Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજપીપળા પાલિકા ચૂંટણી: ભાજપ અને જનહિત રક્ષક પેનલના એક બીજા પર ગંભીર આક્ષેપ

રાજપીપળા પાલિકા ચૂંટણી: ભાજપ અને જનહિત રક્ષક પેનલના એક બીજા પર ગંભીર આક્ષેપ

0
199

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાની આગામી 28 ફેબ્રુઆરીએ ચુંટણી યોજવાની છે. આ વખતની ચૂંટણીમાં ભાજપની મુખ્ય હરીફાઈ કોંગ્રેસ સાથે નહિ પણ અપક્ષોની જનહિત રક્ષક પેનલ સાથે છે. હવે ભાજપ અને જનહિત રક્ષક પેનલના ઉમેદવારોએ પોત પોતાના વિસ્તારમાં પ્રચાર જોર સોરથી ચાલુ કરી દીધો છે.

એક તરફ ચુંટણીની તારીખ નજીક આવી રહી છે તો બીજી બાજુ ભાજપ અને જનહિત રક્ષક પેનલે એક બીજા પર ગંભીર આક્ષેપો લગાવતા પાલિકા ચુંટણીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપ પર આક્ષેપ લાગ્યો છે, તો બીજી બાજુ રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલના પુત્ર અને વોર્ડ 6 ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે જો રાજપીપળા પાલિકામાં ભાજપનું શાસન આવશે તો જ શહેરનો વિકાસ થશે, જેમને ભૂતકાળમાં ભાજપ માંથી બહાર કાઢ્યા હતા એ જ લોકોએ જનહિત રક્ષક પેનલ બનાવી 16 ઉમેદવારો ઉતાર્યા છે તો તેઓ સત્તામાં કેવી રીતે આવશે, એ લોકોએ કોઈને કોઈ પક્ષમાં તો જોડાવવું જ પડશે.

ભ્રષ્ટાચાર કર્યો છે એવું કહેવાથી સાબિત નથી થતું, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને સાબિત કરવું પડે.અલગ અલગ સિમ્બોલ વાળા અપક્ષોની પણ કોઈ પેનલ હોય એવું મેં પહેલી વાર જોયું છે.તેઓ પોતાના વિસ્તારમાં વ્યક્તિગત રીતે મત માંગે છે, 20 વર્ષ તેઓ સત્તામાં રહ્યા પ્રમુખ પણ બન્યા તે છતાં એમણે એમના વોર્ડ 7 નો જ વિકાસ કર્યો નથી, એ વોર્ડનો વિકાસ તો ભાજપે કર્યો છે અને હાલ પણ વિકાસના કામો થઈ રહ્યા છે.એમણે તો વિકાસમાં ફક્ત રોડા નાખ્યા છે.અમે સતામાં આવ્યા બાદ ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઈનના કામો પુરા કરીશું, શહેરના વિકાસને આગળ વધારીશું.

ભાજપ-જનહિત રક્ષક પેનલ વચ્ચે મુકાબલો

તો બીજી બાજુ જનહિત રક્ષક પેનલના મુખ્ય કન્વીનર નિલેશભાઈ આટોદરિયાએ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકામાં ગત વખતે દર મહિને બોગસ સફાઈ કર્મીઓના નામના ખોટા મસ્ટરો બનાવ્યા હતા, વર્ષ 2015 પહેલાં 20 લાખથી વધુ રૂપિયાનું મસ્ટર કોઈ દિવસ બન્યું નથી, જ્યારે 2015 થી 2018 સુધીમાં દર મહિલાએ 45 લાખ રૂપિયાથી ઓછું કોઈ મસ્ટર (રોજમદારોની હાજરી પત્રક) બન્યું નથી, અને 2018 થી 2020 સુધીમાં ફરી પાછું 20 લાખ રૂપિયાનું મસ્ટર બન્યું, આવું કેમ?.રાજપીપળા પાલિકામાં ભાજપ શાસનમાં બોગસ રોજમદારો ઉભા કરી શહેરની જનતાના પરસેવાના લાખો રૂપિયા ચાઉ થયા છે.

રાજપીપળા પાલિકામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત હોવા છતાં ક્યાં કારણોસર કોંગ્રેસના સભ્યને ગ્રાંટ વાપરવાની સંપૂર્ણ સત્તા આપી.ભાજપના નામે ચૂંટાઈ કોંગ્રેસ સાથે મળી ભ્રષ્ટાચાર કરવા માટે જ આવુ કર્યું લાગે છે.રાજપીપળા પાલિકામાં રેતી, કપચી ખરીદીના GST અને રોયલ્ટી વગરના બિલો ઉધારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.

આ બધા અમારા પોતાના શબ્દો નથી RTI હેઠળ અમને માહિતી મળી છે.રાજપીપળા પાલિકામાં જે વિકાસના કામો થયા એ તકલાદી કામ થયા છે, 45 લાખનું વિજયસિંહ મહારાજનું સર્કલ 45 લાખનું હશે એ પ્રશ્ન છે.વર્ષો જૂની ઐતિહાસિક ઇમારતોમાં કલર કામમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે.

જો ભાજપ સતામાં આવશે તો સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્રને પ્રમુખ બનાવશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજપીપળા પાલિકામાં હાલ ભાજપ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યુ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો આ વખતે ભાજપ સત્તામાં આવશે તો રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલને પાલિકા પ્રમુખ બનાવાય એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, અને સાથે સાથે આ વખતની ચૂંટણી પણ એમની જ આગેવાની હેઠળ લડાઈ રહી છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 562 રજવાડાનુંં મ્યૂઝિયમ બનાવવા થઇ કમિટીની રચના

રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક કામો ગેરકાયદેસર ફરતો ઠરાવ કરી થયા છે, ફરતા ઠરાવથી રાજપીપળા પાલિકા ફાયરના કર્મચારીઓને ઘરે બેસાડી દીધા છે, ફરતા ઠરાવની મીની એકટમાં જોગવાઈ પણ નથી. રાજપીપળા ગાર્ડનમાં જે લારીઓ છે એમની પાસે 40 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા, કેબિનના 5 રૂપિયાની જગ્યાએ 20 અને લારીના 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા વેરો લેવાય છે.લોકડાઉનમાં વેરો વધારી કેટલાક લાલચુ સભ્યોએ ગરીબોનો નિશાશો લીધો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat