેલી પહેલ એ ખોટા વચનો આપતા મોટા અને ખંધા રાજકારણીઓના ગાલ પર તમાચા રૂપ કહી શકાય.જો મુકેશ બારોટનું (બ્રહ્મભટ્ટ) અનુકરણ અન્ય નેતાઓ કરે તો કદાચ આવનારા ભવિષ્યમાં ભારત દેશમાંથી બેરોજગારોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે એ નક્કી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9