Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગંભીર બેદરકારી : રાજપીપળા કોવિડ હોસ્પિ.માં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!

ગંભીર બેદરકારી : રાજપીપળા કોવિડ હોસ્પિ.માં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!

0
192
  • રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં રેઢિયાળ તંત્રની ગંભીર બેદરકારી 
  • હોસ્પિ.માં દાખલ એક મહિલા દર્દીને સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!
  • મોટે ભાગના કોરોના દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર અર્થે જવાનું પસંદ કરતાં

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોના દર્દીને જો સારવાર આપવામાં જરાક પણ ચૂક થાય અથવા સમય બગડે તો ગંભીર પરિણામ આવવાની પૂરેપુરી સંભાવનાઓ રહેલી છે. ત્યારે રાજપીપળા કોવિડ હોસ્પિટલ (Rajpipla covid hospital news) માં દાખલ એક મહિલા દર્દીને સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટના રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં રેઢિયાળ તંત્ર બેદરકારી ચાલી રહી હોવાની ચાડી ખાય છે.

અગાઉ પણ રાજપીપળા કોવિડ હોસ્પિટલના સારવાર બાબતે તબીબો પર ઘણા આક્ષેપો લાગ્યા હતાં. વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન પણ પુરવાર થયું હતું. જો કે એ બાદ વેન્ટિલેટર ઓપરેટ કરવા ખાનગી તબીબોની મદદ લેવાઈ હતી.

રાજપીપળામાં 6/9/2020 નાં રોજ પરિણીત મહિલા ભાવનાબેન સોલંકી અને એમનો પુત્ર રેપીડ એન્ટીજન ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ આવતા બન્નેને રાજપીપળા કોવિડ હોસ્પિટલ (Rajpipla covid hospital news) માં સારવાર અર્થે દાખલ કરાયા હતાં. મહિલા દર્દી પોતાના પુત્ર સાથે 2 વાગે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. ત્યાંથી 3 વાગે બન્નેને અલગ-અલગ વોર્ડમાં દાખલ કરાયા હતાં. એ પૈકી મહિલા દર્દીને આઈશોલેશન વોર્ડ-2માં દાખલ કરાઈ હતી.

આ પણ વાંચોઃ કોરોના કહેર: જામનગરમાં એક જ પરિવારનાં 3 સગા ભાઇઓનાં મોતથી ચકચાર

મહિલાને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “જે સમયે મને દાખલ કરાઈ ત્યારે પણ ધગધગતો હતો. એ બાદ તાવ આવે અને ઉતરી જાય એવી સ્થિતિ વચ્ચે પણ હોસ્પિટલના સ્ટાફ તરફથી કોઈ પણ જાતની ગોળી કે અન્ય દવા આપવામાં આવી ન હતી. મે આ બાબતે ફરિયાદ કરી પણ કોઈએ મારી ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં. છેવટે રાત્રે 10:30 વાગ્યાનાં અરસામાં દાખલ થયાના 8 કલાક બાદ ગોળી અને અન્ય દવાઓ આપી મારી સારવાર ચાલુ કરાઈ હતી. મારા જ વોર્ડમાં મારી પછી આવેલા દર્દીઓની સારવાર તુરંત ચાલુ કરી દેવાઈ હતી.”

આ બાબતે નર્મદા જિલ્લા CDMO અને રાજપીપળા કોવિડ હોસ્પિટલના હેડ ડોકટર જ્યોતિ ગુપ્તાએ ગુજરાત એક્સક્લુઝીવ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, “શિફ્ટ બદલાઈ ગઈ છે એટલે કેમ આવું થયું હશે એ હું તપાસ કરીશ. કોરોના દર્દી દાખલ થાય ત્યારે એને શિડયુલ મુજબ દવા-ગોળી આપી તુરંત સારવાર ચાલુ થવી જ જોઈએ. સારવારમાં કેમ ચૂક થઈ એ હું તપાસ કરીશ. જ્યારે નર્મદા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે એ મહિલા દર્દીને પેરાસીટમોલ સહિત અન્ય દવાઓ અપાઈ ગઈ છે.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના દર્દીઓની સારવાર મામલે રાજપીપળા કોવિડ હોસ્પિટલના અમુક તબીબો વિરુદ્ધ અનેક સવાલો ઉભા થયા હતાં. એ જ કારણોસર મોટે ભાગના કોરોના દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર અર્થે જવાનું પસંદ કરતાં હતાં. કોરોના દર્દી માટે એક-એક મિનિટ કિમતી હોય છે ત્યારે જ્યારે દર્દીને સારવાર માટે 8-8 કલાક સુધી રાહ જોવી પડે એનાથી વધારે બેદરકારી બીજી કોઈ જ ન કહી શકાય. આ ઘટના બાદ નર્મદા જિલ્લા કલેક્ટર જવાબદારો સામે કડક પગલાં લે છે કે કેમ એ જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Covid-19: 24 કલાકમાં ફરીથી 90 હજારથી વધુ સંક્રમિત, દેશમાં કુલ કેસ 42 લાખને પાર