Gujarat Exclusive > The Exclusive > ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની રજતતુલાનો કાર્યક્રમ યોજાયો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની રજતતુલાનો કાર્યક્રમ યોજાયો

0
58
  • 83 કિલો ચાંદીના ચોરસાનું રાજયના છ અંધજન શાળામાં ભેટ સ્વરૂપે અપાશે

  • રજતતુલા દ્વારા સેવાકીય કાર્યની અનોખી પ્રથા જૈન સમાજે શરૂ કરી છે: સી.આર. પાટીલ

ગાંધીનગર: લક્ષ્મી ગ્રૂપ તેમજ ગોદાણી ગ્રૂપ દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની રજતતુલાનો કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ભવન બોડકદેવ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં 83 કિલોની રજતતુલા ( ચાંદીના ચોરસા )થી તેમને નવાજવામાં આવ્યા હતા. આ 83 કિલોના ચાંદીના ચોરસા ગુજરાતની છ અંધજન શાળાઓને ભેટ સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓને સંબોધતા સી.આર. પાટીલે રાજકીય, સામાજિક કાર્યકર્તાની રજતતુલા દ્વારા સેવાકીય કાર્યની અનોખી પ્રથા જૈન સમાજે શરૂ કરી છે તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આજની રજતતુલાને અંધજન મંડળમાં ભેંટ સ્વરૂપે આપવામાં આવશે તે જાણીને ખુબજ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. સેવાકીય પ્રવૃત્તિની આ બાબત આપણે જૈન સમાજ પાસેથી શીખવી પડે તેમ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું.

સો વર્ષ જૂના શૈક્ષણિક સંસ્થા કે હોસ્પીટલો આપણે જોઈએ તો તેમાં દાનદાતાઓની યાદીમાં જૈન શ્રેષ્ઠીઓના નામો અચૂક અને મુખ્ય હોય છે તે અભિનંદનીય છે. સેવાની કોઈપણ પ્રવૃત્તિમાં જૈન સમાજમાં સક્રિયતા જોવા મળે છે. માત્ર વેપાર જ નહિ પરંતુ તમામ ક્ષેત્રોમાં જૈન ભાઈઓ આગળની હરોળમાં દેખાય છે. કોરોના કાળમાં જૈન સમાજ દ્વારા ખુબજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર તેમજ ભાજપ વતી લાખ-લાખ શુભેચ્છા પાઠવ્યા હતા.

આજના આ પ્રસંગે આનંદજી કલ્યાણજી પેઢીના સંવેગભાઇએ જણાવ્યું કે સી.આર. પાટીલે તેમનું પોણા ભાગનું જીવન સમાજ સેવા માટે અર્પણ કરી દીધું છે તે એક ખુબ મોટી બાબત છે. યુગોથી જૈન સમાજે તમામ લોકોનું ઉત્થાન થાય તેવા પ્રયત્નો કર્યા છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે જૈન સમાજ પ્રયત્નશીલ રહ્યો છે. 160 વર્ષ જુના સિવિલ હોસ્પિટલમાં હરકુંવર શેઠાણીએ તે સમયે 1.5 લાખ રૂ નું અનુદાન આપ્યું હતું. શેક્ષણિક સંસ્થાઓ જેવી કે IIM , NID,ATIRA ની સ્થાપના જૈન શ્રેષ્ઠી વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈના હસ્તે થયેલ છે.

જૈન શ્રેષ્ઠી કલ્પેશભાઈએ મચ્છુ ડેમ હોનારતના સમયને યાદ કરતા જણાવ્યું કે તે સમયે આજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સતત 22 દિવસ સુધી લોકોની સેવા કરવાનો અવસર સાંપડ્યો હતો તે યાદ છે, દેશ અપ્રતિમ પ્રગતિ કરે તેમાં જૈન સમાજ હરહંમેશ ખભાથી ખભો મિલાવીને ચાલશે તેવી ખાતરી આપી હતી.

આજના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા, રજની પટેલ, સાંસદ નરહરી અમીન, ચેરમેન સુનિલ સિંઘી કર્ણાવતીના મેયર કિરીટ ભાઈ, કર્ણાવતીના અધ્યક્ષ અમિત પી શાહ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર. પાટીલનું વજન 94 કિલો થયું હતું, 101 કિલો રજતતુલા અપાઇ હતી

ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા જિલ્લાના સંગઠન પ્રભારી તથા ગોદાણી ગ્રુપના ચેરમેન સુરેશભાઇ શાહે જણાવ્યું કે, ગોદાણી ગ્રુપ અને લક્ષ્મી ગ્રૂપના ચેરમેન જયેશભાઇ શાહ દ્વારા આ રજતતુલા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એક વર્ષ પહેલાં સુરતમાં રજતતુલાનો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે તેમનું વજન 94 કિલો થયું હતું. પરંતુ 101 કિલો રજતતુલા અપાઇ હતી. કેમ કે વજનનો અંદાજ ના હોવાથી વધુ ચાંદીના ચોરસા લાવ્યા હતા. તમામ મૂકી દીધા હોવાથી પાછા લીધા ન હતા. તે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભેટ સ્વરુપે આપવામાં આવી હતી. એક વર્ષ દરમિયાન સી.આર. પાટીલે ભાજપ પ્રદેશ અધ્યક્ષના સુકાનીપદે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોવાથી ફરીવાર તેમની રજતતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat